Abtak Media Google News

ઇસ્લામિક સંગઠન આઈએસઆઈએસ દેશમાં યુવાનોને કટ્ટરપંથી બનાવી આતંકવાદી સંગઠન સાથે જોડવાના ષડયંત્ર મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના ષડયંત્ર વિરુદ્ધ દેશભરમાં 41 સ્થળો પર એક સાથે મોટા દરોડા પાડ્યા છે. મહારાષ્ટ્રમાં મોટાભાગના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે જેમાં થાણે ગ્રામીણ, થાણે શહેર, પુણે-મીરા ભાયંદરનો સમાવેશ થાય છે. આ સિવાય કર્ણાટકમાં એક જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. સૌથી મોટી વાત એ છે કે આ દરોડા થાણેના ગ્રામીણ વિસ્તારોમાં થઇ રહ્યા છે.

Advertisement

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 41થી વધુ સ્થળો પર દરોડા પાડતી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી

એનઆઈએના દરોડા દરમિયાન અનેક ખુલાસા થયાનું પણ જાણવા મળી રહ્યું છે. એનઆઈએ આતંકવાદીઓના આંતરરાષ્ટ્રીય જોડાણો અને વિદેશી-આધારિત આઈએસઆઈએસ હેન્ડલર્સની સંડોવણી સાથેના મોટા ષડયંત્રનો પણ પર્દાફાશ કર્યો છે. એનઆઈએની તપાસમાં ભારતમાં આઈએસઆઈએસની આતંકવાદી વિચારધારાનો પ્રચાર કરવા માટે પ્રતિબદ્ધ લોકોના જટિલ નેટવર્કનો ખુલાસો થયો છે. આ નેટવર્કે આઈએસઆઈએસના સ્વ- ઘોષિત ખલીફા પ્રત્યે વફાદારી લીધી હતી અને નેટવર્ક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઈઈડી) પણ તૈયાર કરી રહ્યું હતું. આ સંગઠનનો ઉદ્દેશ્ય તેના ઓપરેટિવ્સ દ્વારા ભારતીય ધરતી પર આતંકવાદી કૃત્યો અંજામ આપવાનો છે.

એનઆઈએએ જે કેસમાં દરોડા પાડ્યા છે તે આઈએસઆઈએસની વિચારધારા ફેલાવવા સંબંધિત છે. હકીકતમાં એજન્સીએ થોડા દિવસો પહેલા જ એક આરોપી અને તેના કેટલાક સહયોગીઓની ધરપકડ કરી હતી. જેમના પર ઇસ્લામિક સંગઠનની કટ્ટરપંથી વિચારધારા ફેલાવવાનો અને ભારતમાં આતંકવાદી સંગઠન બનાવવાનો આરોપ હતો. આ સંગઠને ભારતમાં ઇસ્લામિક શાસનના ઉદ્દેશ્ય સાથે ઘણા યુવાનોની ભરતી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.