Abtak Media Google News

કાલે સિન્ડીકેટની બેઠકમાં ગેરરીતિ મામલે ભવન અધ્યક્ષ મુખર્જી અને પ્રોફેસર ડો.જયદિપસિંહ ડોડીયા સામે કાર્યવાહીનો નિર્ણય લેવાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું અંગ્રેજી ભવન એમફીલ અને પીએચડીની પ્રવેશ પ્રક્રિયાનાં કારણે છેલ્લા એક વર્ષથી અનેક વિવાદોથી ઘેરાયેલું છે ત્યારે ગત સિન્ડીકેટમાં ભવન અધ્યક્ષ મુખર્જી અને પ્રોફેસર જયદિપસિંહ ડોડીયાને કસુરવાર ઠેરવી ઈજાફા કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જોકે બે દિવસ પૂર્વે એબીવીપી દ્વારા કુલપતિ પેથાણીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ સમગ્ર મામલે પ્રોફેસર જયદિપસિંહ ડોડીયા જ એકલા કસુરવાર હોય અને તેની સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારે આજે એનએસયુઆઈ દ્વારા અંગ્રેજી ભવનનાં વિવાદમાં પ્રોફેસર જયદિપસિંહ ડોડીયાને  વ્યકિતગત રીતે ટાર્ગેટ બનાવવાની હિલચાલને બંધ કરી સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા કુલપતિને લેખિતમાં રજુઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગઈકાલે અબતકનાં અહેવાલ બાદ એનએસયુઆઈ સફાળુ જાગ્યું હતું અને આજે કુલપતિ સમક્ષ સમગ્ર મામલે તપાસ કરવા માંગ કરી હતી.

રાજકોટ જિલ્લાનાં એનએસયુઆઈ પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી અંગ્રેજી ભવનનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અંગ્રેજી ભવનનાં પૂર્વ અધ્યક્ષ પ્રોફેસર જયદિપસિંહ ડોડીયા અને ભવનનાં વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવા ષડયંત્ર રચવામાં આવ્યું છે. છેલ્લા એક વર્ષથી ભવનમાં પીએચડીનાં એડમિશન માટે ૨૪ અરજીઓ આવી છે છતાં ડીઆરસી યોજાઈ નથી. દર છ મહિને મળવી જોઈએ તેવી આરએસીની મીટીંગ પણ મળી નથી. ભવનનાં અનેક સંશોધકોનું ભવિષ્ય અઘ્ધરતાલ લટકી રહ્યું છે ત્યારે ભવનનાં અન્ય પ્રોફેસરો ડો.જયદિપસિંહ ડોડીયાને ટાર્ગેટ કરતા હોય તેવું લાગી રહ્યું છે.  સમગ્ર પ્રકરણ મામલે વાસ્તવિકતા એ છે કે, પ્રોફેસર જયદિપસિંહ ડોડીયા અંગ્રેજી ભવનનાં સંશોધકોને ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ મદદ‚પ થવા માટે હંમેશા તત્પર રહે છે ત્યારે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવામાં આવે અને ગત સિન્ડીકેટમાં ભવનનાં અધ્યક્ષ ડો.મુખર્જી અને પ્રોફેસર જયદિપસિંહ ડોડીયાનાં ઈજાફા કાપવાનું નકકી કરાયું છે ત્યારે અમુક વિદ્યાર્થી સંગઠન દ્વારા ડો.મુખર્જીને છાવરવાની માંગ પણ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે આવતીકાલે સિન્ડીકેટમાં યોગ્ય તપાસ થાય અને સિન્ડીકેટ યોગ્ય કાર્યવાહી કરે તેવી અમારી ઉગ્ર માંગ છે.

આજની આ રજુઆતમાં એનએસયુઆઈનાં જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપૂત, અભી તલાટીયા, મોહિલ ડવ, દર્શન આહિર, ભાર્ગવ પટેલ સહિતનાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.