Abtak Media Google News

ઓફલાઇન-ઓનલાઇન વચ્ચે બાળકોનું ભાવિ રોળાયુ છે. જો ઓફલાઇન શિક્ષણ મહત્વનું ન હોત તો ઋષિમુનિઓના આશ્રમમાં રાજકુમારો ભણવા માટે જાત જ નહીં. ઓફલાઇન શિક્ષણ એક માહોલ બનાવે છે સાથે વિદ્યાર્થીઓને ડીસીપ્લીન અને જીવન જીવવાના પાઠ પણ ભણાવે છે.

ઓનલાઇન કરતા ઓફલાઈનમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો તે હિતાવહ છે. તેવું શાળા સંચાલકો જણાવી રહ્યા છે. તેઓ કહે છે કે  વિદ્યાર્થીઓને અભ્યાસનું સાનુકૂળ વાતાવરણ શાળામાં મળતું રહે છે. શાળા સંચાલકોની આ વાત વિચારવા જેવી તો છે જ કારણકે બાળકોએ બે વર્ષ ઓનલાઇન શિક્ષણ મેળવ્યું છે. હવે તેઓ ઓચિંતા શાળામાં ઓફલાઇન શિક્ષણ માટે જશે તો તેઓની માનસિક સ્થિતિ શુ બનશે ?

બીજું એ કે ઓનલાઇન શિક્ષણે બાળકોમાં અનેક દુષણો પણ નાખ્યા છે. બાળકોને મોબાઈલ- કોમ્પ્યુટરની લત લાગી છે. આ ગેજેટના ઉપયોગની સાથે ઘણા ગેરઉપયોગ પણ છે. જો બાળકો તે તરફ વળે તો ? આમ ઓનલાઇન શિક્ષણે વાલીઓને ચિંતામાં પણ મૂકી દીધા છે.

અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતો સમય ઓનલાઇન શિક્ષણ નો છે. આવા દાવા કરી મોટી મોટી કંપનીઓ આ ક્ષેત્રમાં રોકાણો કરી અત્યારથી જ પગદંડો જમાવવાના પ્રયાસ કરી રહી છે. અત્યારે આવી કંપનીઓ કરોડો રૂપિયા ખર્ચી મસમોટી જાહેરાતો પણ કરી રહી છે. પણ નિષ્ણાંતો માને છે કે ઉચ્ચ શિક્ષણમાં કદાચ ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધી શકે છે પણ પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષા અને માતૃભૂમિથી અલગ રહી જ ન શકે. ભલે અંગ્રેજી મીડીયમમાં અભ્યાસ હોય, પણ માતૃભાષાની મદદ વગર તે અધૂરું છે.

ટૂંકમાં એક વાત સ્પષ્ટ છે કે ઓનલાઇન શિક્ષણના ફાયદા છે. પણ સામે નુકસાન પણ ઘણું છે. જ્યારે ઓફલાઇન શિક્ષણના નુકસાન પ્રમાણમાં ઓછા છે. ફાયદા નુકસાનને એક બાજુ મૂકીએ, વાસ્તવિકતા એ છે કે આ ઓનલાઇન- ઓફલાઇન વચ્ચે બાળકોનું ભવિષ્ય રોળાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.