Abtak Media Google News

શહેરમાં કોરોના કેસમાં સતત થઇ રહેલા વધારાને કારણે હવે મહાપાલિકા આકરાં નિયંત્રણ મુકવાના મૂડમાં

 

અબતક, રાજકોટ

શહેરમાં છેલ્લાં ઘણા દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લાં 8 દિવસમાં કોરોનાના 50 કેસ નોંધાયા છે. હવે સંક્રમણને રોકવા માટે મહાપાલિકાનું તંત્ર એલર્ટ થઇ ગયું છે. આગામી દિવસોમાં કેટલાંક નિયંત્રણો પણ મુકવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. સીટી બસ અને બીઆરટીએસ બસમાં મુસાફરોનું સ્ક્રિનિંગ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ઓવર લોડેડ દોડતી બસોમાં સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન થાય તે રીતે મુસાફરો બેસાડવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આવામાં હવે મહાપાલિકા સંચાલિત સીટી બસ અને બીઆરટીએસમાં ટૂંક સમયમાં મુસાફરોનું સ્ક્રિનિંગ શરૂ કરવામાં આવશે. કંડક્ટરોએ થર્મલ ગન આપવામાં આવશે. સ્ક્રિનિંગ દરમિયાન શંકાસ્પદ જણાય તેવા મુસાફરોનો એન્ટીજન કે આરટીપીસીઆર રિપોર્ટ પણ કરવામાં આવશે. હાલ મહાપાલિકા પાસે મર્યાદિત સંખ્યામાં સીટી બસ અને બીઆરટીએસ બસ ઉપલબ્ધ હોય, બસોમાં સારૂં એવું ટ્રાફિક રહે છે. હવે જ્યારે કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે બસમાં ઓવર લોડેડ મુસાફરોને લેવામાં આવશે નહીં એવી પણ તેઓએ ઘોષણા કરી છે. આગામી દિવસોમાં મહાપાલિકા દ્વારા કેટલાંક આકરાં નિયંત્રણો મુકવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે.

રાજકોટ જિલ્લામાં ઓમિક્રોનની એન્ટ્રી થઇ ગઇ છે. દરમિયાન સિવિલમાં હજુ 3 શંકાસ્પદ ઓમિક્રોનના દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. તેઓના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. જો ઓમિક્રોનના વધુ કેસ આવશે તો આગામી દિવસોમાં કડક નિર્ણયો લઇ શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.