Abtak Media Google News

અબતક, રાજકોટ :

Advertisement

વીજ તંત્રની ખાસ 45 ટીમોએ માત્ર 27 દિવસમાં સાઈટ ઉપર તથા ઇન હાઉસ 946 ટ્રાન્સફોર્મર રીપેર કર્યા : રીપેરીંગમાં સમય પણ બચ્યો સાથે રૂ. 1.08 કરોડનો ખર્ચ પણ બચ્યો

પીજીવીસીએલ મેનેજમેન્ટે એક કાંકરે બે નિશાન પાર પાડ્યા છે. એક તરફ ટ્રાન્સફોર્મરની અછત, બીજી તરફ મર્યાદિત એજન્સી હોવાથી સર્જાયેલી સમસ્યાનું એમડી વરુણકુમાર બરનવાલે આગવી સૂઝબૂઝથી સમાધાન કાઢયુ છે. તેઓની સૂચનાથી હવે જાતે જ ટીસી રીપેરીંગ શરૂ થયું છે. જેથી ટીસીની અછત પણ ખાળવામાં પણ સફળતા મળી છે. સાથે રૂ.1.08 કરોડની બચત પણ થઈ છે.

એક તરફ ટ્રાન્સફોર્મરની અછત, બીજી તરફ મર્યાદિત એજન્સી હોવાથી સર્જાયેલી સમસ્યાનું આગવી સૂઝબૂઝથી સમાધાન કાઢતા એમડી વરુણકુમાર બરનવાલ
પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું કે ટ્રાન્સફોર્મરની અછતની સમસ્યા વધી હતી. છેલ્લા થોડા વર્ષોમાં ટ્રાન્સફોર્મરની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે. પણ રીપેરીંગ કરતી એજન્સીની સંખ્યા યથાવત રહી હતી. જેના કારણે થયું એવું કે ટીસી રિપેરીંગમાં વધુ સમય રહેતું હોય ટીસીની અછત વર્તાતી હતી. આ સમસ્યાના સમાધાન રૂપે પીજીવીસીએલે જાતે જ રીપેરીંગ શરૂ કર્યું છે.
પીજીવીસીએલ પાસે 10.50 લાખ ટ્રાન્સફોર્મર, એજન્સીઓ રીપેરીંગમાં પહોંચી શકતી નથી
પીજીવીસીએલના એમડીએ જણાવ્યું કે હાલ કંપની પાસે 10.50 લાખ ટ્રાન્સફોર્મર છે. થોડા વર્ષો પૂર્વે કંપની પાસે 3થી 4 લાખ જેટલા ટ્રાન્સફોર્મર હતા. ત્યારે જેટલી રીપેરીંગ એજન્સી હતી. અત્યારે પણ તેટલી જ છે. જેને કારણે રીપેરીંગ એજન્સી પાસે પણ કામનો ભરાવો થતો હતો. એજન્સીઓ રિપેરીંગના કામમાં પહોંચી શકતી ન હતી. પરિણામે પીજીસીએલે જાતે જ રીપેરીંગ શરૂ કર્યું છે.
રીપેરીંગની કામગીરી 45 ટીમો દ્વારા કરાઈ છે 
પીજીવીસીએલના મેનેજીંગ ડિરેકટર વરુણકુમાર બરનવાલે કહ્યું કે પીજીવીસીએલ દ્વારા સાઈટ ઉપર તથા ઇન હાઉસ ટ્રાન્સફોર્મર રીપેરીંગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ માટે 45 જેટલી ટ્રાન્સફોર્મર મેઈન્ટેનન્સ સ્કવોડ કાર્યરત કરવામાં આવી છે. આ ટિમો ટ્રાન્સફોર્મરના રીપેરીંગની સારી કામગીરી કરી રહી છે.
જાતે રીપેરીંગ કરવાનો મોટો ફાયદો : ભારેખમ ટીસીનો પરિવહનની કડાકુટ રહેતી નથી
મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું કે ટ્રાન્સફોર્મરમાં ક્ષતિ આવ્યા બાદ ખાસ સ્ક્વોડ ત્યાં જઈને સાઈટ ઉપર જ રીપેરીંગ કરવાના પ્રયાસ કરે છે. ઘણા ટીસી સાઈટ ઉપર જ રીપેર થઈ જતા હોય ભારેખમ ટીસીને બીજે લઈ જવાની કડાકુટ રહેતી નથી. જ્યારે એજન્સીને ટીસી રીપેર માટે આપવાનું હોય ત્યારે પરિવહનની કડાકૂટ રહે છે.
હાલ 15 ટકા ટ્રાન્સફોર્મરનું જાતે રીપેરીંગ, હવે 30 ટકાનો લક્ષ્યાંક 
મેનેજિંગ ડિરેક્ટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું કે પીજીવીસીએલ દ્વારા અત્યારે માત્ર પાયલોટ પ્રોજેક્ટ રૂપે જાતે રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને સફળતા મળી છે. અત્યારે 15 ટકા જેટલા ટ્રાન્સફોર્મરનું કંપની જાતે રીપેરીંગ કરે છે. હવે આગામી દિવસોમાં 30 ટકા ટ્રાન્સફોર્મર રીપેર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
4 સ્થળોએ રીપેરીંગ માટે જરૂરી સવલતો ઉભી કરાશે
પીજીવીસીએલના એમડીએ કહ્યું કે ટ્રાન્સફોર્મરને જાતે રીપેર કરવાની કામગીરી પ્રારંભિક તબક્કે જ સફળ રહી છે. એટલે હવે આ કામગીરી ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે 4 સ્થળોએ રીપેરીંગ માટે જરૂરી સવલતો ઉભી કરાશે. જ્યાં શેડ બનાવી અંદર જરૂરી સાધન સામગ્રી મુકવામાં આવશે.
ટ્રાન્સફોર્મર રીપેરીંગ કરનાર પાંચ ટીમોનું પ્રજાસત્તાક પર્વે સન્માન કરાશે 
એમડીએ જણાવ્યું કે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વે પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ ખાતી મેનેજમેન્ટ દ્વારા 45 ટ્રાન્સફોર્મર મેઇનટેનન્સ સ્ક્વોડ પૈકી શ્રેષ્ઠ કામગીરી કરનાર ટોચની 5 ટીમોનું પુરસ્કાર કરી તેઓની કામગીરીને બિરદાવવામાં આવશે. જો કે તમામ ટીમની કામગીરી શ્રેષ્ઠતા રહી છે. હજુ પણ આ ટિમો આવી જ રીતે કામગીરી કરતી રહેશે તેવી આશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.