Abtak Media Google News

ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ ૩ હજાર ફાર્મસી દુકાનોના લાઇસન્સ રદ કરે તેવી સંભાવના

ગુજરાત રાજયમાં દવાની દુકાનોનાં જાણે રાફડા ફાટયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. કોઈપણ દવાની દુકાન શરૂ કરનાર વ્યકિત એટલે કે ફાર્માસીસ્ટને યોગ્ય લાયકાતનાં આધારે જ લાયસન્સ એનાયત થતું હોય છે. જેમાં ફાર્માસીસ્ટનું ભણતર અને તેની લાયસન્સની પ્રક્રિયાનાં આધારે જ દવાની દુકાન શરૂ કરવા માટે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલ દ્વારા લાયસન્સ મળતું હોય છે પરંતુ દિન-પ્રતિદિન રાજયમાં અન્યનાં નામે દવાની દુકાનો શરૂ કરનાર અને બીજાનાં નામે ફાર્માસીસ્ટનું લાયસન્સ લેનાર સામે તંત્રએ લાલ આંખ કરી છે. આંકડાકિય માહિતી મેળવવામાં આવે તો ગત ૬ માસમાં ૨૪૧ થી વધુ ફાર્માસીસ્ટનાં લાયસન્સ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલ દ્વારા રદ કરવામાં આવ્યા છે.

કોઈપણ ઉધોગ કે વેપાર જયારે વેપારીકરણ થતું હોય તો તેનાં ચોકકસ નીતિ-નિયમો હોય છે અને તેનું પાલન તેઓએ કરવું પડે છે પરંતુ જે રીતે રાજયમાં  દવાનું વેપારીકરણ થયું છે અને ત્યારથી દવાનો વેપલો ખુબ જ મોટા પ્રમાણમાં શરૂ થયો છે તે જોતા રાજયમાં દવાની દુકાનોની સ્થિતિ ખુબ જ દયનીય બની છે અને કયાંકને કયાંક તંત્ર સાથે છેતરપિંડી કરતા હોવાનું પણ સામે આવ્યું છે. સવિશેષ વાત કરવામાં આવે તો આ વેપલાને રોકવા માટે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલે રાજયની ૩૦૦૦થી વધુ ફાર્માસીસ્ટ દુકાનોને ચેતવણી આપી છે કે જો યોગ્ય રીતે તેઓ તેમનો વેપાર નહીં કરે તો તેમનાં લાયસન્સોને પણ રદ કરવામાં આવશે. જીએસપીસીનાં જણાવ્યા અનુસાર આશરે ૧૦૩ ફાર્માસીસ્ટને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી થતા જ ફાર્માસીસ્ટ વ્યાપારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જયારે અન્ય ફાર્માસીસ્ટ પણ જીએસપીસીની બાજ નજર હેઠળ આવી ગયા છે અને જેમાંથી અનેકવિધ ફાર્માસીસ્ટને ચેતવણી પણ આપી દેવામાં આવી છે. ભારતમાં સૌપ્રથમ વખત આટલા મોટા પ્રમાણમાં લાયસન્સ રદ થવાની ઘટતા ગુજરાત રાજયમાં સૌપ્રથમ વખત ઘટી છે. જીએસપીસી એટલે કે ગુજરાત સ્ટેટ ફાર્મસી દ્વારા મળતી વિગત મુજબ જે કોઈનાં નામે ફાર્માસીસ્ટનું લાયસન્સ લેવામાં આવ્યું હોય તે વ્યકિત અન્ય જગ્યાએ જો કામ કરતો હોય તો તે ગેરકાનુની કહેવાય ત્યારે આ પ્રકારનાં કિસ્સાઓ રાજયમાં અનેકવિધ હોવાનાં કારણે દવાનો વેપલો અત્યંત હદે વધી ગયો હતો જે અંગેની જીએસપીસીને માહિતી મળતા સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સરકારી સુત્રોનાં જણાવ્યા અનુસાર ફાર્માસીસ્ટ તે સૌથી સારું પ્રોફેશન માનવામાં આવે છે અને કોઈપણ દવાની દુકાનમાં દવા ડોકટરની સલાહ મુજબ જ આપવામાં આવતી હોય છે ત્યારે એવા અનેકવિધ કિસ્સાઓ સામે આવ્યા છે કે, કોઈ એક વ્યકિત ફાર્માસીસ્ટનું લાયસન્સ લઈ કોઈ બીજી જ કંપનીમાં કામ કરતો હોય ત્યારે જીએસપીસીનાં પ્રેસીડેન્ટ મોન્ટુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ પ્રકારની જે ગેરરીતિ આચરવામાં આવી રહી છે તે કોઈપણ ભોગે નહીં ચલાવાય જેનાં કારણે ગુજરાત રાજયનું ફાર્માસીસ્ટ ક્ષેત્રે કોઈ ઉણું દેખાય તે પણ નહીં ચલાવવામાં આવે. આ કાર્યવાહી કરાતાની સાથે જ રાજયનાં ફાર્માસીસ્ટમાં ભયની લાગણી સ્થપાઈ ગઈ છે.

નિયમો અનુસાર કોઈપણ દવાની દુકાન શરૂ કરનાર ફાર્માસીસ્ટે તેનો ફોટો તેના બોર્ડ ઉપર લગાવવાનો રહેતો હોય છે પરંતુ આ નિયમનું પાલન રાજયનાં અનેકવિધ કહી શકાય કે મોટા પ્રમાણમાં ફાર્માસીસ્ટો પૂર્ણ કરતા નથી ત્યારે જીએસપીસી દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી રાજયમાં ફાર્માસીસ્ટ દ્વારા ચલાવવામાં આવતા વેપલા ઉપર અંકુશ લગાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.