Abtak Media Google News

રાજકોટની સરકારી-ખાનગી કોલેજોમાં સાયન્સનાં ઢગલાબંધ કોર્સમાં વિદ્યાર્થીઓ ઉજવળ કારકિર્દી ઘડી શકે છે

વિજ્ઞાન અને ટેકનોલોજીનાં યુગમાં સાયન્સ ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે ભરપુર તકો રહેલી છે. છાત્રોએ સાયન્સથી ડરવું ન જોઈએ પરંતુ વૈજ્ઞાનિક અભિગમ કેળવીને ચોકકસપણે ઉજવળ કારકિર્દી ઘડી શકે તેમ છે. રાજકોટની સરકારી-ખાનગી કોલેજ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સાયન્સનાં ઢગલાબંધ કોર્સ ચાલે છે જોકે હાલ સાયન્સને લઈ વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનો અભિગમ અગાઉનાં વર્ષો કરતા થોડો અલગ જણાય છે. અલગ એટલા માટે જેમ કે વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે નકકી કરતા થયા છે કે, કઈ દિશામાં શૈક્ષણિક કારકિર્દી બનાવવા માંગે છે. વિજ્ઞાનનો અત્યારનો પ્રવાહ છે તેને જોતા દેશ અને દુનિયામાં જેમ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે અને જે સંશોધનો થાય છે એ હિસાબે ચોકકસ કહી શકાય કે વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને સાયન્સ પ્રત્યેનો અભિગમ ખુબ જ સરળ અને સુંદર છે. સામાન્ય રીતે ધો.૧૨ પછી સાયન્સનાં વિદ્યાર્થીઓ માઈક્રો બાયોલોજી, બાયોટેકનોલોજી, કેમેસ્ટ્રી, મેથેમેટીકસ, ફીઝીકસ સહિતનાં અનુસ્નાતક કક્ષાનાં કોર્સ કરવાનું પસંદ કરતા હોય છે. રાજકોટની વિવિધ કોલેજોમાં સાયન્સનાં વિવિધ કોર્સ ચાલે છે અને પુરતી સુવિધા સાથે વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવે છે. હાલની કોવિડ-૧૯ની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઓનલાઈન ભણાવવામાં આવી રહ્યા છે ત્યારે વાત કરીએ તો અલગ-અલગ કોલેજોમાં વેબીનાર, ઓનલાઈન કલાસીસ તેમજ યુ-ટયુબ ચેનલ દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠા અભ્યાસ પુરો પાડવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વાત કરીએ તો હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તબીબોની ખાસ જરૂર પડે છે જેથી મેડિકલ અને પેરા મેડિકલનાં કોર્સોમાં વિદ્યાર્થીઓનો ખાસ ઘસારો જોવા મળે છે.

Advertisement

વિજ્ઞાન વિદ્યાશાખાનાં મુળ જેમાં ગણિત, ભૌતિક, રસાયણિક, માઈક્રો બાયોલોજી આ વિષયો ઉપરાંત વિજ્ઞાન વિદ્યાશાખામાં ધો.૧૨મું પાસ હોય તેઓ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં કોમ્પ્યુટરનો અભ્યાસ કર્યા પછી સાયન્સ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ કોમ્પ્યુટર એપ્લીકેશનનો અભયાસક્રમ વધુ ઉપયોગી છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારનાં વિદ્યાર્થીઓ કે જેમનાં વાલીઓ ખેતમજુરીઓ કરે એવા વિદ્યાર્થીઓ બેચરલ ઓફ કોમ્પ્યુટર માસ્ટરનાં પ્રોજેકટમાં આગળ વઘ્યા છે. મેડિકલ, પેરા મેડિકલ કરતા વિદ્યાર્થીઓ પણ હાલમાં વધારે છે. વિજ્ઞાન વિદ્યાશાખામાં આગળ વધેલા વિદ્યાર્થીઓ વિદેશી કંપનીમાં પણ કામ કરી રહ્યા છે. હાલ તો વિજ્ઞાન અને ટેકનોલોજીનાં યુગમાં સાયન્સ ક્ષેત્રે અનેક ભરપુર તકો છે અને હાલની પરિસ્થિતિમાં પણ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પણ ઓનલાઈન ચાલુ છે.

છેલ્લા બે વર્ષથી ઝૂલોજીમાં વિદ્યાર્થીઓનો ધસારો વઘ્યો: ગીરીશ ભીમાણી

Vlcsnap 2020 07 17 14H16M58S492

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સાયન્સ ફેકલ્ટીનાં અધરધેન ડીન અને માતૃ મંદિર કોલેજનાં ટ્રસ્ટી ડો.ગીરીશ ભીમાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માતૃમંદિર કોલેજમાં સાયન્સ બીએસસીમાં માઈક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી, કેમેસ્ટ્રી, મેથેમેટીકસ, ફિઝીકસ અને ઝુલોજી જેવા અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. રેગ્યુલર દિવસોમાં વર્ગખંડમાં વિદ્યાર્થીઓ આવીને શીખે છે પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ કોલેજનાં દરેક વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ ઓનલાઈન અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત માતૃમંદિર કોલેજ દ્વારા યુ-ટયુબ ચેનલ પર પણ અભ્યાસક્રમો મુકવામાં આવ્યા છે. આ વર્ષે કોરોનાની મહામારી છે ત્યારે સમગ્ર વિશ્ર્વમાં જેઈઇ અને નીટની પરીક્ષાઓ જયારે લેવાઈ નથી. વિદ્યાર્થીઓ આ પરીક્ષા પછી પોતાનાં ભવિષ્ય વિશે વિચારતા હોય છે. ખાસ કરીને સાયન્સમાં વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રી અને ફિઝીકસ વધુ પસંદ કરતા હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથ ઝુલોજીમાં પણ ટ્રેન્ડ ખાસો જોવા મળ્યો છે. માઈક્રો બાયોલોજી ભણ્યા બાદ વિદ્યાર્થીઓ લેબ આસીસ્ટન્ટનો કોર્સ કરી પોતાની લેબ ખોલી શકે છે. સાથો સાથ માતૃમંદિર કોલેજમાં રેગ્યુલર દિવસોમાં વિદ્યાર્થીઓ માટે લેબોરેટરીની ખાસ વ્યવસ્થા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છા પ્રમાણે લેબમાં પ્રવેશ મેળવી રીસર્ચ કરતા હોય છે અને ખાસ તો મારો સંદેશો હાલની પરિસ્થિતિમાં એટલો જ છે કે, વિદ્યાર્થીઓ શીખવાની પઘ્ધતિથી વિમુકત ન થાય અને ઓનલાઈન શિક્ષણમાં જોડાયા રહે.

સાયન્સનાં વિદ્યાર્થીઓને ૬ લેબમાં આધુનિક સુવિધા ઉપલબ્ધ: ડો.સર્વેશ્વર ચૌહાણ

Sarveshwar Chauhan

હરીવંદના કોલેજનાં ટ્રસ્ટી ડો.સર્વેશ્વર ચૌહાણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હરીવંદના કોલેજમાં બીએસસી સાયન્સ કરતા વિદ્યાર્થીઓ માટે ઉજળી તકો છે. અમારે ત્યાં બીએસસી સાયન્સમાં ભૌતિક, રસાયણ, માઈક્રો બાયોલોજી, બાયોટેકનોલોજી સહિતનાં કોર્સ ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ ઘરે બેઠા જ અભ્યાસ કરી શકે તે માટે ઓનલાઈન કલાસ શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઓનલાઈન એકટીવીટી પણ અમે કરાવી રહ્યા છીએ. અન્ય કોલેજની સાપેક્ષે વાત કરીએ તો રેગ્યુલર દિવસોમાં કોલેજોમાં સાયન્સનાં વિદ્યાર્થીઓ માટે થીયરી અને પ્રેકટીકલ એમ અલગ-અલગ અભ્યાસ ચલાવવામાં આવે છે. પ્રેકટીકલ કરવા માટે વિદ્યાર્થીઓને ખાસ લેબની સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ છે તેમજ વિદ્યાર્થીઓ જયારે ઈચ્છે ત્યારે લેબમાં જઈ પોતાના રીસર્ચ કરી શકે છે. ખાસ કરીને બીએસસી સાયન્સમાં વિદ્યાર્થીઓ માટે ઉજળી તકો છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રેકટીસ માટે બહાર પણ મોકલવામાં આવે છે. આ ઉપરાંત હાલની પરિસ્થિતિમાં વિદ્યાર્થીર્નીઓ દ્વારા ઘરે અલગ-અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે જે કોલેજ ખુલ્યા બાદ અમે અહીંયા ખાસ એકઝીબીશન કરીને તેમાં વહેંચવા મુકશું જેથી વિદ્યાર્થીઓનો આ કિંમતી સમયનો સદઉપયોગ થાય અને આ પરિસ્થિતિમાં મારો વિદ્યાર્થીઓને એટલો જ સંદેશો છે કે, ઘરે બેઠા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ એટલું જ નહીં વિવિધ પ્રવૃતિઓ દ્વારા સમયનો સદઉપયોગ કરે.

કોટક સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે નવી લેબ ઉભી કરાશે: ડો.આર.પી.ભટ્ટ

Img 20200717 Wa0023

કોટક સાયન્સ કોલેજનાં પ્રિન્સીપાલ આર.પી.ભટ્ટે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી સાયન્સ કોલેજમાં બીએસસીમાં ૬ વિષયમાં કોર્સ થાય છે જેમાં બીએસસી મેથેમેટીકસ, ફિઝીકસ, બીએસસી કેમેસ્ટ્રી, બીએસસી ઝુલોજી અને સૌરાષ્ટ્રમાં એકમાત્ર અમારી કોલેજમાં બીએસસી સ્ટેટીકસનો કોર્સ થાય છે. આ ઉપરાંત અમારી સરકારી કોલેજ હોવા છતાં બીસીએનો પણ કોર્સ ચાલે છે. કોટક સાયન્સ કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુનામાં જુની કોલેજ છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરતા પણ અમારી કોલેજ જુની છે.

૧૯૩૭માં આ કોલેજનું નિર્માણ થયું હતું. પહેલા અમારી કોલેજનું નામ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ હતું. ત્યારબાદ કેમેસ્ટ્રી વિભાગની જરૂર પડી ત્યારે કોટક સર દાતા બન્યા અન્ય ત્યારબાદ કોલેજનું કોટક સાયન્સ પડયું. કોલેજમાંથી ખ્યાતનામ ડોકટરો, વકીલો અને એન્જીનીયરો બનીને આગળ વઘ્યા છે. ખુબ જ આધુનિક ફેસેલીટી સાથેની લેબોરેટરી અને એ લેબોરેટરીમાં ખુબ જ સારા બે કરોડનાં સાધનો વસાવવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલમાં કોલેજનું રીનોવેશન પણ ચાલી રહ્યું છે. તેમજ રીનોવેશનમાં ખાસ ઓડિટોરીયમ અને ફ્રી લેબની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. બીએસસી સાયન્સમાં અમારે ૨૬૪ સીટો હતી જે વધારીને અમે ૪૬૪ સુધી લઈ ગયા છીએ. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો અમારા તમામ વિદ્યાર્થીઓને હાલમાં માઈક્રોસોફટ સ્કીલનાં માધ્યમથી ઓનલાઈન ટીચીંગ કરી રહ્યા છીએ. આ વિસ્તારની ૩૨ કોલેજોને અમારા વડપણ નીચે રાખી અમારા અઘ્યાપકો દ્વારા હજારો વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ આપી રહ્યા છીએ. બે ખાસ વેબીનાર યોજયા છે જેમાં વિદ્યાર્થીઓને હાલમાં જે પ્રશ્ર્નો છે કે પરીક્ષા કયારે લેવાશે ? અભ્યાસક્રમનું શું થશે ? આ બે વેબીનારથી અમે વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્ર્નોને પણ હલ કર્યા છે. હાલમાં અમારી કોલેજમાં પ્રવેશ તો ઓનલાઈન છે સાથો સાથ વિદ્યાર્થીઓને ફી ભરવા કોલેજ સુધી ધકકો ન ખાવો પડે તે માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભવિષ્યનાં દિવસોમાં બી.ફાર્મનાં વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં પ્રેકટીસમાં મુકાશે: ડો.સંજય વાઢર

Img 20200717 Wa0018

એચ.એન.શુકલા કોલેજનાં ટ્રસ્ટી ડો.સંજય વાઢરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ અમારી કોલેજમાં બી.એસ.સી. સાયન્સમાં કેમેસ્ટ્રી, મેથ્સ, માઈક્રો બાયોલોજી આ ઉપરાંત પેરામેડિકલમાં જીએનએમ એએનએમ, બીએસસી નર્સિંગ, બીએચએમએસ, હોમિયોપેથી, બી.ફાર્મ અને સ્પોર્ટસનાં બીપીઈએલ તેમજ બીબીએ વીથ સ્પોર્ટસ મેનેજમેન્ટ અને બીબીએ વીથ ઈવેન્ટ મેનેજમેન્ટ જેવા અનેકવિધ કોર્સ ચાલી રહ્યા છે. હાલની પરિસ્થિતિમાં દેશભરમાં ડોકટરોની અછત છે જેથી પેરામેડિકલમાં વિદ્યાર્થીઓનો સૌથી વધુ ક્રેઝ જોવા મળે છે. તેવી જ રીતે સાયન્સ વિદ્યાશાખામાં પણ લેબ આસીસ્ટન્ટ, બી.ફાર્મમાં ફાર્માસીસ્ટની પણ ખુબ જ જરૂરીયાત હોસ્પિટલમાં છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓનાં શીશકો વેબેકક્ષ દ્વારા ઓનલાઈન અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે જેથી તેઓનો સમય પણ ન બગડે અને અભ્યાસક્રમો પણ આગળ ચાલ્યા કરે. લાઈવ કલાસરૂમ મારફતે દરરોજ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે. બી.ફાર્મમાં અમારે મોટાભાગનો કોર્સ પૂર્ણ થઈ ચુકયો છે અને આવા વિદ્યાર્થીઓને ઓનલાઈન એકઝામ લેવાની હોય તેઓને ઓનલાઈન રીવીઝન કરાવવામાં આવી રહ્યું છે તેવી જ રીતે નર્સીંગમાં પણ માસ પ્રમોશન આપવાના હોય રીવીઝન જ કરાવવામાં આવી રહ્યું છે. આ ઉ૫રાંત રેગ્યુલર દિવસની જો વાત કરીએ તો પ્રેકટીકલ નોલેજ પર વધારે ફોકસ કરીએ છીએ. જેમ કે સાયન્સ બેઈઝ કોર્સમાં પ્રેકટીકલનું વધુ મહત્વ રહેલું છે એટલે નર્સિંગનાં વિદ્યાર્થીઓને સિવિલમાં પ્રેકટીકલ નોલેજ માટે મોકલવામાં આવે છે અને સાયન્સનાં વિદ્યાર્થીઓ વધારે સમય લેબોરેટરીમાં પસાર કરે છે અને નોલેજ મેળવે છે. ઉપરાંત ભવિષ્યનાં દિવસોમાં બી.ફાર્મનાં વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં પ્રેકટીસમાં મુકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.