Abtak Media Google News

ગુજરાતના આંગણે ૨૦૨૨માં અવસર આવશે જેની તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જાન્યુઆરી ૨૦૨૨માં સરકાર દ્વારા વાઈબ્રેન્ટ સમીટ યોજવાની સરકાર કવાયત કરી રહી છે. સમીટની તૈયારીઓ માટે સરકારે ૯ જેટલા વિભાગોને સૂચના પણ આપવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેર નહિ આવે તો સમીટમાં વેબીનાર અને સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

ગુજરાતમાં ૨૦૨૧ માં મુલતવી રહેલી ૧૦મી વાઈબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ હવે જાન્યુઆરી ૨૦૨૨માં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં યોજવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે. આ સમિટ યોજવા માટે રાજયના ઉધોગ અને તેને સંલગન વિભાગો ઇન્ડેક્ષ–બી, પ્રવાસન નિગમ, ઉધોગ કમિશ્નરની કચેરી સહિતના નવ જેટલા વિભાગોએ તૈયારી શરૂ કરી છે.જો ગુજરાતમાં ત્રીજી લહેર નહીં આવે તો ચોક્કસપણે વાઇબ્રન્ટ સમિટ યોજવા સુધી રાજ્ય સરકારે આયોજન કરી દીધું છે.

આ ઉપરાંત કોરોનાની બીજી લહેર ઓછી થતા જ રાજ્ય સરકારે પણ ફાસ્ટટ્રેક મોડમાં અનેક વિકાસના કામોની સાથે નીતિવિષયક નિર્ણયો અને પ્રજાલક્ષી કામો શરૂ કરી દીધા છે.ખાસ કરીને વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતના વિકાસલક્ષી કામોમાં સીધા સહભાગી બની ઉદ્દઘાટનો અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે. ગુજરાતમાં ૨૦૧૯ પછી સીધી જ ત્રણ વર્ષે યોજાઇ રહેલી સમીટમાં વિક્રમી મૂડીરોકાણ સાથે દેશ અને વિદેશના ઉધોગજૂથો તેમજ બિઝનેસ ડેલિગેશન વધારે પ્રમાણમાં આવે તે માટે પ્રચાર ઝૂંબેશ શરૂ થાય તેવી સંભાવના સેવાઇ રહી છે.

સમીટની તૈયારીઓ અંગે ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે વિદેશ સ્થિત બિન નિવાસી ભારતીય, વિદેશી કંપનીઓ– ઉધોગજૂથો તેમજ વિદેશી ડેલિગેટસને આકર્ષવા માટે ગુજરાતના મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓના વિવિધ પ્રતિનિધિમંડળોનું આયોજન કરવા તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. ઉધોગકારોને વિવિધ પ્રકારની જમીન અંગેની માહિતી ઉપલબ્ધ કરવા માટે ઇન્ટીગ્રેટેડ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફેર્મેશન સિસ્ટમ નામનું સોફ્ટવેર ઇન્ડેક્ષ–બી અને બાયસેગ દ્રારા તૈયાર કરવામાં આવ્યું છે. બીજી તરફ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત દિપીઆઈઆઇટી દ્રારા સ્ટેટ રિફોર્મ એકશન પ્લાનમાં રજૂ કરવામાં આવેલા વિવિધ સુધારાઓનું અમલીકરણ કરવામાં આવશે. આ સુધારાઓ સરકારના વિવિધ ૧૯ વિભાગો સાથે સબંધિત રહેશે.

આ સમિટના ભાગરૂપે દેશના અલગ અલગ રાજ્યોના મોટા મોટા ઉદ્યોગગૃહ સાથે સંપર્કોની સાથે ગુજરાતમાં મૂડીરોકાણ આકર્ષવા માટે ઉધોગકારો, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ ઉધોગ સંગઠનો સાથે બેઠકનું આયોજન કરવાની સૂચના મુખ્યમંત્રી કક્ષાએથી આપવામાં આવી છે. આ સમીટ માટે ઉધોગ વિભાગ, ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ તેમજ ઇન્ડેક્ષબીના અધિકારીઓને મુલાકાત આયોજન, રોકાણકારોને આકર્ષવા માટેના સંવાદ, બિઝનેસ ડેલિગેશન તેમજ વેબીનાર અને સેમિનાર કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષિત કરવા ૨૦૦૩ની સાલમાં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી હતી. અત્યાર સુધીની સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ અને મહાનુભાવો વખતો-વખત વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લઈ ચૂક્યા છે. આમાં રિલાયન્સના મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી ઉપરાંત સ્ટીલ માંધાતા લક્ષ્મી મિત્તલ સહિતનાનો સમાવેશ થાય છે. જ્યારે ૨૦૧૫ની વાઈબ્રન્ટ સમિટમાં તો અમેરિકાના તત્કાલીન વિદેશમંત્રી જોન કેરી પણ આવી ચૂક્યા છે અને તેમણે રોકાણકારોને સંબોધન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.