Abtak Media Google News

અંતે અધિકારીઓને ૩૦ કિલો ભરતી રાખવાનો પરીપત્ર મળ્યો

મગફળીનો જથ્થો ગોડાઉન સુધી પહોંચાડવાની જવાબદારી રેવન્યુને સોંપાઈ

રાજકોટ જિલ્લામાં ત્રણ દિવસમાં ટેકાના ભાવે ૫૬૫ ખેડુતો પાસેથી ૧૧૬૧ મેટ્રીક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. ઉપરાંત આજરોજ અધિકારીઓને બારદાનમાં ૩૦ કિલોની ભરતી રાખવાનો પરીપત્ર પણ આપવામાં આવ્યો છે. સાથે મગફળીનો જથ્થો ગોડાઉન સુધી પહોંચાડવાની જવાબદારી રેવન્યુ વિભાગને સોંપવામાં આવી છે.

રાજકોટ સહિત રાજયભરના ૧૨૨ કેન્દ્રો ખાતે ગત તા.૧૫ થી ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસથી જ બારદાનમાં ૩૫ કિલો મગફળી ભરવા મામલે ખેડુતોમાં કચવાટ જોવા મળ્યો હતો. ઉપરાંત ઘણા ખરીદ કેન્દ્રોમાં ખેડુતોએ હોબાળો પણ મચાવ્યો હતો. અંતે સ્થાનિક અગ્રણીઓની મધ્યસ્થીથી મામલો થાળે પડી જતો હતો.

ગત ૧૫મીથી ટેકાનો ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ હતી. તા.૧૫,૧૬ અને ૧૭ આમ ત્રણ દિવસમાં રાજકોટ જિલ્લામાં ૫૬૫ ખેડુતો પાસેથી ૧૧૬૧ મેટ્રીક ટન મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવી હતી. ગઈકાલે રવિવાર હોવાથી તંત્ર દ્વારા કામ શરૂ રાખવામાં આવ્યું હતું પરંતુ ખરીદી કરવામાં આવી ન હતી. હાલ દરરોજ ૫૦ ખેડુતોને ખરીદ કેન્દ્ર ખાતે મગફળીની ખરીદી અર્થે બોલાવવામાં આવી રહ્યા છે પરંતુ આવતીકાલથી ૬૦ ખેડુતોને બોલાવવામાં આવશે. આ ઉપરાંત ૩૫ કિલોની ભરતીનો જે વિવાદ હતો તેનો પણ અંત આવ્યો છે. આજરોજ સરકાર દ્વારા ૩૦ કિલોની ભરતી કરવાનો અધિકારીઓને પરીપત્ર આપવામાં આવ્યો છે ઉપરાંત મગફળી ગોડાઉન સુધી પહોંચે તે સમયે રેવન્યુ કર્મચારીઓને હાજર રાખવાના હુકમો પણ કરવામાં આવ્યા છે. ખરીદીની પ્રક્રિયા દરમિયાન મજુરો મળતા ન હોવાની પણ અનેક ફરિયાદો ઉઠી છે ત્યારે આ પ્રશ્ર્નના નિરાકરણરૂપે નિગમના લેબર કોન્ટ્રાકટરોને જવાબદારી સોંપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.