Abtak Media Google News
પીએમની વર્ચ્યુઅલમાં ઉપસ્થિતીમાં 260 સ્થળો પરથી કાર્ડ વિતરણ સમારોહ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  લાભાર્થીઓ સાથે કરશે સંવાદ

અબતક, ગાંધીનગર

ગાંધીનગર ખાતે  આજે રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યના આયુષ્ય માન ભારત કાર્ડના 50 લાખથી વધુ લાભાર્થીઓને નવા પ્રિન્ટ કરાયેલા આયુષ્માન પીવીસી કાર્ડનું વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે ગુજરાત સરકારે વર્ષ 2019માં મુખ્યમંત્રી અમૃતમ  અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાને સંકલિત કરી હતી, અને આ યોજનાઓના તમામ લાભાર્થીઓ પીએજેએવાય -એમએ કાર્ડ મેળવવા માટે પાત્ર બન્યા હતા. ત્યારથી લઇને આજદિન સુધીમાં ગુજરાતમાં 1.58  કરોડ લાભાર્થીઓને પીએજેએવાય -એમએ કાર્ડ  ઇશ્યુ કરવામાં આવ્યા છે. જેમાંથી, છેલ્લા એક વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સપ્ટેમ્બર 2021થી અત્યાર સુધીમાં 50 લાખથી વધુ કાર્ડ આપવામાં આવ્યા છે.

આ લાભાર્થીઓને હવે પ્રિન્ટ કરાયેલા નવા આયુષ્માન પીવીસી કાર્ડ આપવામાં આવશે. લાભાર્થીને કાર્ડના વિતરણ માટે ગુજરાતમાં આયોજિત થનારા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે અને તેઓના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરશે. રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. સાથે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાશે અને ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે.

નેશનલ હેલ્થ ઓથોરિટીની ગાઇડલાઇન મુજબ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના  મા અમૃતમના લાભાર્થીઓને આયુષ્માન પીવીસી કાર્ડ આપવામાં આવી રહ્યા છે.  ગુજરાતમાં રાજ્ય સ્તરે 50 લાખ પીવીસી કાર્ડ્સ છાપવામાં આવ્યા છે. આ કાર્ડને આરોગ્ય કચેરીઓના સંબંધિત ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર / મેડિકલ ઓફિસરોને ડિલિવર પણ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના તમામ ગામડાઓમાં આયુષ્માન પીવીસી કાર્ડનું વિતરણ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે રાજ્યના ગરીબ નાગરિકોને મોંઘી મેડિકલ સારવારના ખર્ચાઓમાંથી બચાવવા માટે દીર્ઘદ્રષ્ટા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2012માં મુખ્યમંત્રી અમૃતમ  યોજના જાહેર કરી હતી. ત્યારબાદ રૂ.4 લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને આ યોજના હેઠળ આવરી લેવા માટે વર્ષ 2014માં આ યોજનાનો વિસ્તાર કરીને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના જાહેર કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.