Abtak Media Google News

આકાશમાં કાળા દિબાંગ વાદળોનો જમાવડો છતાં મેઘરાજા મન મુકીને ન વરસતા શહેરીજનો નિરાશ: વાતાવરણમાં ઠંડક પ્રસરી

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે આજે સવારથી ગોરંભાયેલા આકાશ વચ્ચે શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. બપોરે ૧:૦૦ વાગ્યા સુધીમાં અડધો ઈંચ વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. આકાશમાં કાળા દિબાંગ વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે છતાં મેઘરાજા મન મુકીને હેત ન વરસાવતા હોવાના કારણે શહેરીજનોમાં નિરાશા વ્યાપી જવા પામી છે. સતત ધીમીધારે વરસાદ વરસતો હોવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. લો-પ્રેશર સર્જાવાના કારણે રાજયમાં છેલ્લા બે દિવસથી ફરી નૈઋત્યનું ચોમાસું સક્રિય થયું છે. આજે સવારથી રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારથી મેઘરાજા ધીમીધારે હેત વરસાવી રહ્યા છે. બપોરે ૧:૦૦ વાગ્યા સુધીમાં શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૯ મીમી (મોસમનો કુલ ૩૯૮ મીમી), વેસ્ટ ઝોન વિસ્તારમાં ૮ મીમી (મોસમનો કુલ ૪૨૮ મીમી) અને ઈસ્ટ ઝોનમાં ૫ મીમી (મોસમનો કુલ ૩૨૩ મીમી) વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે.

Advertisement

રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લામાં પણ સવારથી મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘો મન મુકીને વરસી પડયો હોય તેવું લાગી રહ્યું છે. આ લખાય રહ્યું છે ત્યારે પણ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં મેઘાના મંડાણ સિંહોરમાં અઢી ઈંચ વરસાદ

વલ્લભીપુર, વઢવાણમાં બે ઈંચ, મુડી, ભાવનગર, ચુડા, દસાડા, ધ્રાંગધ્રા, લખતર અને સાયલામાં દોઢ ઈંચ વરસાદ

લાંબા ઈન્તજાર બાદ મેઘરાજાએ બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર પર હેત વરસાવવાનું શરૂ કર્યું છે. આજે સવારથી સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, ગીર-સોમનાથ અને મોરબી સહિતના જિલ્લાઓમાં હળવા ઝાપટાથી લઈ અઢી ઈંચ સુધી વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. બપોર સુધીમાં રાજયના ૨૫૧ પૈકી ૧૮૬ તાલુકાઓમાં વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સિંહોરમાં ૫૫ મીમી, વલ્લભીપુરમાં ૪૫ મીમી, વઢવાણમાં ૪૨ મીમી, મુળીમાં ૩૭ મીમી, ભાવનગરમાં ૩૬ મીમી, ચુડામાં ૩૫ મીમી, દશાળામાં ૩૫ મીમી, ધ્રાંગધ્રામાં ૩૩ મીમી, સાયલામાં ૩૧ મીમી, પાલિતાણામાં ૨૯ મીમી, ઉમરારામાં ૨૯ મીમી, જસદણમાં ૨૮ મીમી, વિંછીયામાં ૨૭ મીમી, લીંબડીમાં ૨૬ મીમી, અમરેલીમાં ૨૬ મીમી, લાઠીમાં ૨૫ મીમી, તળાજામાં ૨૧ મીમી, ચોટીલામાં ૨૦ મીમી, થાનગઢમાં ૨૦ મીમી, લીલીયામાં ૧૮ મીમી, ગારીયાધારમાં ૧૭ મીમી, જેસરમાં ૧૩ મીમી, કોટડાસાંગાણીમાં ૧૨ મીમી, મહુવામાં ૧૧ મીમી, મોરબીમાં ૮ મીમી, વાંકાનેરમાં ૮ મીમી, ગોંડલ, લોધીકા, વિસાવદર, ધારી, ખાંભા, સાવરકુંડલા અને વડીયામાં ૫ મીમી વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે.

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયમાં ૩ દિવસ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી

છતીસગઢ અને તેની સાથે જોડાયેલી વિદર્ભ વિસ્તારમાં આગામી ૨૪ કલાક દરમિયાન વેલ માર્ચ લો-પ્રેશર સક્રિય થવાની સંભાવના છે તેની અસરતળે આજથી ૩ દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર વિસ્તારમાં અતિભારે વરસાદ વરસે તેવી સંભાવના રહેલી છે. આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી જયારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દિવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, ભરૂચ અને સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની સંભાવના છે. ટુંકમાં દરિયાકાંઠા વિસ્તારમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શકયતા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. લો-પ્રેશરની અસરતળે આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં સાર્વત્રિક અને સંતોષકારક વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.