Abtak Media Google News

“ત્વચા ઉપહાર, સર્વશ્રેષ્ઠ ઉપહાર”

હંસાબહેન તન્નાનું અવસાન થતાં પુત્રએ કર્યો ચક્ષુ તેમજ ત્વચાદાનનો નિર્ણય: સિવિલ હોસ્પિટલના અધિક્ષકે ઉમદા નિર્ણય બદલ બિરદાવ્યાં

સ્કીન ડોનેશન માટે સ્કીન બેન્કના 24 કલાક કાર્યરત હેલ્પલાઈન મોબાઈલ નંબર 7211102500

અંગદાન એ મહાદાન છે અને તેનાથી અન્ય પીડિત વ્યક્તિઓને નવજીવન આપી શકાય છે. રાજ્યમાં હવે અંગદાન અંગે જાગૃતિ આવી રહી છે, ત્યારે ચક્ષુ, લીવર, કિડની સહિતના અંગોની જેમ હવે ત્વચાદાન પણ થવા લાગ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલી સ્કીન બેન્કમાં પ્રથમ સ્કીન ડોનેશન આવ્યું છે. આ અનુદાનિત ત્વચા અનેક દર્દીઓની પીડા ઘટાડવામાં મદદરૂપ થશે.

Advertisement

આ અંગે સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદી દ્વારા જણાવાયું છે કે, રાજકોટમાં રહેતા હંસાબહેન જગમોહનદાસ તન્ના (ઉ.67)નું હાલમાં જ એચ.સી.જી. હોસ્પિટલ ખાતે હૃદયરોગથી અવસાન થયું હતું. આથી તેમના પુત્ર પરાગભાઈ તન્નાએ પોતાના માતુશ્રીનાં ચક્ષુ તેમજ ત્વચાદાનનો નિર્ણય કર્યો હતો.

પરાગભાઈ તન્ના પોતે રોટરી ક્લબ-રાજકોટના બોર્ડ મેમ્બર છે અને ચક્ષુદાન, ત્વચાદાન તેમજ અંગદાન જેવી ઉમદા સેવાકીય પ્રવૃત્તિઓ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે મારા માતુશ્રીનું અવસાન થયું ત્યારે, જે બની ગયું તેને ટાળી શકાય તેમ નહોતું. આથી તેમના અંગોથી અન્ય પીડિતો-દર્દીઓને મદદરૂપ થઈ શકાય તે ભાવના સાથે સિવિલ હોસ્પિટલની સ્કીન બેન્ક તેમજ આઈબેન્કનો સંપર્ક કર્યો હતો અને ચક્ષુ તેમજ ત્વચાદાનનો નિર્ણય લીધો હતો. એ પછી સિવિલ હોસ્પિટલની સ્કીન બેન્કની ટીમ તાત્કાલિક એચ.સી.જી. હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને મૃત્યુ પામનારા હંસાબહેનની ત્વચાનું હાર્વેસિ્ંટગ કરીને ડોનેશન તરીકે સ્વીકારી હતી. નોંધનીય છે કે, ડોનેશનમાં મેળવેલી સ્કીન વ્યક્તિના મૃત્યુ બાદ 45 મિનિટમાં મેળવીને, ગ્લિસરોલમાં 4 અંશ સેલ્સિયસ તાપમાન પર સ્ટોર કરવાની હોય છે.

આ સ્ટોર કરેલી સ્કીનનો ઉપયોગ 3 થી 4 વર્ષ સુધીમાં અને ગંભીર રીતે દાઝી ગયેલા કેસોના દર્દીઓ, ટ્રોમા દર્દીઓ તેમજ બાયોલોજિકલ ડ્રેસીંગ માટે ઉપયોગ કરી શકાય છે. માતુશ્રીની આખરી વિદાયની કપરી પળોમાં પણ અન્યોને મદદરૂપ થવાની, અન્ય દર્દીઓની પીડા ઘટાડવા માટે ત્વચા તેમજ ચક્ષુદાનનો જે નિર્ણય પરાગભાઈ તન્નાએ કર્યો હતો, તે બદલ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદી તેમજ સિવિલ હોસ્પિટલ તંત્રએ તેમને બિરદાવ્યા હતા.

રકતદાનની જેમ મૃતકના ઘરે જઈ સ્કીન ડોનેશન સ્વીકારાય છે: ડો. મોનાલી માકડીયા

આ તકે પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજ (પી.ડી.યુ.)ના પ્લાસ્ટિક સર્જરી વિભાગના અધ્યક્ષ ડો. મોનાલી માકડિયાએ જણાવ્યું હતું કે, અમારી નિષ્ણાત ટીમ ચક્ષુદાનની જેમ મૃતકના ઘરે જઈને સ્કીન ડોનેશન સ્વીકારે છે. આ માટે 24 કલાક હેલ્પલાઈન મોબાઈલ નંબર 72111,02500 સક્રિય છે, જેના પર કોલ કરી શકાય છે. લોકો ત્વચા દાન માટે પ્રેરિત થાય તે માટે સૂત્ર ત્વચા ઉપહાર-સર્વશ્રેષ્ઠ અને ઉમદા ઉપહાર બનાવ્યું છે.

સ્કીન ડોનેશન એક  પૂણ્યનું કામ છે: ડો. રાધેશ્યામ ત્રિવેદી

રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આપણી ત્વચા પણ શરીરનું એક અંગ છે અને અન્ય અંગોની જેમ તેનું પણ દાન કરી શકાય છે. બ્રેઇન ડેડ કે અન્ય મૃત્યુના કિસ્સા બાદ મૃતકના સગાઓ સ્કીન ડોનેશન માટે સિવિલ હોસ્પિટલની સ્કીન બેન્કનો સંપર્ક કરી શકે છે. સ્કીન ડોનેશન એક પૂણ્યનું કામ છે. તેનાથી અનેક લોકોની પીડા દૂર થશે અને અન્યોને નવજીવન આપી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.