Abtak Media Google News

સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને અને મેયર ડો. પ્રદિપ ડવની ઉપસ્થિતિમાં મળેલી બેઠક: ભકિતનગર રેલવે સ્ટેશન, પોપટપરા નાલા અને એસ્ટ્રોન નાલાના વિવિધ પ્રશ્ર્નો ચર્ચા કરાય

રાજકોટ મહાનગરપાલિકા અને રેલ્વેને સાંકળતા વિવિધ મુદ્દાઓનાં ઝડપી નિરાકરણ લાવવાના હેતુ સાથે  સાંસદ મોહનભાઈ કુંડારીયાનાં અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકા અને રેલ્વેના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં માન. મેયર ડો. પ્રદિપ ડવ, મ્યુનિ. કમિશનર  અમિત અરોરા, ડી.આર.એમ.  રાજકોટ અને ડી.આર.એમ. ભાવનગર, બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ, નાયબ મ્યુનિ. કમિશનરઓ  આશિષ કુમાર,   ચેતન નંદાણી,   એ.આર.સિંહ તેમજ મનપાના સિટી એન્જી. ઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તા. 21-07-2022નાં રોજ રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી, કોન્ફરન્સ હોલ ખાતે   સાંસદ મોહનભાઈ કુંડારીયાનાં અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકા અને રેલ્વેના અધિકારીઓની વિડીયો કોન્ફરન્સીંગનાં માધ્યમથી બેઠક યોજવામાં આવી હતી, આ બેઠકમાં રાજકોટ રેલ્વે અને ભાવનગર રેલ્વે સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં, ગોંડલ ચોકડીએ ચાલુ કામગીરીને કારણે ટ્રાફિક ડાયવર્ઝનનાં લીધે બીજા રીંગ રોડ પરનાં ફાટક શિફ્ટીંગ તથા વાઈડીંગ (પહોળું) કરવા બાબતે ડી.આર.એમ. ભાવનગર સાથે ચર્ચા કરવામાં આવી હતી જેની ટેન્ડરની કાર્યવાહી થઇ ગયેલ છે અને માન. સાંસદએ આ કામગીરી ઝડપી કરવા સુચના આપી હતી.

વધુમાં લક્ષ્મીનગર અન્ડરબ્રિજ થી ભક્તિનગર રેલ્વે સ્ટેશન સુધીના હયાત 9 મીટર રોડને 24 મીટર પહોળો કરવા જમીન સંપાદન માટે ડી.આર.એમ. રાજકોટને ઝડપી કાર્યવાહી કરવા પણ સુચના આપી હતી. ભક્તિનગર સ્ટેશનના એપ્રોચ રોડ તરીકે વિકસાવવાનું થયું હોય અને ભક્તિનગર સ્ટેશન પાસે હાલ 9 મીટર રોડને બદલે 24 મીટર રોડ થતા સ્ટેશન પણ રોડ પર આવી જાય અને રેલ્વે જમીન આપે તથા કોર્પોરેશન ડેવલપ કરે જેનાથી નાગરિકો અને રેલ્વેને પણ ફાયદો થશે.

હયાત પોપટપરા નાલાની બાજુમાં હંસરાજનગર વોકળાની સામે રેલ્વે લાઈન નીચેથી રેલ્વેનાં ખર્ચે નવો વોટર-વે બનાવવા માટેની કાર્યવાહી આગળ કરવા પણ માન. સાંસદશ્રીએ સુચના આપી હતી.

હાલ એસ્ટ્રોન નાલાની બાજુમાં એવા જ પ્રકારનું અન્ય એક નાલુ ડો. હોમી દસ્તુર માર્ગની સામે મુકવા માટે રોડ લેવલે બનાવવા માટેની યોજનાની ડીઝાઈન અને એસ્ટીમેટ રાજકોટ મહાનગરપાલિકામાં સબમિટ કરવા પણ સુચના આપવામાં આવી હતી. વધુમાં ભાવનગર ડીવીઝન સાથે ટેક્સ અંગેના  એમઓયુ  અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.