Abtak Media Google News
  • રેસકોર્સ ગ્રાઉન્ડ, ગ્રીનલેન્ડ પાર્ટી પ્લોટ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને નાના મવા સર્કલ પાસે બુધવારે સવારે યોગ કરશે શહેરીજનો: ત્રણ સ્વિમીંગ પુલ સહિત 75 જેટલી શાળા અને 23 આરોગ્ય કેન્દ્રોમાં પણ યોગ દિવસ ઉજવાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી બુધવારે શહેરના અલગ-અલગ ચાર વિસ્તારોમાં વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જ્યારે ત્રણ સ્વિમીંગ પુલ ખાતે એક્વા યોગ યોજાશે.

મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ.કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતાશ્રી વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમને પરેશભાઈ પીપળીયાએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં વિવિધ 75 આઈકોનિક સ્થળો વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આગામી બુધવારે શહેરમાં મુખ્ય ચાર સ્થળોએ તથા ત્રણ સ્થળોએ એકવા યોગા મળી કુલ સાત સ્થળો તેમજ તમામ વોર્ડ ઓફિસો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 75 જેટલી સ્કુલોમાં અને 23 આરોગ્ય કેન્દ્રો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

આગામી બુધવારે સવારે 06:00 થી 07:45 વાગ્યેશહેરના ચાર સ્થળો જેમાં રેસકોર્સ ગ્રાઉન્ડ, ફન વર્લ્ડની બાજુમાં, નાનામવા સર્કલ, મલ્ટી એક્ટીવીટી સામેના ગ્રાઉન્ડ, ગ્રીન લેન્ડ પાર્ટી પ્લોટ, ગ્રીન લેન્ડ ચોકડી, કુવાડવા રોડ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જયુબેલી પાસેના સ્થળોએ મહાપાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

શહેરના ત્રણ સ્થળોએ એક્વા યોગાનું પણ આયોજન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર, પેડક રોડ, લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્સ અને શ્રી મહર્ષિ દયાનંદ સ્નાનાગાર, કાલાવડ રોડ ખાતે સવારે 08:00 થી 08:45 કલાકે એક્વા યોગાનું આયોજન આયોજન પણ કરવામાં આવેલ છે.

વિશ્ર્વ યોગ દિવસ અનુસંધાને મેયર ડો. પ્રદિપ ડવ અધ્યક્ષ સ્થાને સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડે. મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ઈ.ચા. મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયા, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, તેમજ આર્ટ ઓફ લીવીંગ, બ્રમ્હાકુમારીઝ, લાઈફ, રાજકોટ બિલ્ડર એસોસિએશન, કર્મયોગ મંદિર, પતંજલિ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ અને  અરવિંદભાઈ મણિયાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

મેયરે જણાવ્યું હતું કે, દર વર્ષે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંસ્થાઓ અને જાહેર જનતાના સહયોગથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાવામાં આવે છે. યોગથી તન અને મન બંને પ્રફુલ્લિત રહે છે. સમગ્ર વિશ્વએ ભારતના યોગને આદર સાથે સ્વીકારેલ છે અને યોગનું માનવ જીવનમાં શું મહત્વ છે તે સૌ સમજે છે એટલે જ વધુને વધુ લોકો યોગ તરફ વળી રહ્યા છે. આ યોગ દિવસની ઉજવણી એ માત્ર સરકારી કાર્યક્રમ નથી પરંતુ યોગ મારફત મહત્તમ લોકો તન-મનથી તંદુરસ્ત બને છે તે સંદેશ તમામ લોકો સુધી પહોંચાડવાનો એક વૈશ્વિક પ્રયાસ છે.

આ ઉપરાંત મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે દીવ્યાંગો અને યોગ એક્સપર્ટ બાળકો દ્વારા યોગ કરાશે. શહેરીજનોને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે મેયર સહીતના પદાધિકારીઓ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

યોગ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમામ વ્યક્તિઓએ પોતાની 2 ડ્ઢ 6 (યોગ વ્યવસ્થિત રીતે કરી શકાય તે મુજબની માપ સાઈઝ)ની મેટ સાથે લાવવાની રહેશે, સમગ્ર આયોજનને ધ્યાને લેતા, કાર્યક્રમમાં એક સુત્રતા જળવાઈ તથા યોગ્ય માહોલ ઉભો થાય તે માટે કાર્યક્રમમાં ભાગ લેવા વ્યક્તિઓ સફેદ વસ્ત્રો પહેરીને કાર્યક્રમમાં ભાગ લે તે ઇચ્છનીય રહેશે. યોગ કાર્યક્રમમાં ભાગ લેનારે ભૂખ્યા પેટે આવવું તેમજ કાર્યક્રમમાં ભાગ લેનાર તા.21-06-2023ના રોજ સવારે 06:00 કલાકે નિયત સ્થળે ઉપસ્થિત થવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.