• એક સપ્તાહમાં શરદી-ઉધરસના 1263, સામાન્ય તાવના 173 અને ઝાડા-ઉલ્ટીના 256 કેસ મળી આવ્યા
  • મેલેરિયા, ચીકન ગુનિયા અને ડેંન્ગ્યૂનો પણ એક-એક કેસ નોંધાયો

Rajkot News

લાખ પ્રયાસો કરવા છતાં શહેરમાં કોઇ કાળે રોગચાળો ઘટવાનો નામ લેતો નથી. હવે કોર્પોરેશનનું તંત્ર પણ ધમપછાડા કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન મચ્છરોની ઉત્પતિ સબબ 817 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં છેલ્લા એક સપ્તાહમાં શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી શરદી-ઉધરસના 1263 કેસ, સામાન્ય તાવના 173 કેસ અને ઝાડા-ઉલ્ટીના 256 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં શહેરમાં ચાલુ વર્ષે શરદી-ઉધરસના 6194 કેસ, સામાન્ય તાવના 661, ઝાડા-ઉલ્ટીના 1181 અને ટાઇફોઇડનો એક કેસ નોંધાયો છે. ગત સપ્તાહે મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચીકન ગુનિયાનો એક-એક કેસ મળી આવ્યો હતો. શહેરમાં હાહાકાર મચાવી રહેલા રોગચાળાને નાથવા માટે કોર્પોરેશન દ્વારા એક સપ્તાહમાં 12989 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 1092 ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

મચ્છરોના ઉપદ્રવ સંદર્ભે બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિત બિનરહેણાંક હેતુની 1407 મિલકતોમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત 246 સ્થળોએ મચ્છરના લારવા મળી આવતા તમામને નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે રહેણાંક હેતુની 571 મિલકતોમાં મચ્છરના લારવા મળી આવતા તમામને નોટિસ આપવામાં આવી છે. હવે કોર્પોરેશનને રોગચાળાને નાથવા માટે મચ્છરોના ઉપદ્રવને ઘટાડવાની વાત પર જાણે ભાર મૂક્યો હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.