Abtak Media Google News

16મી જૂન સુધી મસૂરીમાં ટ્રેનિંગ લેશે: એક મહિનો ચાર્જ અનિલ ધામેલીયા પાસે રહેશે

રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિ.કમિશનર આનંદ પટેલ તાજેતરમાં મસૂરીમાં આઇએએસની ટ્રેનિંગમાં ભાગ લેવા માટે ગયા હોવાના કારણે તેઓનો ચાર્જ ડીએમસી અનિલ ધામેલીયાને સોંપવામાં આવ્યો છે. કમિશનર આગામી 16મી જૂને રાજકોટ પરત ફરશે ત્યાં સુધી ડીએમસી તમામ પ્રકારનો વહિવટ સંભાળશે.

ગત મહિને રાજ્ય સરકાર દ્વારા એક સાથે 109 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં અમિત અરોરાના સ્થાને રાજકોટના મ્યુનિ.કમિશનર તરીકે આનંદ પટેલની નિમણૂંક કરવામાં આવી હતી. નિયુક્તિ બાદ તેઓ શહેરમાં બહું હાજરી આપી શક્યા નથી. ગત 19મીએ મળેલા મહાપાલિકાની જનરલ બોર્ડમાં પણ તેઓ ગેરહાજર રહ્યા હતા. રાજ્ય સરકારની ચિંતન શિબિર પૂર્ણ થયા બાદ તેઓ રાજકોટ પરત ફર્યા હતા અને ગત સોમવારથી ફરી મસૂરી ખાતે આઇએએસની તાલીમમાં ભાગ લેવા માટે ગયા છે. રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સનદી અધિકારીઓ માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવતું હોય છે.

સામાન્ય રીતે જ્યારે મ્યુનિ.કમિશનર રજા પર હોય ત્યારે તેઓનો ચાર્જ જિલ્લા કલેક્ટર અથવા ડીડીઓને સોંપવામાં આવતો હોય છે. પરંતુ આ વખતે કમિશનરનો ચાર્જ ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર અનિલ ધામેલીયાને સોંપવામાં આવ્યો છે. આનંદ પટેલ આગામી 16મી જૂને ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફરશે. ત્યારબાદ બે દિવસ શનિ-રવિ આવતા હોય તેઓ 19મી જૂનથી ચાર્જ સંભાળે તેવી શક્યતા હાલ જણાઇ રહી છે. ચાર્જ સંભાળતાની સાથે જ મોન્સૂનનો સામનો કરવો પડશે. આગામી 16 જૂન સુધી ડીએમસી ચાર્જમાં હોવાના કારણે કોઇ નિતી વિષયક નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના પણ નહિંવત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.