Abtak Media Google News

જીત માટે સૌરાષ્ટ્ર આપેલો 105 રનનો લક્ષ્યાંક રેસ્ટ ઓફ ઇન્ડિયા માત્ર બે વિકેટ ગુમાવી પૂરો કરી લીધો: મુકેશ કુમાર મેન ઓફ ધ મેચ: પાંચ દિવસનો મેચ સાડા ત્રણ દિવસમાં પૂરો

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલા ઇરાની ટ્રોફીમાં યજમાન સૌરાષ્ટ્રનો મહેમાન ટીમ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે કારમો પરાજય થયો છે. પાંચ દિવસીય મેચનો માત્ર સાડા ત્રણ દિવસમાં સંકેલો થઇ ગયો છે. બંને દાવમાં મળીને પાંચ વિકેટ ઝડપનાર મુકેશ કુમારને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટીંગ કરી રહેલી સૌરાષ્ટ્રની ટીમનો પ્રથમ દાવ માત્ર 98 રનમાં સમેટાઇ જતાં પ્રથમ દિવસે જ સૌરાષ્ટ્રનો પરાજય લગભગ નિશ્ર્ચિત થઇ જવા પામ્યો હતો. પ્રથમ દાવમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાએ સરફરાજ ખાનની આક્રમક સદીની મદદથી 374 રન બનાવી સૌરાષ્ટ્ર પર 276 રનની લીડ ચડાવી હતી. જો કે સૌરાષ્ટ્રના બેટ્સમેનોએ બીજા દાવમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાના તમામ બોલરોનો મક્કતાપૂર્વક સામનો કર્યો હતો. પ્રથમ દાવમાં નિષ્ફળ રહેલો ચેતેશ્ર્વર પુજારા બીજા દાવમાં પણ માત્ર એક જ રન બનાવી શક્યો હતો.

જો કે શેલ્ડન જેક્શન, અર્પિત વસાવડા, પ્રેરક માંકડ અને સુકાની જયદેવ ઉનડકટની અર્ધી સદીની મદદથી 380 રન બનાવ્યા હતા અને રેસ્ટ ઓફ ઇન્ડિયાને જીતવા માટે 105 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બીજા દાવમાં ઓપનર અભિમન્યુના અણનમ 63 રન અને શિખર ભારતના 27 રનની મદદથી માત્ર 31.2 ઓવરમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો અને સૌરાષ્ટ્રને આઠ વિકેટે કારમો પરાજય આપ્યો હતો. બીજા દાવમાં સૌરાષ્ટ્રવતી એકમાત્ર સુકાની જયદેવ ઉનડકટે બે વિકેટો ખેડવી હતી. મેચમાં બંને દાવમાં પાંચ વિકેટ ઝડપનાર મુકેશ કુમારને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.