Abtak Media Google News

ઓબ્ઝર્વર સાથેની વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ રજૂ કરી વિગતો

ચૂંટણીએ લોકશાહીનો અવસર છે અને મતદાન એ દરેક નાગરિકનો અધિકાર છે. નાગરિકો ચૂંટણી “અવસર” મતદાન કરે તે માટે ચૂંટણીતંત્ર દ્વારા જાગૃતિ પ્રયાસો ચાલી રહ્યા છે. રાજ્યના ઈન્ક્લુઝન અને એક્સેસિબિલિટીના સ્પેશિયલ ઓબ્ઝર્વર અક્ષય રાઉતની અધ્યક્ષતામાં, મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીની ઉપસ્થિતિમાં આજે રાજ્યમાં ચાલતી સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) પ્રવૃત્તિઓ અંગે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લામાં ચાલતી સ્વીપ પ્રવૃત્તિ અંગે વિસ્તૃત વિગતો રજૂ કરી હતી કે, મતદારોને જાગૃત કરવા “અવસર રથ” માધ્યમથી પ્રયાસો કરવામાં આવ્યા છે. જ્યાં મતદાન ઓછું છે તેવા વિસ્તારોમાં લોકોમાં જાગૃતિ આવે અને લોકો મતદાન માટે પ્રેરિત થાય તે માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મતદાન માટે પ્રેરિત કરતા જાગૃતિ સંદેશાના પેમ્ફલેટ છપાવીને અખબારોના માધ્યમથી ઘર ઘર સુધી પહોંચાડવામાં આવશે. રાજકોટ મહાનગર પાલિકાની ટેકસ શાખાના માધ્યમથી નાગરિકોને બલ્ક એસ.એમ.એસ. કરવામાં આવશે. ઉપરાંત વિવિધ વિસ્તારોમાં જતી ટીપર વાનમાં સવારે 6થી 9 મતદાર જાગૃતિની ઓડિયો ક્લિપ વાગશે. ફોનમાં હવે મતદાનની અપીલ કરતી કોલર ટ્યૂન વગાડવાનું પણ આયોજન હાથ ધર્યું છે.

Advertisement

પહેલીવાર મતદાન કરતા યુવાનોને મતદાન માટે પ્રેરણા મળે, ચૂંટણી પ્રક્રિયા અંગે જાણકારી મળે અને તેઓની શંકાના સમાધાન માટે કોફી વિથ કલેકટર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડવામાં આવ્યા છે. મતદાન જાગૃતિ બ્રાન્ડ એમ્બેસેડર ચેતેશ્વર પૂજારાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

બુઝુર્ગ મતદારોનું મતદાન

બુઝુર્ગ મતદારોનું મતદાન વધારવા દરેક વૃદ્ધાશ્રમનો સંપર્ક કરાઈ રહ્યો છે. થર્ડ જેન્ડર નાગરિકોને પણ જાગૃતિ અભિયાનમાં જોડવામાં આવ્યા છે અને તેઓ મતદાન માટે પ્રેરિત કરતા વીડિયો સંદેશના જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. આ વીડિયો કોન્ફરન્સમાં અધિક ચૂંટણી અધિકારી એસ. જે. ખાચર, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલા, ચૂંટણી શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

દૂધ વિતરકો જોડાશે

રાજકોટ ડેરી અને દૂધ વિતરકો સાથે મળીને દૂધની સાથે ઘરે ઘરે મતદાન જાગૃતિના પેમ્ફલેટ પણ પહોંચાડવા આવશે. પોસ્ટ વિભાગના સહયોગથી પોસ્ટલ કવર પર “અચૂક કરો મતદાન” એવા સંદેશ સાથે સ્ટીકર લગાવીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત મહિલાઓને મતદાન માટે જાગૃત કરવા ગેસ સિલિન્ડર પર મતદાન જાગૃતિ સ્ટીકર લગાવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.