Abtak Media Google News

રોડની બન્ને સાઈડ 3-3 મીટરની પહોળાઈ વધારવા 83 મિલકતો કપાતમાં આવશે: કપાતના અસરગ્રસ્તો સાથે હિયરીંગ, વળતર અંગે અપાઈ માહિતી

ટ્રાફિકની સમસ્યા હલ કરવા કોર્પોરેશન દ્વારા સમયાંતરે શહેરના અલગ અલગ રાજમાર્ગોને પહોળા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ગૌરવપથ એવા કાલાવડ રોડને કે.કે.વી ચોકથી મોટા મવા સુધી 6 મીટર પહોળો કરવા માટે અગાઉ લાઈનો ઓફ પબ્લીક સ્ટ્રીટ લાગુ કરવામાં આવી છે. કપાતમાં જતી મિલકતના અસરગ્રસ્તો સાથે આજે મ્યુનિ.કમિશનરના અધ્યક્ષ સ્થાને હિયરીંગ બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામને વળતર અંગે માહિતી આપવામાં આવી હતી.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, શહેરના ગૌરવપથ તરીકે ઓળખાતા કાલાવડ રોડને કે.કે.વી ચોકથી પશ્ર્ચિમ તરફ મોટા મવા સ્મશાન સુધી પહોળો કરવા માટે ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિ.કોર્પોરેશન એકટ 1949ની કલમ 210 અંતર્ગત લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ લાગુ કરવામાં આવી છે. ટીપી સ્કીમ મુજબ હયાત કાલાવડ રોડને 30 મીટરથી વધારીને 36 મીટર સુધી પહોળો કરવામાં આવનાર છે. આ માટે 83 મિલકતો કપાતમાં જાય છે.

કપાતના અસરગ્રસ્તો સાથે આજે મ્યુનિ.કમિશનર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં માલીક, કબજેદાર અને ભાડુઆત પૈકી કુલ 28 લોકો હાજર રહ્યાં હતા. કપાતના બદલામાં આપવામાં આવતી વૈકલ્પીક વળતર અંગે સમજણ આપવામાં આવી હતી તેમજ અસરગ્રસ્તોના વાંધા, સુચનો સાંભળી નિયમોનુસાર કાર્યવાહી કરવાની ખાતરી પણ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મિલકત કપાતના બદલામાં કોર્પોરેશન દ્વારા કપાતમાં જતી જમીનના બદલામાં અન્ય સ્થળે તેટલી જ જમીન જંત્રી ભાવ મુજબ રોકડ વળતર અથવા વધારાની એફએસઆઈ આપવામાં આવે છે.

આજે હિયરીંગ બેઠક પૂર્ણ થતાં  હવે કાલાવડ રોડ પહોળો થવાની દિશામાં કાર્યવાહી આગળ વધી છે. તાજેતરમાં સ્ટેન્ડિંગ કમીટીમાં લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ અંગેની મંજૂરી આપી દેવામાં આવી છે. જે અંતર્ગત હવે મોટા મવા સ્મશાનથી અવધ સુધીનો કાલાવડ રોડ પણ 36 મીટર સુધી પહોળો કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.