Abtak Media Google News

મહંત સ્વામી મહારાજની નિશ્રામાં 7000થી વધુ ભકતો અને 400થી વધુ સંતોએ ઉત્સવનો લીધો લાભ

ચૈત્ર સુદ નોમ એટલે સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક દિવસ. આજના દિવસે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે જન્મ ધારણ કરીને રામરાજ્યનું સ્થાપન કર્યું હતું. છપૈયા ગામમાં પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણે જન્મ ધારણ કરી આ ધરા પર ધર્મનું સ્થાપન કર્યું. તીર્થધામ સારંગપુર ખાતે ભગવાન સ્વામિનારાયણનો 242માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક વડા પ.પૂ. મહંતસ્વામી મહારાજ પણ હાલ સારંગપુર વિરાજતા હોવાથી આ શુભ પર્વનો આરંભ જ તેઓનાં પૂજાદર્શનથી સવારે 6:30 થયો, જેમાં અનેક ભક્તો-ભાવિકો ઓનલાઇન જોડાયા હતા. આશીર્વાદમાં તેઓએ જણાવ્યું કે, ‘કોઈ ભગવાનના અર્થે એક ગણી પ્રીતિ કરે છે ત્યારે ભગવાન ભક્તને અર્થે કરોડ ગણી પ્રીતિ કરે છે. શ્રીજી મહારાજ ભક્તવત્સલ હતા. સોનાના મહેલ હોય પણ ભગવાન ગરીબના ઝૂંપડામાં પણ પ્રેમથી રહેતા હોય છે. ભગવાન ભાવના ભૂખ્યા છે.’ બપોરે 12 વાગે શ્રીરામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં શ્રીરામ ભગવાનની આરતી ઉતારી તેમને અર્ઘ્ય અર્પણ કરવામાં આવ્યું. સાથે મંદિરમાં ભગવાનની મૂર્તિઓ આગળ વિશેષ અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો.

ઉત્સવની મુખ્ય સભા સાંજે 7:45 થી રાત્રે 10:30 સુધી ભવ્યતા-દિવ્યતાથી ઊજવવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુહરિ શ્રીમહંતસ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આરતી બાદ ગવાનારા અષ્ટક તરીકે નૂતન અષ્ટકની ભેટ પણ આજે જ સૌને મળી.  અંતે સૌ સંતો-ભક્તોએ હારતોરા દ્વારા સ્વામીને વધાવ્યા ને 10:00 વાગ્યે ભગવાન સ્વામિનારાયણ જન્મોત્સવના કીર્તનોની રમઝટ શરૂ થવા લાગી. 7000થી વધુ ભક્તો અને 400થી વધુ સંતોએ આ મહોત્સવનો પ્રત્યક્ષ લાભ લીધો. લાખો ભક્તોએ ઓનલાઇન આ સભાનો વિશેષ લાભ લીધો હતો. ખરેખર, સમગ્ર દિવસ દરમ્યાન ઇઅઙજ સંસ્થાના લાખો ભક્તોએ કરેલ નિર્જળા ઉપવાસ અને સભામાં કરેલુ કથાવાર્તાનું શ્રવણ આદિ સૌને અહોભાવ ઉપજાવે છે, જે ભગવાન સ્વામિનારાયણના ચરણે તેઓના જન્મોત્સવે ભક્તોની યથાર્થ શ્રદ્ધાંજલિ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.