Abtak Media Google News

અબતક -રાજકોટ

વિશ્ર્વના સૌથી ઝડપથી વિકાસ પામી રહેલા 100 શહેરોમાં 22મું સ્થાન ધરાવતું રાજકોટ શહેર હવે વધુ સ્માર્ટ બની રહ્યું છે. સ્વયંભૂપણે ચોતરફ વિકાસ સાધી રહેલા રંગીલા રાજકોટનો સ્માર્ટ વિકાસ કરવો હશે તો રિ-ડેવલપમેન્ટ યોજના એકમાત્ર વિકલ્પ છે. જમીનનું ઉત્પાદન કરી શકાતું નથી જેટલી જમીન ઉપલબ્ધ છે તેનો બુધ્ધિપૂર્વકનો ઉપયોગ જ વિકાસના દ્વાર ખોલી શકે છે. દાયકાઓ જૂની બિલ્ડીંગો અને ખાનગી જમીનમાં ખડકાયેલા ઝૂંપડપટ્ટીને હટાવવા માટે સરકાર દ્વારા યોજનાઓ ચોક્કસ અમલમાં મુકવામાં આવી છે. પરંતુ આકરી શરતો અને લાંબી પળોજણના કારણે યોજનાઓને ધાર્યા પ્રતિસાદ મળતો નથી. ચાર વર્ષથી રિ-ડેવલપમેન્ટ યોજના અમલમાં હોવા છતાં શહેરમાં એકપણ સોસાયટીએ રિ-ડેવલપમેન્ટ માટે અરજી કરી નથી કે કોઇ જમીન ધારકે પોતાની માલીકીની જમીન પર ખડકાયેલી ઝુંપડપટ્ટી હટાવવા માટે સ્લમ ઓનસ પ્રાઇવેટ લેન્ડ સ્કીમ હેઠળ પૂછાણ કર્યું નથી.

સરકારી જમીન પર ખડકાયેલી ઝૂંપડપટ્ટીઓ દૂર કરવા અમલમાં મુકાયેલી પીપીપી યોજનાને ચોક્કસ સફળતા મળી, પરંતુ ખાનગી જમીન પરના મફતીયા હટાવવા સ્લમ ઓન પ્રાઇવેટ લેન્ડને કોઇ પ્રતિસાદ નહીં

પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં રિ-ડેવલપમેન્ટ યોજનાને ખૂબ જ સફળતા પ્રાપ્ત થઇ છે. જેને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા સપ્ટેમ્બર-2018માં ગુજરાત ઓનરશિપ ફ્લેટ્સ એક્ટ (1992)માં સુધારો કર્યા જે અંતર્ગત 20 વર્ષ કે તેથી વધુ સમયની જૂની સોસાયટીમાં જો સોસાયટીના 75 ટકા સભ્યો મંજૂરી આપે તો તેને રિ-ડેવલપમેન્ટમાં લઇ શકાશે તેવો સુધારો કરાયો અગાઉના નિયમમાં તમામ સભ્યો સહમત થાય તો જ યોજના લાગૂ કરી શકાતી હતી. આ યોજના હેઠળ સરકાર દ્વારા બિલ્ડરને માત્ર વાધારાની એફએસઆઇ આપવા સહિતના કોઇ જ પ્રકારના લાભ આપવામાં આવતા નથી.

જમીનનું ઉત્પાદન કરી શકાતુ નથી પરંતુ હયાત જમીનનું બુધ્ધિપૂર્વકનો ઉપયોગ વિકાસના દ્વાર ખોલશે

ગુજરાત ઓનરશિપ ફ્લેટ્સ એક્ટમાં સુધારો કરાયાના ચાર વર્ષ બાદ પણ રાજકોટમાં એકપણ સોસાયટી ધારકે કોર્પોરેશન સમક્ષ પોતે રિ-ડેવલપમેન્ટમાં જવા ઇચ્છે છે તેવી અરજી કરી નથી. આટલું જ નહીં ખાનગી જમીનમાં ખડકાયેલી ઝુંપડપટ્ટીઓ હટાવવા માટે સ્લમ ઓનસ પ્રાઇવેટ લેન્ડની યોજના પણ અમલમાં છે. જેમાં કોઇ જમીન ધારક પોતાની જમીનમાં ખડકાયેલી ઝૂંપડપટ્ટીઓ હટાવવા માંગતા હોય તો તે રિ-ડેવલપમેન્ટ યોજના મૂકી શકે છે. આ યોજના પણ ચારેક વર્ષથી અમલમાં છે છતા કોઇ ખાનગી જમીનધારકે પોતાની જમીનને છૂટી કરવા માટે રસ દાખવ્યો નથી.

દાયકાઓ જૂની જર્જરિત ઇમારતોના રિ-ડેવલપમેન્ટ યોજનામાં

સમાવેશ થવામાં રાજકોટમાં નથી મકાનધારક કે બિલ્ડરોને રસ !

રિ-ડેવલપમેન્ટ યોજના સફળ ન થવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. સૌથી મોટું કારણ વિશ્ર્વાસનો અભાવ અને ધાર્યા લાભો મળતા ન હોવાનું છે. કોઇ સોસાયટી રિ-ડેવલપમેન્ટમાં જાય તો બિલ્ડરે મૂળ ફ્લેટ ધારકને વધુ કાર્પેટ આપવો પડે છે સાથેસાથ જ્યાં સુધી બાંધકામ ચાલે ત્યાં સુધી મકાન ભાંડુ પણ ચૂકવવું પડે છે. બદલામાં સરકાર દ્વારા માત્ર 3ની એફએસઆઇ આપવા સિવાય બીજું કશું જ આપવામાં આવતું નથી.

વાસ્તવમાં કોઇપણ યોજનાને સફળ બનાવવા માટે સરકાર  જ મુખ્ય રોલ ભજવવો પડે છે. પરંતુ રિ-ડેવલપમેન્ટ યોજના જાહેર કર્યા બાદ ગુજરાત સરકારે તેને સફળ બનાવવા માટે જોઇએ તેટલો રસ દાખવ્યો નથી. જેના કારણે આજે મોટાભાગના શહેરોમાં આ યોજના માત્રને માત્ર કાગળ પર જ રહ્યાં પામી છે. નથી તેનાથી બિલ્ડરને લાભ થયો કે નથી ફ્લેટ ધારકોને લાભ થયો. સરકારી જમીનમાં ખડકાયેલી ઝુંપડપટ્ટીઓ દૂર કરવા માટેની પીપીપી યોજના ચોક્કસ સફળ રહી છે પણ ખાનગી માલીકીની જમીન પર હજી મફતીયા ઉભા છે.

રિડેવલપમેન્ટની આકરી શરતો અને લાંબી પળોજણના કારણે યોજના

સાકાર થતી નથી: સરકારે પણ ગંભીરપણે વિચારવાની જરૂર

રાજકોટ સ્વયંભૂ વિકાસ સાધી રહ્યું છે. નવા-નવા વિસ્તારો શહેરમાં ભળી રહ્યાં છે પરંતુ ઝુંપડાઓ અને જર્જરિત ઇમારતોનું દૂષણ હજી યથાવત છે. જો સ્માર્ટ વિકાસ કરવો હશે તો રિ-ડેવલપમેન્ટની યોજનાને સ્વીકારવા સિવાય હવે કોઇ જ વિકલ્પ બચ્યો નથી. આ યોજનાથી શહેરની શાનમાં પણ વધારો થશે. ઝુંપડામાં વસવાટ કરતા લોકોને પાકા ઘરના ઘર મળશે. શહેરમાં મફતીયાનું દૂષણ દૂર થશે. યોજનાઓ વર્ષોથી અમલમાં છે પરંતુ હવે તેને ખરા અર્થમાં સાકાર કરવા સરકારની સાથે સ્થાનિક તંત્રએ પણ અભિયાન સ્વરૂપે કામગીરી કરવાની આવશ્યકતા છે.

રિ-ડેવલપમેન્ટ માટે એકપણ અરજી આવી નથી, માત્ર રેસકોર્સ પાર્કનું પૂછાણ

વર્ષ-2018માં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ઓનરશિપ ફ્લેટ્સ એક્ટ (1992)માં સુધારો કરવામાં આવ્યો. જેમાં અગાઉ પ્રાયવસી રિ-ડેવલપમેન્ટની પાત્રતા ધરાવતી સોસાયટીના તમામ સભ્યો સહમત હોય તો જ મંજૂરી મળતી હતી. પરંતુ 2018ના સુધારામાં સોસાયટીના 75 ટકા સભ્યો સહમત થાય તો પણ રિ-ડેવલપમેન્ટ માટેની મંજૂરી મળે છે પરંતુ પ્રક્રિયા ખૂબ જ જટીલ છે. જેમાં સોસાયટી ધારકોએ બિલ્ડરોને શોધવા પડે છે અને કોર્પોરેશન સમક્ષ અરજી કરવી પડે છે. એસોસિએશન બનાવવું પડે છે અને ત્યારબાદ રિ-ડેવલપમેન્ટ માટેના કરાર કરવા પડે છે. ચાર વર્ષના રાજકોટમાં એકપણ સોસાયટીએ રિ-ડેવલપમેન્ટ માટે કોર્પોરેશન સમક્ષ અરજી કરી નથી. એકમાત્ર રેસકોર્ષ પાર્કના રહેવાસીઓ દ્વારા સામાન્ય પૂછાણ કરવામાં આવ્યું હતું. આવી જ હાલત સ્લમ ઓનસ પ્રાઇવેટ લેન્ડની છે. પોતાની જમીનને ઝૂંપડપટ્ટી મુક્ત કરવા રસ દાખવ્યો નથી.

વર્ષોથી જર્જરિત ઇમારતો કે ઝૂંપડામાં વસવાટ કરતા લોકોનું જીવન ધોરણ સુધરશે?

વર્ષોથી ઝુંપડામાં વસવાટ કરતા અને જર્જરિત ઇમારતો વચ્ચે જીવના જોખમે જીવન વ્યતિત કરતા લોકોની સુખાકારી અને જીવન ધોરણ સુધારણા માટે એકમાત્ર રિ-ડેવલપમેન્ટ જ એકમાત્ર વિકલ્પ છે. જો સરકાર અને સ્થાનિક તંત્ર હજી જાગશે નહીં તો અબજો રૂપિયાનો ખર્ચ કરવા છતા શહેર ક્યારેય સ્માર્ટ થશે નહીં. વિકાસ ચોક્કસ થશે પરંતુ તેના ફળ તમામ લોકોને ચાખવા મળશે નહીં. સાચો અને સ્માર્ટ વિકાસ ત્યારે જ કર્યા કહી શકાય જ્યારે તમામ લોકોના જીવન ધોરણમાં સમય અનુસાર સુધારો આવે. હાલ એવું થઇ રહ્યું છે. ઝૂંપડાધારકોને ઝૂંપડપટ્ટીથી મુક્તિ મળતી નથી. જર્જરિત ઇમારતોમાં રહેતા લોકો માટે રાઉન્ડ ધ ક્લોક જોખમ જબુંળી રહ્યું છે અને મફતીયાનું દુષણ શહેરના માથે કલંક બનીને કોતરાઇ ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.