Abtak Media Google News

કોર્પોરેશનના કોલ સેન્ટરમાં ફેબ્રુઆરી માસમાં નોંધાઇ 30,296 ફરિયાદો ડ્રેનેજની સૌથી વધુ 18,847 ફરિયાદ: પાણીની પણ પળોજણ

સ્માર્ટ સિટી બનવા તરફ જેટ ગતિએ આગળ વધી રહેલા રાજકોટ શહેરમાં પ્રાથમિક સુવિધાઓની પારાવાર પરેશાની લોકો વેઠી રહ્યાં છે. લાઇટ, પાણી, સફાઇ, ડ્રેનેજ, રોડ-રસ્તા સહિતની રોજ 1082 ફરિયાદો મળી રહી છે. કોર્પોરેશનના કોલ સેન્ટરમાં ફેબ્રુઆરી માસમાં કુલ 30,296 ફરિયાદ નોંધાઇ હતી. જે પૈકી 28,275 ફરિયાદોનો નિકાલ કરી દેવામાં હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. ડ્રેનેજ ફરિયાદમાં નંબર-1 છે. જ્યારે પાણીની લગતી ફરિયાદો પણ વધુ નોંધાઇ છે.

Advertisement

શહેરીજનોને રોજબરોજની લગતી ફરિયાદો નોંધાવવા માટે કોર્પોરેશન કચેરી સુધી ધક્કો ન ખાવો પડે તે માટે કોલ સેન્ટરની સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં ફેબ્રુઆરી માસના 28 દિવસ દરમિયાન રોજ સરેરાશ 1082 મુજબ 30,296 ફરિયાદો નોંધાઇ છે. અલગ-અલગ 28 પ્રકારની ફરિયાદો કોલ સેન્ટરમાં નોંધવામાં આવે છે. ડ્રેનેજ લાઇન ચોકઅપ અને ઓવરફ્લો થતી હોવાની 17,412 ફરિયાદ અને ડ્રેનેજ મેઇનટેન્સન્સને લગતી 1335 ફરિયાદ નોંધાઇ છે. જ્યારે નિયમિત સફાઇ થતી  ન હોવાની, કચરો ઉપાડવામાં આવતો ન હોવાની અને ટીપરવાનને લગતી 2992 ફરિયાદો નોંધાઇ છે.

ઉનાળાના આરંભે પાણીનો પોકાર સર્જાયો છે. પાણી મળતું ન હોવાની, અપૂરતું મળતું હોવાની, ધીમા ફોર્સથી મળતું હોવાની, ગેરકાયદે નળ જોડાણ, ડાયરેક્ટ પમ્પીંગ, પાઇપલાઇન લીકેજ, દૂષિત પાણી અને વાલ્વ ચેમ્બર ડેમેજ હોવાની 2769 ફરિયાદ મળી છે. જ્યારે રોશની શાખાને લગતી 2753 ફરિયાદો નોંધાઇ છે.

બાંધકામ શાખાને લગતી 793 ફરિયાદ, ઢોરના ત્રાસની 171 ફરિયાદ, ડોગ બાઇટની 54 ફરિયાદ, આવાસ યોજનાને લગતી 12 ફરિયાદ, સિટી બસને લગતી 209 ફરિયાદ, મરેલાં ઢોર અંગેની 347 ફરિયાદ, દબાણને લગતી 346 ફરિયાદ, ગાર્ડનને લગતી 134 ફરિયાદ, ટેક્સને લગતી 44 ફરિયાદ, ટાઉન પ્લાનિંગ શાખાની 325 ફરિયાદ અને અર્બન મેલેરિયા વિભાગને લગતી 333 ફરિયાદ સહિત છેલ્લાં 28 દિવસમાં 30,296 ફરિયાદો નોંધાઇ છે. જે પૈકી 28,275 ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે અને આજની તારીખે 1064 ફરિયાદો પેન્ડિંગ છે. કોર્પોરેશનની ન હોય તેવી 231 ફરિયાદો પ્રાપ્ત થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.