Abtak Media Google News

2001માં ભુકંપ બાદ લતાજીએ કચ્છમાં ખાસ કાર્યક્રમ યોજી લોકોને માનસિક સધિયારો પૂરો પાડ્યો ‘તો

 

Advertisement

હાલના રાજકોટ રિજનલ કમિશનર ધિમંતકુમાર વ્યાસ તે સમયે કચ્છમાં રેસ્ક્યુ રિલીફની કામગીરી સંભાળી રહ્યા હતા, તેઓએ લોકોની માનસિક સ્થિતિ સુધારવા માટે કરેલી વિનંતીને ધ્યાને લઇ લતાજીએ કર્યો હતો ગીતોનો ભવ્ય કાર્યક્રમ.

અબતક, રાજકોટ : 2001માં ભુકંપ બાદ લતાજીએ કચ્છમાં ખાસ કાર્યક્રમ યોજી લોકોને માનસિક સધિયારો પૂરો પાડ્યો હતો. હાલના રાજકોટ રિજનલ કમિશનર ધિમંતકુમાર વ્યાસ તે સમયે કચ્છમાં રેસ્ક્યુ રિલીફની કામગીરી સંભાળી રહ્યા હતા. તેઓએ લોકોની માનસિક સ્થિતિ સુધારવા માટે લતાજીને વિનંતી કરી હતી અને તેને ધ્યાને લઇ લતાજીએ ગીતોનો ભવ્ય કાર્યક્રમ કર્યો હતો.

રાજકોટના રિજનલ કમિશ્નર ધિમંતકુમાર વ્યાસે લતાજી સાથેના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે વર્ષ 2001માં કરછ-ભુજમાં ભુકંપ આવ્યો ત્યારે તેઓને રેસ્ક્યુ રિલીફની કામગીરી સોંપવામાં આવી હતી. ભુકંપ સમયે નિરાશાનો માહોલ હતો. અનેકના મૃત્યુ થયા હતા અને લોકો ઘાયલ પણ થયા હતા.એ સમયે લોકોને માનસિક સાંત્વના આપવી ખૂબ જરૂરી બની હતી.

લોકોને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે લતાજીને મેં કાર્યક્રમ માટે વિનંતી કરી હતી. લતાજીએ વ્યસ્ત શેડ્યુલ માંથી સમય કાઢીને કચ્છ આવ્યા હતા અને કાર્યક્રમ કર્યો હતો. લતાજીએ ધાર્મિક ગીતો, દેશ ભક્તિ ગીતો , ઉત્સાહ પૂર્વક ગીતો ગાઈને લોકોમાં પ્રાણ પૂર્યા હતા.લોકોને આ કાર્યક્રમથી માનસિક સાંત્વના મળી હતી અને ફરીથી જીવન જીવવાની પ્રેરણા મળી હતી. કરછ ભુજના લોકો લતાજીના કાયમી ઋણી રહેશે. અંતમાં તેઓએ કહ્યું કે લતાજીના નિધનથી દેશ કાયમી ખોટ પડી છે.ભારતે એક રત્ન ગુમાવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.