“હર ઘર તિરંગા” અભિયાન હેઠળ રાષ્ટ્રધ્વજ ફરકાવવા રાજકોટ કલેકટરનો અનુરોધ

રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાઈ તે બાબતને સુનિશ્ચિત કરવા કલેકટરનું અધિકારીઓને સુચન

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ તા. 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાનાર છે. આ અભિયાનના સુચારૂ અમલીકરણ અર્થે જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને  બેઠક યોજાઈ હતી.

કલેકટરે જણાવ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાન રાષ્ટ્રપ્રેમની ભાવનાને વ્યક્ત કરવાનો અવસર છે. આ અવસરને ઝીલીને રાષ્ટ્રધ્વજને આન-બાન-શાન સાથે સરકારી કચેરીઓ, ખાનગી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, સ્કુલ-કોલેજો, દુકાનો, રેલ્વે સ્ટેશનો, પોલીસ સ્ટેશનો, જાહેર સ્થળો, સરકારી કર્મચારીઓ અને દરેક નાગરીકે પોતાના ઘર ઉપર ફરકાવવા જોઈએ. આ ઉપરાંત રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખીને રાષ્ટ્રધ્વજ લહેરાવવા કહ્યું હતું. તેમજ 15 ઓગસ્ટનાં સાંજે તિરંગાને વ્યવસ્થિત રીતે ફોલ્ડ કરીને ઘરમાં સાચવી રાખીને જાગૃત-જવાબદાર નાગરીકની ફરજ બજાવવા કહ્યું હતું.આ તકે રાજકોટ શહેર અને ગ્રામ્યમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ કરવામાં આવનાર આયોજન અંગેની ઉપસ્થિત અધિકારીઓ અને વીડિયો કોન્ફરન્સથી જોડાયેલા પ્રાંત અધિકારીઓ અને મામલતદાર ઓ પાસેથી માહિતી મેળવી હતી. આ સાથે વધુને વધુ નાગરિકો હર ઘર તિરંગા અભિયાનામાં જોડાઈ તે માટે સોશિયલ મીડિયામાં સેલ્ફી વીથ નેશનલ ફ્લેગ જેવા કેમ્પેઈન યોજવા કલેકટર એ સુચન કર્યું હતું.