Abtak Media Google News
  • બાળકોના કુપોષણનું પ્રમાણ ઘટાડવા રાજય સરકારની રણનીતિ

  • બાળકોને પોષણ માટે કરોડોની ગ્રાન્ટ અપાય છે છતાં કુપોષિત બાળકોનું પ્રમાણ વધતું જાય છે

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગુજરાત રાજયના મંત્રી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં એનસીએચએફના રીપોર્ટમાં બાળકોના કુપોષણનું પ્રમાણ ગુજરાત રાજયમાં સૌથી વધુ હોવાનું બહાર આવ્યું છે અને આ આંક ઓછો કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ન્યુટ્રીશીયન તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.નિલામ્બરીબેન દવે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આંગણવાડીનું મોનીટરીંગ થાય તેના માટે યુનિવર્સિટીના હોમ સાયન્સ વિભાગ અને સૌરાષ્ટ્રની ૧૫ જેટલી કોલેજોમાં હોમ સાયન્સ ઉપર પી.એચ.ડી. કરતા વિદ્યાર્થીઓને આંગણવાડીના મોનીટરીંગની કામગીરી સોંપવામાં આવશે.

Dr. Nilambariben

ઉલ્લેખનીય છે કે, બાળકોના પોષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજયોને કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે છતા કુપોષીત બાળકોના પ્રમાણનો આંક ગુજરાતમાં સૌથી વધારે છે અને આવા કુપોષિત બાળકોને સુપોશિત કરવા રાજય સરકાર જાગી છે અને રણનીતિ તૈયાર કરી રહ્યું છે. જે સંદર્ભે શનિવારે અમદાવાદ ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગુજરાત રાજયના મંત્રી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોના સર્વાંગી વિકાસ અને બાળકો સુપોષિત બને તે માટે ચર્ચા-વિચારણા કરાઈ હતી. જેમાં ગુજરાતની કોલેજોના કુલપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો.નિલાંબરીબેન દવેએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, શનિવારે મળેલી બેઠકમાં બાળકોના કુપોષણને ઘટાડવા રણનીતિ તૈયાર કરવામાં આવી છે. આંગણવાડીમાં બાળકોને આહાર માટે ન્યુટ્રીશીયન પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે જે પ્રમાણમાં ખુબ જ જાડો હોય છે જેની રોટલી પણ બની શકતી નથી તો આ પાવડર ઝીણો બનાવવા માટે સુચન કરાયું છે. આ ઉપરાંત આંગણવાડીમાં અપાતા બાળકોના આહાર અલગ-અલગ બને તેમજ આહાર બનાવતી બહેનોને એક જ વસ્તુમાંથી અલગ-અલગ વાનગી કઈ રીતે બને તે માટેનું પણ માર્ગદર્શન આપવામાં આવે. આ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હોમ સાયન્સ ભવનના સંશોધકો તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ૧૫ જેટલી હોમ સાયન્સ કોલેજોમાં પીએચડી કરતા વિદ્યાર્થીઓને આંગણવાડીના મોનીટરીંગની કામગીરી સોંપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.