Abtak Media Google News

રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસની સૌરાષ્ટ્રવાસીઓ માટે મોટી જાહેરાત: મુસાફરોની માંગ અને સુવિધાને લઇ મહત્વનો નિર્ણય

સૌરાષ્ટ્રમાં ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે સારા સમાચાર છે. અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ સહિત 6 લાંબા અંતરની ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે.  કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. દર્શનાબેન જરદોશ દ્વારા આ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જાણકારી આપવામાં આવી છે.

Advertisement

દર્શનાબેન જરદોશે ટ્વિટર પર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, સૌરાષ્ટ્રના લોકોને સુવિધા રહે એ હેતુથી નીચે મુજબની ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. (1) ટ્રેન નં. 19421/22 અમદાવાદ – પટના એક્સપ્રેસ, (2) ટ્રેન નં. 22967/68 અમદાવાદ – પ્રયાગરાજ એક્સપ્રેસ, (3) ટ્રેન નં. 19413/14 અમદાવાદ – કોલકાતા એક્સપ્રેસ, (4) ટ્રેન નં. 11049/50 અમદાવાદ – કોલ્હાપુર એક્સપ્રેસ, (5) ટ્રેન નં. 22137/38 નાગપુર – અમદાવાદ એક્સપ્રેસ (6) ટ્રેન નં. 12917/18 અમદાવાદ – હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેન લંબાવાઈ છે.

સૌરાષ્ટ્રમાં વંદે ભારત ટ્રેન શરૂ કરવાની માંગ

તો આ પહેલા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી સૌરાષ્ટ્રમાં વંદે ભારત ટ્રેન શરૂ કરવાની રજૂઆત કરી છે. સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટમાં વંદે ભારત ટ્રેનને લંબાવવાની માંગ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, વંદે ભારત ટ્રેન રાજકોટ સુધી લંબાવવાથી સૌરાષ્ટ્રને ઘણો લાભ થશે.

થોડા દિવસ અગાઉ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુલી શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ તકે રાજકોટના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, રાજકોટને વંદે ભારત સહિતની મહત્વની એક્સપ્રેસ ટ્રેનો મળશે. રાજકોટ રેલવે સ્ટેશનને અંદાજે 10થી 11 ટ્રેન મળશે. લાંબા રૂટની ટ્રેન જે અમદાવાદ સ્ટેશન પર 20 કલાકથી વધુ સમય રહેતી હોય તેવી ટ્રેનને રાજકોટ સુધી લંબાવવામાં આવશે. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.