Abtak Media Google News

જય વસાવડા, મનોહર ત્રિવેદી, માય ડિયર જયુ, મનસુખ સલ્લા, ભરત મહેતાના વકતવ્યો તેમજ રાજેશ વ્યાસ મિસ્કીનના કાવ્યો પ્રસ્તુત થયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનના ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે યોજાતા માતૃભાષા-સપ્તાહ અંતર્ગત તા.૨૧ થી ૨૭ ફેબ્રુઆરીનાં દિવસોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. ૨૧ તારીખે ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણીએ આપણી ભાષાને પ્રેમ કરવાની હિમાયત કરી હતી અને વિદ્યાર્થીઓને પુસ્તકોનું વાંચન કરવાનો અનુરોધ કર્યો હતો. અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતા કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે, આપણે દૈનિક વ્યવહારમાં માતૃભાષાનો ઉપયોગ કરતો રહેવો પડે. માતૃભાષાના જતન માટેની મુકત ચર્ચા થાય એ પણ જરૂરી છે.

Advertisement

માતૃભાષાના મહિમા વિશે બોલતા જય વસાવડાએ કહ્યું હતું કે જેમ પ્રજા સમૃદ્ધ થાય એમ ભાષા સમૃદ્ધ થાય છે. પરંતુ આપણે ભાષાભિમાન કેળવવું પડશે અને ભાષા માટે સંદર્ભ સાહિત્ય પણ ઉભું કરવું પડશે. ભવનના અધ્યક્ષ ડો.નીતિન વડગામાએ કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરીને સૌનું સ્વાગત કર્યું હતું અને આ પ્રા.જે.એમ.ચંદ્રવાડિયાએ સંચાલન કર્યું હતું.

તા.૨૨ના રોજ ડો.મનોજ જોશી અને કલાવૃંદ દ્વારા ગાંધીકાવ્યોનું ગાન થયું હતું અને તા.૨૩મીએ વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમ અંતર્ગત કાવ્યલેખન તથા નિબંધલેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. ૨૫મી તારીખે સર્જન-સાક્ષાત્કારના ઉપક્રમમાં જાણીતા નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, માય ડિયર જયુએ એમના ‘જીવ’ વાર્તાસંગ્રહના સંદર્ભમાં તેમજ કવિ, નિબંધકાર, વાર્તાકાર મનોહર ત્રિવેદીએ એમના નિબંધસંગ્રહ ‘ઘર વખરી’ને અનુલક્ષીને એમની સર્જન પ્રક્રિયાની વાતો કરી હતી. ડો.બિપિન આશરે સંચાલન કર્યું હતું.

તા.૨૬ના રોજ ગાંધીવાદી વિચારક અને શિક્ષણશાસ્ત્રી મનસુખ સલ્લાએ ગાંધીજી અને ગુજરાત વિષય પરના પોતાના વિચારો રજુ કર્યા હતા અને ગાંધીનો સમાજજીવન તથા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે કેવો પ્રભાવ પડયો છે એની ચર્ચા કરી હતી. સાહિત્યકાર ભરત મહેતાએ ફિલ્માંતર પ્રક્રિયા વિશે છણાવટ કરીને ચુનીલાલ મડિયાની વાર્તા અભુ મકરાણીને આધારે બનેલી ફિલ્મ મિર્ચ મસાલાના સંદર્ભમાં વાતો કરી હતી અને ડો.દિપક પટેલે સંચાલન કર્યું હતું.

માતૃભાષા-સપ્તાહનું તા.૨૭ના રોજ ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણીની ઉપસ્થિતિમાં સમાપન થયું હતું. એમણે પ્રાસંગિક ઉદબોધનમાં સમગ્ર ઉપક્રમ અંગે સંતોષ વ્યકત કરીને સર્જનશિબિર અને અન્ય કાર્યક્રમો યોજતા રહેવાનું સુચન કર્યું હતું. સમાપન પ્રસંગે ગુજરાતી ભાષાના સુખ્યાત કવિશ્રી રાજેશ વ્યાસ મિસ્ક્રીન ઉપસ્થિત રહ્યા હતા અને એમણે પોતાના કાવ્યો પ્રસ્તુત કર્યા હતા.

આ કાર્યક્રમનું સંચાલન ડો.મનોજ જોશીએ કર્યું હતું. સપ્તાહ દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં સર્વશ્રી ભાસ્કર ભટ્ટ, સંજુ વાળા, દિલીપ જોશી, હર્ષદ દવે, ધર્મેન્દ્રસિંહ રાઠોડ, પ્રા.સનત ત્રિવેદી, ડો.સુનીલ જાદવ, શાંતીલાલ રાણીંગા વગેરે સાહિત્યકારો-કલાકારો-અધ્યાપકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ કાર્યક્રમનો લાભ લીધો હતો. માતૃભાષા-સપ્તાહના સંયોજક તરીકે ડો.જે.એમ.ચંદ્રવાડિયાએ જવાબદારી સંભાળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.