Abtak Media Google News

લોધિકાના વાગુદળ ગામે બે આસામીઓની જમીન સંપાદન કર્યા બાદ રૂ.૨.૪૩ કરોડનું વળતર ચૂકવવામાં નિષ્ફળ જતા કચેરી સામે જપ્તીની કાર્યવાહી ગોંડલની કોર્ટે વળતર ચૂકવવાનો આદેશ કર્યો’તો: કોર્ટે આપેલી મુદત પૂર્ણ થઈ ગયા બાદ સરકારમાં દરખાસ્ત કરીને બેદરકારી દાખવતું તંત્ર

લોધીકાના વાગુદળ ગામે બે આસામીઓની જમીન સંપાદન કર્યા બાદ રૂ.૨.૪૩ કરોડનું વળતર ચૂકવવામાં નિષ્ફળ જતા જમીન સંપાદન અધિકારીની કચેરી સામે ગોંડલની કોર્ટે જપ્તીનો આદેશ કર્યો હતો. જેના પગલે આજે રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટની ટીમે જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન એવો પણ ઘટ સ્ફોટ થયો છે કે, કોર્ટે આપેલી મુદત પૂર્ણ થઈ ગયા બાદ સરકારમાં દરખાસ્ત કરીને તંત્રએ બેદરકારી દાખવી છે.

Advertisement

મળતી વિગતો મુજબ વર્ષ ૧૯૬૩માં લોધીકાના વાગુદળ ગામે ડેમ માટે ૫૦ એકર જમીન સંપાદન કરવામાં આવી હતી. જેમાં રણજીતસિંહ નટવરસિંહ જાડેજાની રૂ.૧.૦૪ કરોડની જમીન તેમજ બળવીરસિંહ વજેસિંહ જાડેજાની ૧.૩૯ કરોડની જમીન સંપાદન કરવામાં આવી હતી. આ જમીન સંપાદન બાદ સંપાદન અધિકારીની કચેરીએ રૂ.૨.૪૩ કરોડનું વળતર ચૂકવવાનું થતું હતું. આ કેસ કોર્ટ સુધી પહોંચતા ગોંડલની સીનીયર સીવીલ જજ પી.એન.રાવલની કોર્ટમાં તા.૧૨-૬-૨૦૧૮ના રોજ બન્ને આસામીઓને વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

તેમ છતાં જમીન સંપાદન અધિકારીની કચેરી દ્વારા આસામીઓને વળતર ચૂકવવામાં ન આવતા કોર્ટે નોટિસો પણ ફટકારી હતી. અગાઉ કુલ ૨ વખત નોટિસ ફટકાર્યા બાદ ૩જી વખત વોરંટ ફટકારી ૪૫ દિવસમાં બન્ને આસામીઓને વળતરનું ચૂકવણુ કરી આપવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ ૪૫ દિવસ બાદ વધારાના ૧૦ દિવસ વીતી ગયા હોવા છતાં બન્ને આસામીઓને વળતરનું ચૂકવણુ ન થતાં રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વારા આજે જમીન સંપાદન અધિકારીની કચેરીની જપ્તી હાથ ધરવામાં આવી હતી. આ જપ્તીની કાર્યવાહી કરવા માટે રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટના અધિકારી પંડયા તેમજ બેલીફ તરીકે ઉપેશ પરમાર સહિતના ત્રણ અધિકારીઓની ટીમ જિલ્લા સંપાદન અધિકારીની કચેરીએ દોડી ગઈ હતી. જો કે, આજે જિલ્લા સંપાદન અધિકારી કામ સબબ હળવદ કોર્ટમાં ગયા હોવાથી તેઓ કચેરીએ ગેરહાજર હતા.

સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે જિલ્લા સંપાદન અધિકારી દ્વારા અનેક નોટિસો મળી હોવા છતાં મુદત પૂર્ણ થઈ ગયા બાદ આજથી ચાર દિવસ પૂર્વે સમગ્ર મામલાની જાણ સરકારમાં કરીને આ અંગે દરખાસ્ત કરી હતી. આમ મુદત પૂર્ણ થઈ ગયા બાદ દરખાસ્ત કરી હોવાની ઘટનાથી તંત્રને બેદરકારી છતી થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.