Abtak Media Google News

૧૪થી ૧૬ માર્ચ દરમિયાન પ્રદેશ નિરીક્ષકો લોકસભા વિસ્તારમાં જઈ ઉમેદવારો અંગે કાર્યકર્તાઓ પાસેથી અભિપ્રાય અને સુચનો મેળવશે: ૧૭ થી ૧૯ માર્ચ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે આગામી ૨૩મી એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે તે આગામી ૨૮મી માર્ચના રોજ ચુંટણીનું વિધિવત જાહેરનામું પ્રસિઘ્ધ થશે. ૨૬ બેઠક માટે મુરતીયાઓ પસંદ કરવા માટે ભાજપ દ્વારા આવતીકાલથી ૩ દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રદેશ દ્વારા નિયુકત કરવામાં આવેલા ૩-૩ નિરીક્ષકોની જે-તે લોકસભા વિસ્તારમાં જઈ ઉમેદવારો અંગે કાર્યકર્તાઓ પાસેથી અભિપ્રાય અને સુચનો મેળવશે. ઉમેદવારના નામ ફાઈનલ કરવા માટે ૧૭ થી ૧૯ માર્ચ દરમિયાન પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે ત્યારબાદ આ નામો કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ અહેવાલ સ્વરૂપે રજુ કરી દેવામાં આવશે. ઉમેદવારના નામ દિલ્હીથી જાહેર કરવામાં આવશે.

Advertisement

લોકસભાની ચુંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા પ્રદેશ ભાજપ દ્વારા ૩-૩ નિરીક્ષકોના નામની પેનલ બનાવવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકો પૈકી કચ્છ બેઠક માટે રણછોડભાઈ રબારી, બીપીનભાઈ દવે અને વસુબેન ત્રિવેદી, સુરેન્દ્રનગર બેઠક માટે સૌરભભાઈ પટેલ, નિતીનભાઈ ભારદ્વાજ અને જશુમતીબેન કોરાટ, રાજકોટ બેઠક માટે નરહરી અમીન, બાબુભાઈ જેબલીયા અને જયાબેન ઠકકર, પોરબંદર બેઠક માટે શંભુનાથજી ટુંડીયા, રમેશભાઈ મુંગરા અને આદ્યશકિતબેન મજમુદાર, જામનગર બેઠક માટે મનસુખભાઈ માંડવિયા, રમણલાલ વોરા અને બીનાબેન આચાર્ય, જુનાગઢ બેઠક માટે ચીમનભાઈ સાપરીયા, રમેશભાઈ રૂપાપરા અને અમીબેન પરીખ, ભાવનગર બેઠક માટે મુળુભાઈ બેરા, રમેશભાઈ કસવાલા અને ભાનુબેન બાબરીયાની નિરીક્ષક તરીકે નિમણુક કરવામાં આવી છે.

આવતીકાલથી ૧૬મી માર્ચ સુધી પ્રદેશ નિરીક્ષકોની ટીમ જે-તે લોકસભા વિસ્તારમાં રૂબરૂ જઈ કાર્યકર્તાઓ અને અપેક્ષિતોને સાંભળશે ત્યારબાદ નિરીક્ષકો સેન્સ દરમિયાન પોતાને મળેલા અભિપ્રાયનો અહેવાલ ગુજરાતની ચુંટણી સમિતિ સમક્ષ રજુ કરી દેશે.

આગામી ૧૭ થી ૧૯ માર્ચ દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં ઉમેદવારોના નામ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ આ રીપોર્ટ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુ કરશે. દિલ્હી ખાતેથી ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં મોદી મેજીકના કારણે ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ભાજપનું કમળ ખીલી ઉઠયું હતું. આ વખતે પણ તમામ ૨૬ બેઠકો કબજે કરવા માટે ભાજપે જોરશોરથી તૈયારીઓ શ‚ કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.