Abtak Media Google News

કાલાવડ રોડ પર સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ વાળો રોડ મલ્ટીલેવલ બ્રિજ બન્યા બાદ બંધ ન થઈ જાય તે માટે ૪.૫૦ મીટરનું બોક્ષ બનાવાશે

શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે મહાપાલિકા દ્વારા અલગ અલગ રાજમાર્ગો પર ઓવર તથા અંડર બ્રિજ બનાવવામાં આવી રહ્યાં છે. હાલ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ટ્રાયેંગલ ઓવરબ્રિજ રૈયા રોડ પર આમ્રપાલી ફાટક અને લક્ષ્મીનગર નાલા પાસે અંડરબ્રિજનું કામ ગતિમાં છે ત્યારે આગામી દિવસોમાં શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર કે.કે.વી. ચોક ખાતે મલ્ટીલેવલ ઓવરબ્રિજ, નાના મવા સર્કલ અને રામાપીર ચોકડી પાસે ઓવરબ્રિજ અને કાલાવડ રોડ પર એ.જી.ચોકથી આગળ  જડુસ રેસ્ટોરન્ટ પાસે ઓવરબ્રિજ બનાવવા માટે આગામી ૨ થી ૩ દિવસમાં ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવશે. સંભવત: ચાલુ વર્ષના અંતે તમામ બ્રિજના કામ શરૂ કરી દેવાશે.

આ અંગે મહાપાલિકાના ઈજનેરી સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર કે.કે.વી. ચોક પાસે હયાત ઓવરબ્રિજ ઉપર એક મલ્ટીલેવલ ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રૂા.૯૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ બ્રિજ પ્રિન્સેસ સ્કૂલથી શરૂ કરી મહાપાલિકાની સ્વીમીંગ પુલ સુધીની લંબાઈ ધરાવતો હશે.

બ્રિજના પહોળાઈ બન્ને બાજુ સાડા સાત મીટરની રહેશે. જ્યારે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર હાલ ઈન્દીરા સર્કલ, રૈયા ચોકડી અને મવડી ચોકડી ખાતે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. આ રોડ ઉપર નાના મવા સર્કલ અને રામાપીર ચોકડી ખાતે સતત ટ્રાફિક રહેતું હોય અહીં પણ બન્ને ચોક ખાતે રૂા.૫૯ કરોડના ખર્ચે આશરે ૬૦૦ થી ૬૫૦ મીટરની લંબાઈના ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે કાલાવડ રોડ પર જડુસ રેસ્ટોરન્ટ પાસેથી ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે જેને ધ્યાનમાં રાખી અહીં ૧૯ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવશે જે એ.જી.ચોક પાસે આવેલા હોકર્સ ઝોનથી શરૂ કરી મોટા મવા બ્રિજ પાસે પુરો થશે. આ ચારેય બ્રિજ માટે આગામી સપ્તાહે ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કે.કે.વી ચોક, નાના મવા સર્કલ, રામાપીર ચોકડી ખાતે બ્રિજ માટે અગાઉ ટેન્ડર પ્રસિધ્ધ કરાયા હતા પરંતુ ભાવ ઉંચા આવતા એક જ પાર્ટીની એજન્સીની ઓફર આવતા ૩ થી ૪ વાર રીટેન્ડરીંગ કરવામાં આવ્યું હતું. હવે જોવાનું રહે છે કે, આ વખતેના પ્રયાસમાં કોન્ટ્રાકટ ફાયનલ થશે કે વધુ એકવાર ટેન્ડર પ્રસિધ્ધ કરવાની ફરજ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.