Abtak Media Google News

હજારો બેઘર લોકો ડરના ઓથાર હેઠળ: સતત વરસાદના કારણે રાહત અને બચાવ કાર્ય પર પણ અસર: સ્થિતિ થાળે પડતા દિવસો નિકળી જશે

ઉતર ગુજરાતમાં સતત અનરાધાર વરસાદ: હવાઈ, રેલવે, એસ.ટી. સેવાઓ પર વ્યાપક અસરો: સેંકડો ગામો હજી સંપર્ક વિહોણા: કાળા માથાના માનવી કુદરત સામે લાચાર

ગુજરાતમાં છેલ્લા એક પખવાડીયાથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે રાજયમાં હવે જળ હોનારત જેવી સ્થિતિનું નિર્માણ સર્જાય ગયું છે. આકાશી આફત સામે ઉગારવા ૫૦ હજારથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉતર ગુજરાતમાં સતત અનરાધાર વરસાદના કારણે હવાઈ, રેલવે અને એસ.ટી. સેવાઓ પર વ્યાપક અસરો પડી છે. અમુક ગામો હજી સંપર્કવિહોણા છે. કાળા માથાનો માનવી કુદરતી આફત સામે રિતસર લાચાર બની ગયો છે. હજારો બેઘર લોકો હાલ ડરના ઓથા હેઠળ જીવન વ્યતિત કરી રહ્યા છે. સતત વરસાદના કારણે રાહત અને બચાવ કાર્ય પર વ્યાપક અસર પડી રહી છે.

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં અવિરત અનરાધાર વરસાદના કારણે ગુજરાતની સ્થિતિ કફોડી બની જવા પામી છે. સૌરાષ્ટ્રને ધમરોળીયા બાદ મેઘરાજાએ ઉતર ગુજરાતમાં કહેર વરસાવતા છેલ્લા ત્રણ દિવસમાં ૫૦ હજારથી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. રાજસ્થાનમાં વરસી રહેલા વરસાદના કારણે ઉતર ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ સર્જાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ત્રણ-ત્રણ માળ સુધીની બિલ્ડીંગ પાણીમાં ડુબી જવા પામી છે. સતત વરસાદ ચાલુ હોવાના કારણે રાજયભરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉતર ગુજરાતમાં પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને રાજય સરકારને કેન્દ્ર દ્વારા તમામ પ્રકારની સહાય આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી અને તાત્કાલિક સહાય પેટે ‚ા.૫૦૦ કરોડ આપવાની જાહેરાત કરી હતી.

ઉતર ગુજરાતમાં રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની ૯ ટીમો અને બીએસએફની બે ટીમ ઉતારી દેવામાં આવી છે. સતત વરસાદ ચાલુ હોવાના કારણે રાહત અને બચાવ કાર્ય પર વ્યાપક અસર પડી રહી છે. હજારો ગામડાઓ હજી સંપર્ક વિહોણા છે. જયાં કેવી સ્થિતિ છે તે અંગે હજી ખુદ સરકાર પણ માહિતી મેળવી શકી નથી. રાજયના અનેક વિસ્તારોમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાય જવા પામી છે. હજી ૨૪ કલાક અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય. લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં પણ વ્યાપક નુકસાની થવા પામી છે અને અબજો ‚પિયાનું નુકસાન થયું છે.

વરસાદથી હવાઈ, રેલવે અને એસ.ટી. સેવા પર પણ વ્યાપક અસર પડી છે. અમદાવાદ એરપોર્ટનો રન-વે ડેમેજ થતા આજે સવારે એર ઈન્ડિયાની બે ફલાઈટ મુંબઈ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી તો એસ.ટી.ના ૧૧૪૬ ‚ટ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. માળીયા મિંયાણા અને ડીસા વચ્ચેનો રેલવે ટ્રેક પાણીમાં ધોવાઈ જતા રાજધાની સહિતની ૧૧ ટ્રેનો રદ કરી દેવાની ફરજ પડી છે. વ્યાપક વરસાદના કારણે રાજયમાં પારાવાર તારાજી સર્જાય છે. આ સ્થિતિમાંથી બેઠુ થતા ગુજરાતને દિવસો નિકળી જશે.

મેઘવિરામ બાદ જો સરકાર દ્વારા તાબડતોબ અસરકારક કામગીરી કરવામાં નહીં આવે તો ગુજરાતમાં ભંયકર રોગચાળો ફાટી નિકળવાની દહેશત પણ વર્તાય રહી છે. જળ હોનારત જેવી સ્થિતિ ઉભી થતા રાજય સરકાર સતર્ક બની ગઈ છે. મેઘવિરામ રાહ જોવાય રહી છે. વરસાદ બંધ થતાની સાથે જ યુદ્ધના ધોરણે તમામ પ્રકારની કામગીરી હાથ ધરવા તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી રહી છે.

ભારે વરસાદથી અમદાવાદ એરપોર્ટનો રન-વે ડેમેજ એર ઈન્ડિયાની બે ફલાઈટ મુંબઈ ડાયવર્ટ કરવી પડી

ભારે વરસાદના કારણે રાજયમાં ખાનાખરાબી જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. વરસાદના કારણે ગુજરાતની આર્થિક રાજધાની એવા અમદાવાદના એરપોર્ટનો રન-વે ક્ષતિગ્રસ્ત બની જતા આજે સવારે એર ઈન્ડિયાની બે ફલાઈટ તાકીદે મુંબઈ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. જેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ગાર્ડનમાં કેડ સમાન પાણી ભરાતા ગાર્ડન ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.