છઠ્ઠા નોરતે રાજકોટ કોર્પોરેશનનો પંજો: પાંચ વોર્ડ તરસ્યા

વોર્ડ નં.7, 11, 13, 14 અને 17ના અનેક વિસ્તારોમાં નવરાત્રીના પર્વમાં પણ પાણી કાપ: કાલે વોર્ડ નં.2 અને 3માં વિતરણ રહેશે બંધ

મેઘરાજાએ મહેર ઉતારતા રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા તમામ જળાશયો છેલ્લા 20 દિવસથી સતત ઓવરફલો થઈ રહ્યાં છે. છતાં તંત્રની અણઆવડતના કારણે શહેરીજનો પર પાણીકાપના કોરડા વિંઝવામાં આવી રહ્યાં છે. નવરાત્રીના પાવનકારી દિવસે આજે છઠા નોરતે શહેરીજનોના ગાલ પર મહાપાલિકાનો પંજો પડ્યો હોય તેમ આજે એક સાથે 5 વોર્ડમાં પાણીકાપ ઝીંકી દેવાતા દેકારો બોલી ગયો છે. આવતીકાલે પણ શહેરના 2 વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.

મહાપાલિકાની વોટર વર્કસ શાખાના સેન્ટ્રલ ઝોન હેઠળની ભાદર ડેમ નજીક લીલાખા ગામ પાસે 900 એમએમની મેઈન લાઈન લીકેજ થવાના કારણે રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવતા હાજે સવારે ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા ઢેબર રોડ પરના વોર્ડ નં.7ના વિસ્તારો વિજય પ્લોટ, ઉદ્યોગનગર કોલોની, ભક્તિનગર સ્ટે.પ્લોટ, જૈન ચાલ, લોહાનગર, ઉદ્યોગનગર જીઆઈડીસી, વોર્ડ નં.14ના વાણીયાવાડી, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર સોસાયટી, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, ધર્મજીવન સોસા., કોઠારીયા કોલોની, માસ્તર સોસાયટી, મીલપરા અને મજૂર પાર્ક જ્યારે વોર્ડ નં.17માં વાલ્કેશ્વર, હસનવાડી, નારાયણનગર, સાધના સોસાયટી અને ગુરુકુળ વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું.

વેસ્ટઝોનમાં ન્યારા ઓફટેક પર સમ્પ સફાઈ કરવાની કામગીરી સબબ વોર્ડ નં.11ના કોટયાર્ડ એપાર્ટ, સત્યજીત એપાર્ટ, શ્રીજી એપાર્ટ, શુભ એલાયન્સ, લક્ષ્મી સોસાયટી, કસ્તુરી રેસીડેન્સી, અર્પણ એપાર્ટ, કોપર્સ, શ્રીનાથજી પાર્ક, સાધીધ્ય રેસી., આર્યલેન્ડ રેસીડેન્સી સહિતના વિસ્તારોમાં જ્યારે વોર્ડ નં.13માં ચંદ્રેશનગર ઈએસઆર હેઠળ આવતા વિશ્વનગર, મહાદેવ વાડી, અલ્કા સોસા., અમરનગર, મવડી પ્લોટ, માયાણીનગર, આસોપાલ પાર્ક, રામેશ્વર પાર્ક, પરમેશ્વર પાર્ક અને ઉમાકાંત ઉદ્યોગનગર અને નવરંગ પરા વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું. આવતીકાલે મંગળવારે પણ રેલનગર અને બજરંગવાડી હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં.2 અને ત્રણના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.