Abtak Media Google News

૨૦૦ કરોડના વિવિધ કામો માટે ટેન્ડર પ્રસિઘ્ધ નાણા કયાંથી લાવશે તે સૌથી મોટો પડકાર

કેન્દ્ર સરકાર દ્વારા દેશના ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ત્રીજા રાઉન્ડમાં રાજકોટની પસંદગી કરવામાં આવી છે. સ્માર્ટ સિટી અંતર્ગત કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા મહાપાલિકાને .૧ હજાર કરોડની ગ્રાન્ટ મળવાની છે. સ્માર્ટ સિટીનો પ્રોજેકટ ૨૪૦૦ કરોડનો છે પરંતુ અત્યાર સુધીમાં મહાપાલિકાને માત્ર ૭૬ કરોડની ગ્રાન્ટ મળી છે. કોર્પોરેશનની તિજોરી તળીયાજાટક છે. કર્મચારીઓના પગારના પણ ફાફા પડી રહ્યા છે. આવામાં સ્માર્ટ સિટી અંતર્ગત ૨૦૦ કરોડના વિવિધ કામો માટે ટેન્ડર પણ પ્રસિઘ્ધ કરી દેવાયા છે ત્યારે સૌથી મોટો અને પડકારજનક પ્રશ્ર્ન નાણા કયાંથી કાઢવા તે બની રહેશે. સિટી સ્માર્ટ બને તે પહેલા જ કોર્પોરેશનની આર્થિક સ્થિતિ કંગાળ બની ન જાય તે પણ જોવાની જવાબદારી શાસકો અને અધિકારીઓના શીરે રહેલી છે.

રાજકોટની પસંદગી સ્માર્ટ સિટી તરીકે થાય તે માટે મહાપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ કરી વિવિધ પ્રોજેકટ મુકવામાં આવ્યા છે જેને સફળતા સાંપડી છે. શહેરને સ્માર્ટ બનાવવા માટે એક સ્પેશિયલ ટીપી સ્કીમ બનાવવામાં આવી છે. કુલ ૨૪૦૦ કરોડના આ પ્રોજેકટમાં કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા બે હપ્તામાં મહાપાલિકાને માત્ર ૭૬ કરોડ  રૂપિયા જ ચુકવવામાં આવ્યા છે. જેમાં પ્રથમ હપ્તામાં ૨૧ કરોડ અને તાજેતરમાં ગ્રાન્ટ પેટે આપવામાં આવેલા બીજા હપ્તામાં ૫૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. બીજી તરફ મહાપાલિકા દ્વારા સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવામાં આવેલા રેસકોર્સ-૨ અને અટલ સરોવરના વિકાસ સહિતના વિવિધ કામો માટે ૨૦૦ કરોડથી વધુનું ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યું છે. કાર્પેટ એરિયાની અમલવારી બાદ ટેકસની આવક ઘટતા મહાપાલિકાની તિજોરી હાલ સંપુર્ણપણે ઓકિસજન પર છે. કર્મચારીઓના પગારમાં પણ ફાફા પડી રહ્યા છે. આવી સ્થિતિમાં સંપૂર્ણપણે ગ્રાન્ટ આધારીત સ્માર્ટ સિટી પ્રોજેકટમાં જો મહાપાલિકાને સમયસર અને પુરતા પ્રમાણમાં ભંડોળ ફાળવવામાં નહીં આવે તો સ્માર્ટ સિટી પ્રોજેકટ પુર્ણ કરવા માટે જમીનો વહેંચવાનો વારો આવશે. સ્માર્ટ સિટીની મોટી-મોટી વાતો ચોકકસ કરવામાં આવે છે પણ લોકોને સીધી અસર થાય તેવું એક પણ કામ આજ સુધી થઈ શકયું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.