Abtak Media Google News

લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્વે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા રાજ્યભરમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત આવતીકાલે તા.26 નવેમ્બર, 2023 (રવિવાર)ના રોજ ખાસ ઝૂંબેશ દિવસ યોજાશે.

Advertisement

દરેક લોકોને ચૂંટણી કાર્ડ સંબંધિત કામગીરી  નજીકના મતદાન મથકો ઉપર જ યોજાનાર કેમ્પનો લાભ લેવા કલેકટર પ્રભવ જોશી અને અધિક કલેકટર એસ.જે.ખાચરની અપીલ

મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.26 નવેમ્બર, 2023ના રોજ રાજકોટ જિલ્લાના તમામ મતદાન મથકો પર સવારે 10.00થી સાંજે 05.00 વાગ્યા દરમિયાન મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી શકાશે. સાથે જ મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે.

લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.01લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશી અને અધિક કલેકટર શિવરાજસિંહ ખાચર દ્વારા રાજકોટ શહેર જિલ્લાના તમામ મતદારોને મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી લેવા તથા પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા જાહેર અપીલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના Voter Helpline App http:// voters.eci.gov.in/ ઉપર ઓનલાઈન પણ ફોર્મ ભરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.