Abtak Media Google News

સમગ્ર વિસ્તારમાં 500 રનીંગ મીટરમાં પાર્કિંગની સુવિધા ઉભી કરાશે, ઈલેકટ્રીક લાઈનો અન્ડર ગ્રાઉન્ડ કરી રસ્તા પરની અડચણો દુર થશે: સિનિયર સિટીઝનો માટે બેટરી ઓપરેટેડ બસ ચલાવવાનું પણ આયોજન

ભારત સરકારના સ્ટ્રીટ ફોર પીપલ ચેલેન્જ પ્રોજેકટ હેઠળ શહેરનાં હાર્દસમા એવા ધર્મેન્દ્ર રોડ અને તેને લાગુ માર્કેટ વિસ્તારોને પેડેસ્ટ્રીયન ફ્રેન્ડલી બનાવવાનું આયોજન બજેટમાં મહાપાલિકા દ્વારા કરવામાં આવ્યું હોવાની જાહેરાત મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવી છે.

Advertisement

તેઓએ ઉમેર્યું હતું કે, નાગરિકો માટે પેડેસ્ટ્રીયન ફ્રેન્ડલી એરિયા બનાવવામાં કેટલીક જોગવાઈઓ કરવામાં આવશે જેમાં ધર્મેન્દ્ર રોડ અને તેને લાગુ વિસ્તારોમાં અંદાજે 500 રનીંગ મીટરના વિસ્તારમાં પાર્કિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પેવિંગ બ્લોકથી રસ્તાઓ રીસર્ફેસીંગ કરવામાં આવશે. ઈલેકટ્રીક લાઈનો દુર કરાવી અંડર ગ્રાઉન્ડ લાઈટીંગ અને કેબલિંગ કરવામાં આવશે જેથી રસ્તાઓ અડચણમુકત બને. તમામ યુટિલીટી જેવી કે વોટર સપ્લાય, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ રસ્તાની એક તરફે ફેરવવામાં આવશે જેથી મેઈન્ટેનન્સની કામગીરીમાં મુશ્કેલી ન આવે. સિનિયર નાગરિકો માટે અહીં બેટરી ઓપરેટેડ બસો ચલાવવાનું પણ આયોજન છે જેના કારણે પોલ્યુશન ઘટાડી શકાય. વેપારીઓને પણ મુશ્કેલી ન થાય તે માટે વૈકલ્પિક માર્ગનું આયોજન કરી માલ-સામાનની પરીવહનની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. સમગ્ર વિસ્તારમાં સ્ટ્રીટ ફર્નિચર જેવી બેન્ચીસ, સાઈનેજીસ્ટ અને ડસ્ટબીન જેવી સુવિધાઓ મુકવામાં આવશે. ત્રિકોણબાગ ખાતે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવશે. પેડેસ્ટ્રીયન ફ્રેન્ડલીમાં લોકોને પીવાના પાણીની સુવિધા અને ટોયલેટની પણ સુવિધા મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરવાનું આયોજન છે. શહેરની પ્રવર્તમાન ટ્રાફિકની સમસ્યાઓ અને તેના કારણે થતા પ્રદુષણને ઘટાડવા માટે લોકોને માસ્ક ટ્રાન્સપોર્ટેશનનો મહતમ ઉપયોગ કરવાની સાથે પ્રદુષણરહિત સેવાઓ મળી રહે તે માટે પરિવહન સેવાનો વ્યાપ વધારવામાં આવશે જે માટે આગામી દિવસોમાં નોન મોટરલાઈઝ ટ્રાન્સપોર્ટનો વિકાસ અને વિસ્તરણ પણ કરવામાં આવશે.

સર્વેશ્ર્વર ચોક અને ત્રિકોણબાગે બનશે મલ્ટીલેવલ પાર્કિંગ

ત્રિકોણબાગ નજીક જુની ટ્રાફિક પોલીસ ચોકીની જગ્યા ખુલ્લી કરાવી બીઓટીના ધોરણે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાનું આયોજન

Multi Level

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન સતત વકરી રહી છે. મુંબઈ અને અમદાવાદની માફક હવે રાજકોટમાં પણ વાહન પાર્કિંગ માટે વાહન ચાલકોને જગ્યા મળતી નથી. આવામાં શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુકત કરવાના ઉમદા આશ્રય સાથે શહેરમાં સ્માર્ટ સિટી કાર્યક્રમ અંતર્ગત હાલ અલગ-અલગ 49 મુખ્ય માર્ગો પર પે એન્ડ પાર્કની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરમિયાન યાજ્ઞિક રોડ પર સર્વેશ્ર્વર ચોક અને ત્રિકોણબાગ નજીક બે સ્થળોએ અતિઆધુનિક સુવિધાઓથી સજજ મલ્ટીલેવલ પાર્કિંગ બીઓટીના ધોરણે બનાવવામાં આવશે તેવી જાહેરાત આજે બજેટમાં કરવામાં આવી છે.

સર્વેશ્ર્વર ચોક અને ત્રિકોણબાગ નજીક ઢેબર રોડ પર આવેલી જુની ટ્રાફિક પોલીસની જગ્યા ખુલ્લી કરાવી બીઓટીના ધોરણે અતિઆધુનિક મલ્ટીલેવલ પાર્કિંગ ડેવલોપ કરવા માટે ડિઝાઈન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને સ્માર્ટ સિટી સેલ મારફત સ્માર્ટ પાર્કિંગ પ્રોજેકટ શરૂ કરવામાં આવશે. શહેરમાં મુખ્ય બજારો તથા વ્યવસાયિક એકમોમાં ટ્રાફિક સમસ્યા વધુ રહે છે જેના નિરાકરણ માટે એન્જીનીયરીંગ એન્ડફોર્સમેન્ટ એન્ડ એજયુકેશન એમ ત્રણ બાબતો નિર્ણાયક છે. મહાપાલિકા દ્વારા ટ્રાફિક ટ્રાન્સપોર્ટ અને પાર્કિંગ વિભાગ દ્વારા ટ્રાફિક પોલીસ, આરટીઓ અને અન્ય સરકારી વિભાગો સાથે સંકલન સાધી ટ્રાફિકની સમસ્યાઓ માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે જેનો આગામી દિવસોમાં વ્યાપ પણ વધારવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.