Abtak Media Google News

કારતક સુદ અગિયારસ  23 નવેમ્બરને ગુરુવારના દિવસે દેવદિવાળી છે. દેવદિવાળીને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. દેવદિવાળીના દિવસથી ગંગા નદીનો પ્રવાહ તથા સમુદ્ર શાંત થાય છે એવી માન્યતા છે. આ દિવસે ઉપવાસ કરવાથી એક હજાર અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે તથા સો રાજસૂય યજ્ઞ કર્યાનું ફળ મળે છે તથા બધા જ પાપ નાશ પામે છે. દેવદિવાળીના દિવસે ખાસ કરીને તુલસી પૂજાનું  તથા શાલિગ્રામની પૂજાનું  મહત્ત્વ વધારે છે.

સવારના સમયે તુલસીજી સાથે શાલિગ્રામ રાખી તુલસીજી ને ચૂંદડી ઓઢાડી પોતાના આંગણા અથવા અગાશી ઉપર રાખવા તેના ઉપર શેરડીના સાંઠાનો માંડવો કરવો,ભગવાનને કુદરતી લીલો મંડપ કરાતો હોવાથી શેરડીનો માંડવો જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે તે ઉપરાંત શેરડી ધરવામાં આવે છે. શેરડીમાં ગળપણ હોવાથી તુલસી વિવાહ કરવા થી દાંપત્યજીવન મા પણ મીઠાશ આવે છે. અષાઢી સુદ અગિયારસના દિવસથી દેવતાઓ પોઢી જાય છે અને દેવદિવાળી ના દિવસથી દેવતાઓ જાગે છે, આથી આ દિવસ બાદ લગ્ન જેવા શુભ પ્રસંગોની શરૂઆત થશે. દેવદિવાળીના દિવસે શાલિગ્રામ ઉપર વિષ્ણુ સહસ્ત્ર નામ બોલતા બોલતા તુલસીપત્ર ચડાવવા ઉત્તમ છે. તુલસીવિવાહ માટે સાંજે પ્રદોષ કાળ શુભ સમય સાંજના 6.02 થી 8.38 સુધીનો છે.

તુલસી વિવાહ કરવાથી ઘરમાં સુખ-શાંતિમાં વધારો થાય છે અને દાંપત્યજીવનમાં મીઠાશ આવે છે.જે કોઈ લોકોને પોતાની કુંવારી ક્ધયા મૃત્યુ પામી હોય તો તેની પાછળ પણ તુલસી વિવાહ લોકો કરાવતા હોય છે. દેવદિવાળી ના દિવસે સાંજના સમયે તુલસીજી પાસે ચોખ્ખા ઘી નો દીવો કરી તુલસી તથા શાલિગ્રામ નુ પૂજન કરી 108 અથવા તો એક.હજાર વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ બોલી અને 11 પ્રદક્ષિણા ફરવાથી જીવનની મુસીબતો દૂર થાય છે.

દેવદિવાળીમાં ભગવાનનું ખાસ પૂજન કરવામાં આવે છે. દેવતાઓની દિવાળી તરીકે પણ આ તહેવારને ઓળખવામાં આવે છે. શાલિગ્રામ વિષ્ણુ ભગવાન નુ સ્વરૂપ છે આથી ભગવાનની પોડશોપચાર પૂજા કરવામાં આવે છે.
શાસ્ત્રી રાજદીપ જોશી

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.