Abtak Media Google News

નળમાં ઓછા ફોર્સની સમસ્યા નિવારવા ચેકીંગની માંગ

સૌરાષ્ટ્નું પાણિયારું ગણાતા ધોળીધજા ડેમથી વઢવાણ સુધી 10 કીમી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. પરંતુ રતનપર બાયપાસ રોડ ઉપર પાણીની ચોરી અને ગેરકાયદે કનેક્શનોના લીધે વઢવાણ વોટર વર્કસમાં પાણી પહોચતું નહીં હોવાની બૂમરાણ ઊઠી છે. હાલના 400 એમએમ પાણીની પાઇપલાઇન સામે 150 એમએમ સુધી અડધું પાણી આવે છે. વઢવાણ વોટરવર્કસમાં બે પાણીની ટાંકીઓ ભરાતી નથી જેમાં એક 17 લાખ લીટર અને બીજી 10 લાખ લીટરની છે. તેમાં પાણી ન આવતા વઢવાણ શહેરમાં પાણીની પારાયણ શરૂ થઇ છે.

આ અંગે રાજુભાઇ, અનિલભાઇ, વિક્રમભાઇ વગેરેએ જણાવ્યું કે વઢવાણ ધોળીપોળથી ડેમ સુધીમાં 100 જેટલા ગેરકાયદે કનેકશનોમાં પાણીની ચોરી થાય છે. જેના કારણે પૂરતા ફોર્સથી પાણી આવતું નથી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વઢવાણમાં પાણીના દેકારા શરૂ થયા છે. વઢવાણ પાલિકા કુંભકર્ણ નિંદ્રામાં હોવાથી વઢવાણ શહેરની સ્થિતિ કૂવા કાઠે તરસ્યા જેવી છે. આ અંગે વઢવાણ વોટર વર્કસના કર્મચારીઓએ જણાવ્યું કે ધોળીધજા ડેમમાં વીજપુરવઠાની સમસ્યાના લીધે વઢવાણમાં પાણીની સમસ્યા છે.

જ્યારે પાણીની ચોરી અને ગેરકાયદેસર કનેક્શનો માટે પાલિકા પ્રમુખ, ચીફઓફીસર, ચેરમેનો અને એન્જિનિયરો આદેશ આપે પછી કાર્યવાહી કરીશું. બીજી તરફ વઢવાણના હુડકો, ખારવાની પોળ, ખાંડીપોળ, ગઢવિસ્તાર અને બહારના વિસ્તારોમાં પાણીનો રઝળપાટ શરૂ થયો છે. આ પ્રશ્ને કોઇ ઉકેલ નહીં આવે તો ટાઉનશિપ, કાર્યાલય, ઓફિસોના ગેરકાયદે કનેકશનો સામે જનતારેડની ચીમકી અપાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.