Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી પાણીની પાઈપલાઈનમાં ગેરકાયદેસર પાણીચોરી થતી હોવાની અનેક વખત વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે સાયલા તાલુકામાંથી પસાર થતી પાણીની પાઈપલાઈન માં ચેકીંગ દરમ્યાન ગેરકાયદેસર કનેકશનો દ્વારા પાણીચોરી થતી હોવાનું જણાઈ આવતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા સાત જેટલા શખ્સો સામે પાણીચોરી અંગે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબસાયલા પાણીપુરવઠા વિભાગના નાયબ કાર્યપાલ ઈજનેર એમ.ટી.પરમાર તેમજ મદદનીશ ઈજનેર ડી.એચ. કઠેસીયા સહિત દેવાયતભાઈ અને સ્ટાફે સાયલા તાલુકાના આયા ગામના પાટીયાથી વખતરપર તરફ આવતી ડી-આઈ પાણીની પાઈપલાઈનનું ચેકીંગ હાથધર્યું હતું.

જે દરમ્યાન પાઈપલાઈનના એરવાલ્વમાંથી ગેરકાયદેસર જોડાણ અને ચેડા કરી સાત જેટલાં શખ્સો મોબતસંગ વજુભાઈ રાજપુત, કનુભાઈ હમીરભાઈ રાજપુત, ભાથાભાઈ જીલુભાઈ ખાચર, વાસકુરભાઈ વિક્રમભાઈ ખાચર, ચતુરભાઈ માવસંગભાઈ રાજપુત, મધુભાઈ દેવાયતભાઈ ખાચર અને અજીતભાઈ ભીખુભાઈ ગોહિલ દ્વારા ગેરકાયદેસર પાણીની પાઈપલાઈન માંથી પાણીચોરી કરતાં હોવાનું ધ્યાને આવતાં તમામ શખ્સોને ગેરકાયદેસર કનેકશન દીઠ રૂા.૫૦,૦૦૦નો દંડ સહિત કુલ રૂા.૩.૫૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને તે અંગેની નોટીસ તેઓને મોકલી આપવામાં આવી હતી. પરંતુ કોઈ જ જવાબ ન આપતાં ફરી ચેકીંગ હાથધરી તમામ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી હતી જ્યારે ગેરકાયદેસર પાણીચોરી અંગે ચેકીંગ તેમજ કડક કાર્યવાહી હાથધરાતાં પાણીચોરી કરતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.