Abtak Media Google News

સમાધાન ન થાય તો રાત્રીના ૧૨ વાગ્યાથી એસ.ટી. બસના પૈડા થંભી જશે

સાતમા પગારપંચ સહિતની અનેક ૧૩ જેટલી માંગણીઓ ન સંતોષાતા એસ.ટી.કર્મચારીઓના યુનિયન દ્વારા આંદોલનના મંડાણ શરૂ થઈ ગયા છે. રાજકોટ ડિવિઝનના ૨૬૦૦ કર્મચારીઓમાંથી ૨૩૦૦ સહિત રાજયના ૪૦ હજાર જેટલા એસ.ટી.કર્મચારીનો માસ સીએલ પર જતા રોકવા તનતોડ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

કર્મચારીઓ દ્વારા સાતમા પગારપંચ સહિત કુલ ૧૩ જેટલી માંગણીઓ કરવામાં આવી છે. જેમાં ફિકસ પગાર કર્મચારીઓને સરકારના ધારાધોરણ મુજબ તમામ નાણાકીય લાભ આપવા, આક્ષીતોને ભરતી કરવી, ખાનગી વાહનો ભાડે લઈને કરવામાં આવતા આંતર વિભાગીય સંચાલનમાં નિગમને મોટી ખોટ જાય છે. જેથી તે બંધ કરવા, ડ્રાઈવર કમ કંડકટર પાસે કોઈ એવુ જ ફરજ લેવી તેમજ સૌથી મોટી માંગ સાતમાં પગારપંચ મુજબ બધાને પગાર આપવો સહિતની માંગણી જો નહીં સંતોષાય તો આજ રાત્રે એસ.ટી.ના પૈડા થંભી જશે.

આજે રાત્રીના ૧૨ વાગ્યાથી એસ.ટી.ના ડ્રાઈવર, કંડકટર, વર્કશોપ સ્ટાફ સહિતના માસ સીએલ ઉપર ઉતરી જશે તેવી ચીમકી અપાઈ છે અને સાથો સાથ આજે રાત્રીના ૧૨:૦૦ વાગ્યાથી એસ.ટી.ના પૈડા પણ થંભી જશે. જેથી કરોડોનું નુકસાન જશે. સાથો સાથ મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે.

રાજયના સ્ટેટ ટ્રાન્સપોર્ટ વકર્સ ફેડરેશનના પ્રમુખ ઈન્દુભા જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજય માર્ગ વાહન-વ્યવહાર નિગમમાં કામ કરતા એસ.ટી.ના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવા સહિત વિવિધ પ્રશ્ને એસ.ટી.ના ત્રણેય મુખ્ય યુનિયનોના હોદેદારો આજે રાત્રથી માસ સીએલ પર ઉતરી જશે. આજે મધરાત્રીથી કર્મચારીઓ સામુહિક રીતે માસ સીએલ પર જશે જેના કારણે એસટીની વ્યવસ્થા બે દિવસ માટે ઠપ્પ થઈ જશે જેના કારણે રાજયભરની એસ.ટી.સેવા ખોરવાઈ જશે.

દરેક ડેપોમાંથી ઉપરથી બસના ડ્રાઈવર અને કંડકટરને સુચના આપી દેવામાં આવી છે કે, આજ રાતથી હડતાલમાં જોડાવું અને બસ જયાં પહોંચી હોય તેના નજીકના ડેપોમાં જ થંભાવી દેવી એટલે આજથી રાત્રે મુસાફરી કરતા યાત્રીકોને પણ સાવધાની રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે અને જરૂર ન હોય તો મુસાફરી પણ નહીં કરવા માટે જણાવાયું છે.

રાજકોટ એસટી ડીવીઝનની ૫૧૦ સહિત સૌરાષ્ટ્રભરની ૨૦૦૦થી વધુ બસોના પૈડા આજ મધરાત્રીથી થંભી જશે અને યાત્રીકો રઝળી પડશે. એક સાથે હજારો એસટી બસના પૈડા થંભી જશે તો રાજયભરના લાખો યાત્રીકોમાં અફરા-તફરી મચી જવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ એસટીના કંડકટર-ડ્રાઈવરો માસ સીએલ પર ન ઉતરે તે માટે તનતોડ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.