Abtak Media Google News

15 થી 18 વર્ષના બાળકોને વેક્સિનેટેડ કરવાના સરકારના નિર્ણયને આવકારતું રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

સંભવિત ત્રીજી લહેર પૂર્વે બાળકોને વેક્સિનેટેડ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓને વેક્સિન આપવા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકારના આ નિર્ણયને આવકારી વિદ્યાર્થીઓનું વેક્સિનેશન ખાનગી અને સરકારી સ્કૂલના માધ્યમથી કરવા માગ કરવામાં આવી છે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે, સ્કૂલના માધ્યમથી વેક્સિનેશન કરવામાં આવે તો માસ વેક્સિનેશન, સરળ વેક્સિનેશન અને 100% વેક્સિનેશન સમયસર કરી શકાય તેમ છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સ્કૂલના માધ્યમથી વેક્સિનેશન કરવાના મુખ્ય 3 ફાયદાઓ છે. પ્રથમ માસ વેક્સિનેશન થશે, બીજુ ઇઝી એટલે કે સરળતાથી વેક્સિનેશન થશે અને ત્રીજું 100% વેક્સિનેશન સમયસર થશે. આ કામગીરીમાં આરોગ્ય વિભાગની સાથે સ્કૂલનો સ્ટાફ પણ તેમને મદદરૂપ બની શકશે અને વિદ્યાર્થીના યુનિક આઈડી નંબર આધારથી સ્ક્રિનિંગ પણ સરળતાથી કરી શકાશે.

ઓમિક્રોનની દહેશત અને સંભવિત ત્રીજી લહેર પૂર્વે કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં બાળકોની સંક્રમિત થવાની સંખ્યામાં વધારો થતો જોવા મળતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, સ્કૂલ સંચાલકો અને વાલીઓ દ્વારા બાળકો માટે વેક્સિનેશનની માગ છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવી રહી હતી. જેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા આગામી જાન્યુઆરી 2022થી સમગ્ર ભારતમાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓને વેક્સિન આપવા અંગે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ રાજ્ય અને કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકારી સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.