Abtak Media Google News

પોરબંદરમાં વર્ષ 2007માં બનેલા નવઘણ અરશી જાડેજાની મકરસંક્રાંતિની રાત્રે બનેલા હત્યાના બનાવમાં 16 વર્ષ બાદ અદાલતે પોતાના ચુકાદો આપી ત્રણને આજીવન કેદની સજા ફટકારી છે. જયારે એક આરોપી મને દોષિત ઠેરવી એક વર્ષની સજા ફટકારવામાં આવી છે.

અન્ય એક દોષિતને એક વર્ષની સજા ફરમાવાઈ : ત્રણને શંકાનો લાભ આપી છોડી મુકાયા

પોરબંદરમાં વર્ષ 2007ની મકરસંક્રાતિના રાતના મેમણવાળા વિસ્તારમાં એભા અરજણ જાડેજા અને પુંજા રામા ઓડેદરા, લાખા રામા ઓડેદરા, ગાંગા માલદે ઓડેદરાની ગેંગ વચ્ચે મારામારી સર્જાઈ હતી અને આ મારામારીમાં છરી તથા પિસ્તોલ જેવા પ્રાણ ઘાતક હથિયારો વડે કરાયેલા હુમલામાં સરમણ મુંજા જાડેજાના ભાઈ અરસી મુંજા જાડેજાના પુત્ર નવઘણ અરસી જાડેજાની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યા પ્રકરણનો કેસ પોરબંદરની કોર્ટમાં ચાલી જતા અદાલતે 3ને આજીવન કારાવાસની તથા એકને એક વર્ષની કેદની સજા ફટકારી હતી

જ્યારે અન્ય ત્રણ આરોપીને શંકાનો લાભ આપીને છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો હતો. 16 વર્ષ પહેલા તારીખ 14.1.2007 અને મકરસંક્રાંતિની રાત્રિના આઠ વાગ્યે મેમણવાડા વિસ્તારમાં એભા અરજણ જાડેજા પોતાના ઘરની બહાર આવેલા ઓટલા ઉપર બેઠા હતા. તેની સાથે જેની હત્યા થઈ હતી તે એભા અરજણનો પિતરાઈ ભાઈ નવઘણ અરસી જાડેજા તથા રામા અરશી જાડેજા, એભા અરજણની પત્ની માલીબેન તથા પુરીબેન ભૂતિયા, સુરેશ ઓડેદરા, ધર્મેશ ગોહેલ, કેશુ ચના કડછા, અમિત નેભા ભૂતિયા, ભાનુબેન સુરેશભાઈ, નાથીબેન ભીમાભાઇ બેઠા હતા.

તે દરમિયાન ત્યાંથી રામદેવ ઉર્ફે કાલો રાજસી ઓટલા ઉપર કોણ કોણ બેઠા છે તે જોવા જાણવા ત્યાંથી પસાર થયો હતો અને એભા અરજણ તેની સાથે ઓટલા પર બેઠેલા અન્ય લોકોએ તેને ગાળો આપવાની ના પાડતા તે ત્યાંથી ચાલ્યો ગયો હતો અને થોડીવાર પછી આરોપી વિરમ કેશુ, ગગુ રણમલ પરમાર, પુંજા રામા ઓડેદરા, વિરમ કેશુ ઓડેદરા, દેશવી રામા ઓડેદરા, લાખા રામા ઓડેદરા, ગાંગા માલદે ત્યાં ધસી આવ્યા હતા અને આરોપી વિરમ કેશુએ મૃતક નવઘણ અરસી જાડેજાને છાતીના ભાગે તથા હાથમાં છરીના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા.

આ હુમલામાં નવઘણ અરશી જાડેજાને ગંભીર ઇજાઓ થતાં તેને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા આરોપીઓ સામે હત્યાનો ગુનો પણ દાખલ કરાયો હતો. જે કેસ પોરબંદરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા જજ આર ટી પંચાલે આરોપી પુંજા રામા ઓડેદરા, લાખા રામા ઓડેદરા અને ગાંગા માલદે ઓડેદરાને કસૂરવાર ઠરાવી મુખ્ય સજા સ્વરૂપે આજીવન કેદની સજા તથા રૂપિયા 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. તેમજ આરોપી રામદે ઉર્ફે કાલો રાજશી ઓડેદરાને એક વર્ષની સજા તથા 500નો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં દેવશી રામા ઓડેદરા, ગજેન્દ્ર ઉર્ફે ગગુ રણમલ પરમારને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ સુધીરસિંહ જેઠવા રોકાયા હતા.

આજીવન કેદની સજાનો દોષિત ગાંગા માલદે ઓડેદરા હાલ નગરસેવક તરીકે કાર્યરત

વર્ષ 2007ના નવઘણ અરસી જાડેજા હત્યા પ્રકરણમાં જે આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવી છે તેમાંનો એક આરોપી ગાંગા માલદે ઓડેદરા હાલ પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાનો નગર સેવક પણ છે.

16 વર્ષ બાદ પણ હત્યાનો એક આરોપી ફરાર

ચકચારી નવઘણ અરશી જાડેજાની હત્યા કરાયા બાદ આ હત્યા પ્રકરણનો ચુકાદો લગભગ 16 વર્ષ બાદ આવ્યો છે. ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે આ હત્યા પ્રકરણમાં હજુ એક આરોપી વિરમ કેશુ ઓડેદરા 16 વર્ષ બાદ પણ પોલીસના હાથમાં લાગ્યો નથી. આ આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.