Abtak Media Google News

ખાસ અંગભુત યોજના હેઠળ 117 હેકટરમાં આશરે 1 લાખથી વધુ રોપાનું વાવેતર થશે

રાજ્યના ટકાઉ વિકાસ માટે પ્રાકૃતિક સંપદાઓનું જતન ખુબ જરૂરી છે. પ્રાકૃતિક સંપદાઓ વિના મનુષ્ય જીવનની કલ્પના અશક્ય છે. આપણને રોજીંદા જીવનની ઉપયોગી વસ્તુઓ પુરી પાડતી કુદરતી સંપત્તિ જીવસૃષ્ટ્રી માટેનો આધારસ્તંભ એવો પ્રાણવાયુ પણ પુરો પાડે છે. ત્યારે રાજકોટને હરિયાળું બનાવવા અને તેના ટકાઉ વિકાસ માટે વર્ષ 2022-23માં સામાજિક વનીકરણ વિભાગ, રાજકોટ દ્વારા આ વર્ષના ચોમાસા દરમ્યાન રાજકોટ અને મોરબી જિલ્લામાં વિવિધ યોજનાઓ અંતર્ગત રોપા વાવેતરની કામગીરી હાથ ધરવામાં આવશે.

હરિયાળી ક્રાંતિના ભાગરૂપે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રાજકોટ અને મોરબી જિલ્લામાં ચાલુ ચોમાસે બિન આદિવાસી યોજનાની પેટા યોજનાઓ જેવી કે પટ્ટી વાવેતર, ગ્રામવાટીકા પિયત, ગ્રામવાટીકા બિનપિયત, પર્યાવરણ પ્લાન્ટેશન, આર.ડી.એફ.એલ/એફએફ, હરિયાળુ ગ્રામ યોજના અને વૃક્ષ ખેતી યોજના હેઠળ આશરે 511 હેકટરમાં 4,93,355ના લક્ષ્યાંક સાથે રોપાઓનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત ખાસ અંગભુત યોજના અંતર્ગત 117 હેકટરમાં 1,17,288 રોપાનું વાવેતર કરવામાં આવશે  તથા તેના યોગ્ય જતન અને ઉછેર થકી આગામી દિવસોમાં હરીયાળી ક્રાંતી દ્વારા આવનારી પેઢીને ઉજ્જવળ ભવિષ્ય (પર્યાવરીણય સમૃધ્ધી) પ્રદાન કરાશે, તેમ સામાજિક વનીકરણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.