Abtak Media Google News

ચૂંટણી પ્રક્રિયા મુખ્યત્વે ચાર કાયદાઓથી કરવામાં આવે છે, બંધારણ અને સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચને વિશાળ સત્તાઓ પ્રદાન કરી છે

જ્યાં કાયદાકીય જોગવાઇ ન હોય અથવા કાયદો પ્રર્યાપ્ત ન હોય તેવા સંજોગોમાં ચૂંટણી પંચ આદેશ જારી કરી શકે છે, આચાર સંહિતા તેનું ઉદાહરણ

આપણો દેશ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવે છે. લોકશાહી એ જ ભારતીય બંધારણનું હાર્દ છે. બંધારણે જ ભારતને સાર્વભૌમત્વ સમાજલક્ષી અને બિનસંપ્રદાયિક ગણતંત્ર બક્ષ્યું છે. લોકશાહી અંગે બંધારણમાં સુંદર પરિકલ્પના કરવામાં આવી છે. આ પરિકલ્પના એટલે ભારતના પ્રત્યેક નાગરિક મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજી સંસદ, વિધાનસભા, પંચાયતોમાં પોતાનું પ્રતિનિધિત્વ મોકલે છે.

આ ચૂંટણીઓ ભારતનું ચૂંટણી પંચ યોજે છે. આ પંચને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે. તે કેટલાક કાયદો અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને અનુસરી ચૂંટણી પ્રક્રિયા કરે છે. બંધારણે ચૂંટણી પંચને કાયદાઓ વડે વિશાળ સત્તાઓ આપી છે. તેના વિશે જાણવું રસપ્રદ બની રહેશે.

મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે કેટલીક પૂર્વ જરૂરિયાતો છે. જેમાં ચૂંટણી રાજકીય અને પ્રશાસનની દખલગીરીથી મુક્ત હોવી જોઇએ. ચૂંટણી પંચને કાયદાકીય પ્રાવધાનોથી સજ્જ કરવું પડે અને ચૂંટણી અંગે ઉભા થવા વિવાદોનું યોગ્ય નિરાકરણ. આ બાબતો જરૂરી છે. એટલે ભારતીય બંધારણમાં તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે

ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ઉભા થતાં વિવાદોને સુપ્રિમ કોર્ટમાં ન્યાય માટે લઇ જઇ શકાય છે. તેની જોગવાઇ બંધારણના અનુચ્છેદ ૭૧માં કરવામાં આવી છે. જ્યારે, સંસદ અને વિધાનસભા સહિતની અન્ય સંસ્થાઓની ચૂંટણીમાં ઉભા થતાં વિવાદોને હાઇકોર્ટમાં પડકારી શકાય છે.

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ખાસ ખાસ કાયદો ઘડવામાં આવ્યો છે. જેને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી ધારો-૧૯૭૪ તરીકે ઓળખવામાં આવે છે.  ચૂંટણી પંચ મુખ્યત્વે લોક પ્રતિનિધિત્વ ધારો-૧૯૫૦ અને ૧૯૫૧ની વિવિધ કલમો હેઠળ ચૂંટણી યોજે છે. આ કાયદા અંગે ઉભી થતી તકરારોનું સુપ્રિમ કોર્ટે નિરાકરણ કરી કેટલાક ચિમાચિહ્નરૂપ ચુકાદા આપ્યા છે.

લોકપ્રતિનિધિત્વ ધારો-૧૯૫૦ પણ મુખ્યત્વે મતદાર યાદી બનાવવી, તેમાં સુધારણા કરવા અંગેની જોગવાઇઓ ધરાવે છે. તેવો જ બીજો કાયદો મતદાર નોંધણી અધિનિયમ-૧૯૬૦ પણ છે. તેની કલમ નંબર ૨૮ હેઠળ મતદાર યાદીને લગતી વિસ્તૃત જોગાવાઇઓ કરવામાં આવી છે. આ કાયદા હેઠળ જ સરકારના ખર્ચથી નાગરિકને મતદાર ઓળખપત્ર આપવામાં આવે છે. જ્યારે, લોકપ્રતિનિધિત્વ ધારો-૧૯૫૧ અને ચૂંટણી પ્રક્રિયા અધિનિયમ-૧૯૬૧ મુજબ મતદાન કામગીરી હાથ ધરવામાં આવે છે. આ કાયદાની કલમ નંબર ૧૬૯માં તેની જોગવાઇ કરવામાં આવી છે.

આ બન્ને કાયદાઓમાં ચૂંટણી પ્રક્રિયાના તમામ તબક્કાઓની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં ચૂંટણીના જાહેરનામાની પ્રસિદ્ધિ, નામાંકન, ઉમેદવારીપત્રોની ચકાસણી, ઉમેદવારી પરત લેવી, મતદાન યોજવું, મતગણતરી કરવાના પ્રાવધાન કરવામાં આવ્યા છે. એક વિશેષ વાત એ છે કે લોકપ્રતિનિધિત્વ ધારાની જોગાવાઇ પ્રમાણે વિજેતા ઉમેદવારોની જાહેરાત પ્રમાણે જ હાઉસ એટલે કે સંસદ કે વિધાનસભાની રચના થાય છે. બંધારણે ચૂંટણી પંચને વિશાળ સત્તાઓ આપી છે.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઇ કિસ્સામાં કાયદાની અપૂર્ણ જોગવાઇ હોય તો પંચ આદેશ પણ કરી શકે છે.બીજી એક મહત્વની વાત એ છે કે ચૂંટણીને લગતા વિવાદો હાઇકોર્ટ કે સુપ્રિમ કોર્ટમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ પડકારી શકાય છે. જો કે કોર્ટને ગંભીર લાગતી બાબતમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જ ન્યાયોચિત્ત ચૂકાદા આપી શકે છે.

મોહિન્દરસિંઘ વિરુદ્ધ ચિફ ઇલેક્શન કમિશનના ૧૯૭૮ના એક કેસમાં સુપ્રિમ કોર્ટે એવું પ્રતિપાદિત કર્યું હતું કે જ્યાં કાયદાઓની પૂરતી જોગવાઇ નથી, એવા સમયે ઇલેક્શન કમિશનર આદેશ આપી શકે છે. મોડેલ કોડ ઓફ ક્ધડક્ટ આ કેસની જ દેન છે. ૨૦૦૩ના એક કેસમાં સુપ્રિમ કોર્ટે ઉમેદાવારોને પોતાની, તમામ પારિવારિક સંપતિ અને ગુના સંબંધી વિગતો જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

આજ સંબંધે અન્ય એક ચુકાદામાં એવું પણ ઠરાવ્યું છે કે ઉમેદવાર ઉક્ત વિગતો આપી શકે તો તેનું નોમિનેશન પેપર રદ્દ કરવાને પાત્ર બને છે. તાજેતરના એક ચુકાદામાં સુપ્રિમ કોર્ટે કોઇ પણ ઉમેદવારને મત ન આપવા માટેના નોટાને પણ અમલી બનાવ્યું છે. જ્યારે, ઓડિટ ટ્રાયલ પેપર આપવાનો પણ સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે.  આમ, ભારતનું ચૂંટણી પંચ ઉક્ત કાયદાઓને આધારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.