Abtak Media Google News

તેજી પછી મંદી અને મંદી પછી તેજી એ બજારનો નિયમ છૈ.આ નિયમમાં સમયગાળો કેટલો લાંબો રહે છે તે ઘણું મહત્વનું હોય છે. આ ઉપરાંત મહત્વનું હોય છૈ કે હોલસેલ કે પ્રોડક્શન સ્તરે થયેલા ભાવના ઘટાડાની અસર રિટેલ સેક્ટર સુધી પહોંચે છે કે નહી. આશરે દોઢ વર્ષની કોમોડિટીની તેજીની સુપર સાયકલ હવે દિશા બદલી રહી છે. ખાદ્યતેલોમાં ખાસ કરીને પામતેલનાં ભાવ તેની ટોચ ઉપરથી 50 ટકા જેટલા ઘટ્યા છે. આજરીતે ચોખા, સાકર, ઘી, સોયાબીન તથા વિવિધ કઠોળનાં ભાવ 10 થી 30 ટકા સુધી ઘટ્યા છે. જે મોંઘવારીનાં આંકમાં તબક્કાવાર પ્રતિબિંબત થશે.

Advertisement

આપણે માર્ચ-22 થી મે-22 નાં સમયગાળામાં સાબુ અને શેમ્પુ  થી માંડીને સમોસા તથા સેવભુજિયા સુધીની તમામ એફ.એમ.સી.જી પ્રોડક્ટસનાં ભાવમાં ઉછાળો જોયો હતો. ઘણી કંપનીઓઐ ભાવ વધારવાને બદલે પેકિંગની ક્વોન્ટીટી ઘટાડવાનું નક્કી કર્યુ હતું. મોંઘવારીમાં જોવા મળેલોઅચાનક વધારો આ વખતે કાંઇ પહેલો પ્રસંગ નથી. અગાઉ પણ ઘણીવાર દેશમાં મોંઘવારીથી આમજનતા થાકી જતી હતી. પરંતુ અત્યાર સુધી આપણે જોયુ છૈ કે જ્યારે મોંઘવારી વધૈ છૈ ત્યારે રિટેલમાં ભાવ વધૈ છૈ પરંતુ જ્યારે હોલસેલમાં  ભાવ ઘટે છૈ ત્યારે રિટેલ બજારોમાં ભાવ એટલા ઘટતા નથી.

જો કે આ વખતે સરકારે કંપનીઓને લેખિત સુચના મોકલાવી છૈ કે  ખાદ્યતેલોથી માંડીને તમામ આવશ્યક ચીજો કે જેમાં ભાવ ઘટ્યા છે તેના રિટેલ બજારમાં પણ ભાવ ઓછા કરીને ગ્રાહકોને રાહત આપે.બેશક જ્યારે મોંઘવારી વધી હતી ત્યારે એફ.એમ.સી.જી કંપનીઓના પ્રોફિટ ઉપર કાતર લાગી હતી. ઘણી કંપનીઓને બેલેન્શીટ જાળવી રાખવી એ સમસ્યા બની હતી. પરંતુ જુલાઇ-22થી આ કંપનીઓ રાહતના શ્વાસ લઇ રહી છે. આજ કારણ છે કે શેરબજારોમાં આ સેક્ટરની કંપનીઓના શેરમાં ઉછાળા જોવા મળ્યા છે.

માથે તહેવારોની સિઝન છે એ સમયે જ ક્રુડતેલથી માંડીને ખાદ્યતેલ સુધીની  વિવિધ  કોમોડિટીનાં ભાવ ઘટતા તેમની પડતર સસ્તી થઇ છૈ જેના કારણે આ કંપનીઓનાં નફા વધવાની ધારણા સાથે નિફ્ટીનો એફ.એમ.સી.જી ઇન્ડેક્ષ 43326 ની ઓલટાઇમ હાઇની સપાટી દેખાડતો હતો. નિષ્ણાંતો હાલમાં એફ.એમ.સી.જી કંપનીઓના શૈર ખરીદવાની સલાહ આપી રહ્યા છે. બજારમાં આઇ.ટી.સી તથા હિન્દુસ્તાન યુનિલિવરનાં શેર ફેવરીટ છૈ. નિફ્ટી એફ.એમ.સી.જી ઇન્ડેક્ષ 44000 થવાની આગાહીઓ થઇ રહી છે. કારણ કે આગામી બે મહિના એટલે કે દિવાળી સુધી મધ્યમ વર્ગીય ગ્રાહકોની ખરીદી યથાવત રહેશે.

હવે સવાલ એ છૈ કે આ ગ્રાહકોને જુના ભાવે ખરીદી કરવા મળશે? અગાઉ આવી વ્યવસ્થા નહોતી. કારણ કે જ્યારે ભાવવધારો કાબુમાં આવે ત્યારે રિટેલરો ભાવ વધારતા નહોતો સાથે જ તેઓ ભાવ ઘટાડતા પણ  નહોતા, સામેપક્ષે આમજનતા ભાવ વધતા નથી તે જોઇને ખુશ થતી અને સ્થિર થયેલા નવા ભાવથી ટેવાઇ જતી. પરંતુ આ વખતે સરકારે જ મધ્યસ્થી કરીને સૌને રિટેલ પ્રાઇસ ઘટાડવાની સુચના આપી છે.

તેથી અદાણી, આઇ.ટી.સી.,ઇમામી તથા પારલે જેવી તમામ મોટી કંપનીઓ એમ.આર.પી ઘટાડવા તૈયાર થઇ છે. તેથી સ્વાભાવિક રીતે જ રિટેલ દુકાનદારોને નીચા ભાવે માલ વેચવા પડશે.પારલેનાં સત્તાધીશો ટૂંકસમયમાં નીચી ઉત્પાદન કિંમતનો લાભ આમ જનતાને આપવાની રણનીતિ બનાવી રહ્યા છે. આગામી દિવસોમાં પારલે-જી, મોનેકો કે ક્રેકજેક જેવા બિસ્કીટનાં તથા મેલોડી અને મેંગો બાઇટ જેવી ચોકલેટ પિપરમેન્ટનાં  કાંતો ભાવ ઘટશે અથવા તો એજ ભાવ રાખીને  તેના પેકિંગ મોટા કરીને વધારે વજન ઓફર કરવામાં આવશે.

અત્રે ખાસ નોંધનીય છે કે કોવિડ-19 નાં મહાબંધથી શરૂ થયેલી મોંઘવારીને રશિયા-યુક્રેન યુધ્ધ અને બાકી હોય તો ઇન્ડોનેશિયાના પામતેલ નિકાસ ઉપરનાં કામચલાઉ પ્રતિબંધે આ કંનીઓની પડતર 50 ટકા જેટલી વધારી નાખી હતી. જેના કારણે કંપનીઓને નાછુટકે ભાવ વધારવા પડ્યા હતા.માર્કેટિંગનો પ્રાઇસીંગ સિધ્ધાંત એવું કહે છે કે એક ભાવ તમે જાળવી રાખો તો ગ્રાહક તેનાથી ટેવાઇ જાય છે. આ સિધ્ધાતને અમલમાં મુકવા આવે તેવું આગામી દિવસોમાં દેખાય છે. મોટા ભાગની કંપનીઓ ભાવ ઘટાડવાને બદલે જુના ભાવમાં વધારે વજનનાં પેકિ ગ ઓફર કરશે. આમ કરવાથી તેમના નેટ વેચાણમાં વધારો થશે. ભાવ યથાવત રહેતા રેવન્યુ જળવાઇ રહેશે. અને ગ્રાહકોને ઓછા ભાવની સ્કીમ ઓફર થઇ એમ પણ કહેવાશે.

એમ તો પામતેલનાં ભાવમાં ઘટાડો થયો છે પણ બે વર્ષ પહેલા જે ભાવ હતા તેના કરતાં હજુ પણ ભાવ 54 ટકા વધારે છે. વળી જે રિટેલરો પાસે જુના એમ.આર.પી. વાળા પેકિંગ હશૈ તેઓ હજુ પણ ઉંચા ભાવે માલ વેચશે. પણ નવા ઓર્ડર નવા ભાવ સાથે થવાના હોવાથી તેમને ભાવ ઘટાડવા જ પડશે. બસ હવે ગ્રાહકોને દુકાનદાર સાથે ભાવની રકઝક કરવા તૈયાર રહેવું પડશે.  કારણકે ઘણા કેસમાં એવું બનશે કે જો ગ્રાહક સસ્તું માંગશૈ તો જ દુકાનદાર સસ્તું આપશે…!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.