જામનગર રોડ પર ત્રણ દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ ચંદ્રચુડના હસ્તે થયેલા લોકાપર્ણ બાદ નવા કોર્ટ સંકુલમાં ગઇકાલથી વકીલોને ટેબલ રાખવાના પ્રશ્ર્ને ભારે ઘર્ષણ થયું હતું અને મોડીરાત સુધી વાદ વિવાદ ચાલ્યા બાદ મોડીરાતે બે અધિક સેન્શસ જજે મધ્યસ્થી કરી મામલો થાળે પાડયા બાદ આજે સવાલે ફરી ટેબલનો વિવાદ વધુ વકરે તેમ હોવાથી પોલીસની મદદ લેવી પડી હતી. વકીલોનો ટેબલનો પ્રશ્ર્ન વધુ ગુચવાતો હોવાથી રાતો રાત રાખવામાં આવેલા ટેબલ હટાવી જનરલ બોર્ડમાં સૌની સહમતી સાથે ટેબલનો વિવાદ ઉકેલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાતો રાત રાખવામાં આવેલા વકીલોના ટેબલ અંગે પેચીંદા બનેલા પ્રશ્ર્નોનો સૌ સાથે મળી સહમતીથી ઉકેલ લાવવા પ્રયાસ કરાશે
વકીલો વચ્ચે વાદ વિવાદ વકરે તે પહેલાં પોલીસની મદદ લેવી પડી: રાત્રે બે અધિક સેન્શસ જજે મધ્યસ્થી કરવી પડી
નવા કોર્ટ સંકુલ અંગે બાર એસોસિએશનના હોદેદાર અને ડીસ્ટ્રીક જજ વચ્ચે ગઇકાલે બેઠક થઇ અને કમિટીની રચના કરવાની ફોમ્યુલા તૈયાર કરવામાં આવી હતી તે દરમિયાન કેટલાક એડવોકેટ દ્વારા પોતાના ટેબલ કોર્ટ સંકુલમાં ઘુસાડી મન પસંદ જગ્યા પર ગોઠવી દીધા હતા. આથી કેટલાક એડવોકેટ નારાજ થયા હતા. વકીલો વચ્ચે ગઇકાલે વિવાદ થયા બાદ બારની ગરીમાને ઠેસ પહોચે તેમ હોવાથી મોડીરાતે ત્રણ અધિક સેન્શસ જજ દ્વારા દરમિયાનગીરી કરી મોડીરાતે મામલો થાળે પડાયો હતો.
રાતે શાંત પાડેલો વિવાદ સવારે વધુ ઉગ્ર બને તેમ હોવાથી નવા કોર્ટ સંકુલમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને સવારે ટેબલ સાથે આવેલા છકડો રિક્ષા અને છોટા હાથીને પોલીસે અટકાવી દીધા હતા. બપોરે સિનિયર એડવોકેટો પણ નવા કોર્ટ સંકુલમાં દોડી ગયા હતા અને બારની ગરીમા જળવાય તેવા પ્રયાસો કયા4 હતા પરંતુ રાતોરાત ટેબલ ગોઠવીને બેસી ગયેલા વકીલો ટસના મસ ન થતા ફરી ડીસ્ટ્રીક જજની મદદ માગવામાં આવી હતી.