Abtak Media Google News

એકતરફ ડિસ્ટ્રીબ્યુશન ચેન તૂટી, રો-મટીરીયલ્સની અછત બીજીતરફ વેચાણની સીઝન લોકડાઉન: ૯૫ ટકા વેપાર ઉપર ‘રંધો’ લાગી ગયો

સમગ્ર ગુજરાતમાં ખ્યાતનામ રાજકોટના ફર્નીચર ક્ષેત્રને કોરોનાની કાળી નજર લાગી ગઇ છે. મહામારીને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનથી પડેલા ફટકામાં આ ક્ષેત્રની હજુ કળ વળી નથી. લગ્નસરાની સીઝન વીતી ચુકી છે. અને હવે નજીકના ભવિષ્યમાં ફરીથી મૌસમ ખીલે તેવી શકયતા ખુબ જ ઓછી છે. આવા સમયે ફર્નીચર સેકટર સરકાર તરફથી રાહતના પગલા લઇને હુંફ આપવામાં આવે તેવું ઇચ્છી રહ્યું છે. ત્યારે મહામારી વચ્ચે અને મહામારી બાદ સેકટરને શું અપેક્ષાઓ તંત્ર પાસે છે? સેકટરની સ્થિતિ કેવી છે તે જાણવાનો પ્રયાસ ટીમ ‘અબતક’ દ્વારા કરવામાં આવ્યો છે.

Advertisement

‘વર્ક ફ્રોમ હોમ’ સહિતના કામો માટે નવી વેરાયટીનું આગમન

Img 20200717 Wa0037

હાલના સમયમાં વર્ક ફ્રોમ હોમના ક્ધસેપ્ટથી લોકો કામ કરી રહ્યા છે ત્યારે ફર્નિચર ઉદ્યોગ કે જે સતત નવી વેરાયટી માટે પ્રખ્યાત છે તેમાં વર્ક ફ્રોમ હોમ ક્ધસેપ્ટ માટે નાના નાના ઓફિસ ટેબલની નવી પ્રોડકટ બજારમાં પ્રચલિત થઈ રહી છે. લોકો ઘરે બેઠા ઓફિસ જેવા માહોલમાં કામ કરી શકે તે હેતુસર આ પ્રોડકટની ખરીદી કરતા થયા છે. સાથે સાથે હાલ ’લર્ન ફ્રોમ હોમ’ ક્ધસેપ્ટથી ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના શિક્ષણને લોક ડાઉનની અસર ન થાય તે હેતુસર શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠા વર્ચ્યુલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે વાલીઓ તેમના બાળકો માટે બજારમાં આવેલી નાની નાની બેંચની ખરીદી કરતા હોય છે. હાલ લોક ડાઉનને અનુરૂપ નવા ફર્નિચર બજારમાં આવી રહ્યા છે.

મુખ્ય વેચાણની સિઝન લોક ડાઉનમાં વીતી હોવાથી ભારે આર્થિક માર: વિજયભાઈ સાવલિયા (મધુરમ ફર્નિચર)

Vlcsnap 2020 07 17 08H55M44S163

મધુરમ ફર્નિચરના માલિક વિજયભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે હાલ આ ક્ષેત્રમાં ખૂબ જ ઉતાર જોવા મળી રહ્યો છે. પ્રથમ લોક ડાઉન અને હવે વરસાદી માહોલ હોવાથી વેચાણ ખૂબ જ ઓછું છે જેના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા અઢી મહિના લોક ડાઉનમાં વીત્યા છે જેમાં વેચાણ સદંતર બંધ હતું. આવક કોઈ જાતની હતી નહીં પરંતુ જાવક સતત ચાલુ હતી કેમકે આ સમયગાળા દરમિયાન દુકાનના ભાડાથી માંડીને કર્મચારીઓના પગાર, મેઇન્ટેનન્સ ખર્ચ, વિજબીલ સહિતના ખર્ચ સતત ચાલુ જ રહ્યા હતા જેના કારણે આર્થિક મારનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમાં પણ અધૂરામાં પૂરું ફર્નિચર ક્ષેત્ર માટે લગ્નગાળો મુખ્ય વેચાણની સિઝન હોય છે પરંતુ આ સમયે લોક ડાઉનને કારણે ધંધા બંધ રહ્યા અને તેના પરિણામે આખું વર્ષ બગડ્યું તે બાબત પણ સ્પષ્ટ છે. તેમણે અન્ય સમસ્યાઓ વિશે જણાવતાં કહ્યું હતું કે હાલ શ્રમિકોની સમસ્યાઓ પણ ખૂબ વધુ છે કેમકે શ્રમિકોએ તેમના વતન તરફ હિજરત કરી છે જેના કારણે પ્રોડક્શનથી માંડીને આફ્ટર સેલ્સ સર્વિસ પણ આપી શકાતી નથી જેથી બજારમાં બ્રાન્ડનું નામ પણ ખરાબ થાય છે. તેમણે હાલની ટ્રેન્ડિંગ પ્રોડક્ટ્સ વિશે જણાવતાં કયું હતું કે હાલ કોઈ ખાસ નવી પ્રોડક્ટ્સ બજારમાં આવતી નથી અને જે આવે છે તે કોરોના અને લોક ડાઉનને અનુસંધાને આવે છે. જેમકે નાના નાના ઓફિસ ટેબલ કે જે વર્ક ફ્રોમ હોમ માટે કામમાં આવી શકે. ઓનલાઇન એજ્યુકેશન માટે વાલીઓ નાની નાની બેન્ચ ખરીદતા હોય છે. નવી વેરાયટી મોટાભાગે ચાઈનાથી આવતી હોય છે પરંતુ ચાઈના પર પ્રતિબંધ આવતા હમણાં કોઈ જ નવી વેરાયટી આવતી નથી. તેમણે વધુમાં સ્થાનિક અને આયાતી ફર્નિચરના તફાવત વિશે જણાવતાં કહ્યું હતું કે આયાતી ફર્નિચરમાં ફિનિશીંગ ખૂબ સારું હોય છે, મોટા જથ્થામાં સરળતાથી મળી રહેતું હોય છે જેની સામે સ્થાનિક કક્ષાએ એ પ્રકારની આધુનિક મશીનરી, મેન પાવર, સ્ટ્રેટરજીના અભાવે મોટો જથ્થો એકસાથે મળવો મુશ્કેલ હોય છે પરંતુ હાલ વિકાસ થઈ રહ્યો છે તેમ છતાં ચાઈનાની હરિફાઈમાં ઉતરવા ઘણા ફેરફાર કરવા પડશે. અંતે તેમણે આર્થિક સહાય અંગે જણાવતાં કહ્યું હતું કે હાલ લોન – સીસીમાં રાહત આપવામાં આવે અથવા ટેક્સ સ્લેબમાં રાહત અપાય તો પ્રોડક્ટ્સ નીચા ભાવે ગ્રાહક સુધી પહોંચાડી શકાય જેથી નવો ગ્રાહક કોઈ પણ પ્રોડકટ લેવા અર્થે પ્રેરાઈ શકે.

લગ્નગાળામાં ધંધો કરી નહીં શકતા સમગ્ર વર્ષ નકામું બન્યું: હેમલ ગાંધી (ચાંદની ફર્નિચર)

Vlcsnap 2020 07 17 09H06M27S196

ચાંદની ફર્નિચરના માલિક હેમલભાઈ ગાંધીએ જણાવ્યુ હતું કે હાલ માંગ ખૂબ ઓછી હોવાથી વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તે ઊપરાંત શ્રમિકોબી ભારે અછત હોવાથી પ્રોડક્શન પણ કરી શકાતું નથી.વેંચાણની સિઝન બિલકુલ કોરું રહ્યું છે જેથી વર્ષ બગડ્યું છે, હાલ બહારગામથી પણ કોઈ જ પ્રકારની માંગ ઉભી થતી નથી જેથી વેચાણને ખૂબ જ માઠી અસર નોંધાઇ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે રાજ્યમાંથી લોક ડાઉન ઉઠાવી લેવામાં આવ્યું છે પણ જ્યાંથી રો મટીરીયલ મંગાવીએ છીએ ત્યાં હજુ પણ લોક ડાઉન હોવાથી હાર્ડવેર સહિતના પાર્ટ્સ મંગાવી શકાતા નથી અને પ્રોડક્શન કરી શકાતું નથી. તેમણે અંતે કહ્યું હતું કે જો આ ક્ષેત્રને ફરીવાર જીવંત કરવું હોય તો સરકારે ટેક્ષમા રાહત આપવી જ પડશે કેમકે તમામ પ્રોડક્ટ્સ પર ૧૮% ટેક્સ વસુલવામાં આવે છે જેથી કિંમત ખૂબ વધી જતી હોય છે જો ટેક્સ ઘટે તો કિંમત ઓછી રાખીને વેચાણ કરી શકાય.

ડિસ્ટ્રિબ્યુશન ચેઇન, રો-મટીરીયલ, શ્રમિકોની અછતને કારણે ફર્નિચર ક્ષેત્ર મુશ્કેલીમાં: ઘનશ્યામભાઈ ભોજાણી (વિનસ ફર્નિચર)

Vlcsnap 2020 07 17 09H06M38S58

રાજકોટ ફર્નિચર એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ ભોજાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોક ડાઉનને કારણે આ ક્ષેત્રને ખૂબ જ માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે. તમામ વેપારીઓ – મેન્યુફેક્ચરિંગ યુનિટોએ ભારે આર્થિક હાલાકીનો સામનો લરવો પડી રહ્યો છે. લોક ડાઉનનો લોક ખુલ્યો પણ હજુ અનેકવિધ સમસ્યાઓ ઉભી જ છે. જેમકે પ્રથમ સમસ્યા એવી છે કે અમારા રો મટીરીયલ અન્ય રાજ્યોમાંથી આવે છે જ્યાં હજુ પણ લોક ડાઉન અમલી છે જેના કારણે રો મટિરિયલ મળી શકતું નથી. અમારા ક્ષેત્રમાં મોટાભાગે પરપ્રાંતીય મજૂરો કાર્યરત હોય છે પરંતુ આ વિકટ પરિસ્થિતિમાં તેમણે હિજરત કરી છે જેના કારણે શ્રમિકોની પણ ભારે અછત સર્જાઈ છે. શ્રમિકોની સમસ્યાને કારણે ગ્રાહકવર્ગની આફ્ટર સેલ્સ સર્વિસ આધારિત જે ફરિયાદો હોય છે તે પણ ઉકેલી શકાતી નથી. એ ઉપરાંત તેમણે કહ્યું હતું કે લોક ડાઉન અંલી બનતા તમામ ડિસ્ટ્રિબ્યુશન ચેઇનને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ડિસ્ટ્રિબ્યુશન ચેઇન ડિસ્ટર્બ થવાના પરિણામે સપ્લાયને પણ પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમુક રો મટીરીયલ તેમજ ફર્નિચર ચાઈના ખાતેથી આવતું હતું પરંતુ તે એકાએક બંધ થતા  ફટકો પડ્યો છે પરંતુ તેનો અમને કોઈ અફસોસ નથી કેમકે જો ચાઈનીઝ પ્રોડક્ટ્સ બંધ થશે તો સ્થાનિક ક્ષેત્રને વેગ અને પ્રોત્સાહન બંને મળનાર છે. અંતે તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ જે રીતે આર્થિક ફટકો આ ક્ષેત્રને પડ્યો છે તેવા સંજોગોમાં ખાસ ફર્નિચર ક્ષેત્રને ટેક્સ સ્લેબમાં રાહત આપવામાં આવે તો ફરીવાર ક્ષેત્રનું ઉત્થાન થઈ શકે.

આ પરિસ્થિતિ યથાવત રહી તો વેપારીઓ દિવાળીએ દિવાળી ઉજવી નહીં શકે: મનુભાઈ મારૂ (રંગોલી ફર્નિચર)

Vlcsnap 2020 07 17 09H02M35S180

રંગોલી ફર્નિચરના મલિક મનુભાઈ મારુએ કહ્યું હતું કે લોક ડાઉનની અસર તમામ ઉદ્યોગ ધંધાને નાની મોટી અસર થઈ જ છે જેમાંથી ફર્નિચર ક્ષેત્ર પણ બાકાત રહી શક્યું નથી. ફર્નિચર ક્ષેત્રને આર્થિક નુકસાનની વાત કરીએ તો આ ક્ષેત્રમાંથી જે લોકો રોજગારી મેળવે છે તેમનું પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. વેપારીઓએ નિયત વેતન ધરાબતા કર્મચારીઓને તેમની જરૂરિયાતને આધારે ૫૦% થી માંડી પુરા પગાર સુધીનું વેતન ચૂકવ્યું છે પરંતુ જે શ્રમિકો રોજે રોજનું કામ કરીને વેતન મેળવતા હતા તેમની સ્થિતિ કફોળી બની છે. અને તેની સાથે વેપારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેમકે આ ઉદ્યોગ કોઈ મોટો ઉદ્યોગ નથી, ગૃહ ઉદ્યોગ માફક આ ઉદ્યોગ ચાલે છે. નાના નાના કારીગરો અને વેપારીઓ જાતે જ કોઈ પ્રોડકટ બનાવીને બજારમાં વેચાણ અર્થે મુકતા હોય છે ત્યારે સરકારે આ ક્ષેત્ર માટે કોઈ ચોક્કસ સહાયની જાહેરાત પણ કરી નહિ હોવાથી આ ક્ષેત્ર ખૂબ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે જે ફર્નિચર ઉદ્યોગો ખૂબ મોટા સ્તરે ચાલે છે તેને ચોક્કસ સરકારી લોન જેવી સહાયનો લાભ મળ્યો હશે પરંતુ નાના ઉદ્યોગ સાહસિકોને હજુ પણ કોઈ સહાય મળી નથી. તેમણે કહ્યું હતું કે રાજકોટએ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ફર્નિચર માટે એપી સેન્ટર છે ત્યારે વેંચાણની સિઝન નજીક આવતા તમામ વેપારીઓએ સ્ટોક મેઇન્ટેઇન કર્યો હતો પણ વેચાણ નહિ થતાં તમામ સ્ટોક હાલ યથાવત સ્વરૂપે પડ્યો છે અને જો હજુ આ પ્રકારની સ્થિતિ રહી તો વેપારીઓ દેવાદાર બની જશે. તેમણે કહ્યું હતું કે હાલ સુધી ચાઈનાએ ફર્નિચર ક્ષેત્રમાં પ્રભુત્વ જાળવી રાખ્યું હતું જેના કારણે ગુણવતાથી માંડી કિંમતમાં હરીફાઈમાં સ્થાનિક ફર્નિચર ઉતરી શકે નહીં કારણ કે ત્યાંની સરકાર ઉદ્યોગને અગ્રીમતા આપી તમામ પ્રકારની સહાય કરે છે જે અહીં મળતા એક ચોક્કસ સમય વીતી જાય તેવું મારું માનવું છે.

જીએસટીમાં રાહત મળે તો અને તો જ ફર્નિચર ક્ષેત્રના ‘જીવ માં જીવ’ આવી શકે: જગદીશભાઈ કાસુંદ્રા (મીરા ફર્નિચર)

Vlcsnap 2020 07 17 09H06M11S41

મીરા ફર્નિચરના માલિક જગદીશભાઈ કાસુંદ્રાએ જણાવ્યું હતું કે ફર્નિચર ક્ષેત્ર માટે લગ્નગાળો મુખ્ય વેંચાણની સિઝન હોય છે તેવા સમયમાં લોક ડાઉનને કારણે ધંધા બંધ રહેતા સમગ્ર વર્ષ નકામું બન્યું છે. તે ઉપરાંત પરપ્રાંતીય શ્રમિકોની ભારે ઘટ્ટ હોવાથી પ્રોડક્શન અને આફ્ટર સેલ્સ સર્વિસમાં નોંધપાત્ર બાંધછોડ કરવી પડે છે જેના કારણે વેપારી અને ગ્રાહક બંનેનો ભોગ લેવાય છે. તેમણે અન્ય સમસ્યાઓ વિશે જણાવતા કહ્યું કે અમારું રો મટીરીયલ અમદાવાદ, મુંબઇ, ગોવા સહિતના સ્થળો ખાતેથી આવતું હોય છે પરંતુ લોક ડાઉન અને મહામારીને કારણે આ સ્થળો બંધ અવસ્થામાં રહેલા હોવાથી કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કરી શકાતી નથી. તેમણે એવું પણ ઉમેર્યું હતું કે હાર્ડવેર આધારિત પાર્ટ્સ માટે અમે સંપૂર્ણપણે અન્ય રાજ્યો પર નિર્ભર છીએ જે બંધ થતા પ્રોડક્શનને ખૂબ મોટી અસર પડી છે. અંતે તેમણે પણ લાહયું હતું કે હાલના સમયમાં જો જીએસટીમાં રાહત મળે તો અને તો જ આ ક્ષેત્રના જીવમાં જીવ આવી શકે.

ગત ત્રણ મહિનામાં વેપારમાં ૯૫%નો નોંધપાત્ર ઘટાડો: બિંદેશ નંદાણી (પૂનમ ફર્નિચર)

Vlcsnap 2020 07 17 09H05M59S163

પૂનમ ફર્નિચરના બિંદેશભાઈ નંદાણીએ કહ્યું હતું કે હાલ લોકો પાસે પૈસા નથી, લોકોમાં ખરીદી અંગે કોઈ રુચિ રહી નથી જેના કારણે વેચાણ ખૂબ જ નોંધપાત્ર ઘટ્યું છે અને કહી શકાય કે હાલના સમયમાં વેપારમાં આશરે  ૯૫% નો ઘટાડો થયો છે જેથી આર્થિક પરિસ્થિતિ પણ નબળી બની છે. તેમણે વધુમાં વ્યથા ઠાલવતા કહ્યું હતું કે લગ્નગાળા દરમિયાન લોક ડાઉન હોવાથી એક રૂપિયાનો પણ ધંધો કરી શકાયો નથી જેના કારણે ખૂબ જ નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે ફર્નિચરના ઉત્પાદન માટે રાજકોટ ચોક્કસ હબ છે પરંતુ અમદાવાદ સહિતના શહેરો તેમજ અન્ય રાજ્યોમાંથી ઓન અનેકવિધ નવી વેરાયટી તેમજ રો મટીરીયલ આવતું હોય છે પરંતુ તેવા સ્થળોએ લોક ડાઉન હજુ અમલી હોવાથી સમગ્ર ચેઇન ખોરવાઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે આ ક્ષેત્રમાં નવી નવી પ્રોડક્ટ્સ માટે સતત હરીફાઈમાં રહેતું નથી પરંતુ હાલ કોઈ જ જાતની નવી પ્રોડક્સ્ટ આવતી નથી અને તેમાં પણ હજુ આગામી દિવસોમાં કેવી પરિસ્થિતિ રહેશે જેથી વેપારીઓ પણ કોઈ નવી પ્રોડક્ટ લેવાનું સાહસ કરી શકતાં નથી જેથી કોઈ નવી પ્રોડકટ બજારમાં આવતી નથી. અંતમાં તેમણે કહ્યું હતું કે હાલ સરકારે ચોક્કસ જીએસટીમાં રાહત આપવું જોઈએ કેમકે જો ટેક્ષનું ભારણ ઓછું થશે તો નીચા ભાવે વેચાણ કરી બજારમાં ટકી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.