Abtak Media Google News

સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાંત તબીબોની ઘટ

ગુજરાતમાં વિકાસ હોવાના દાવા કરવામાં આવતા હોય છે. પરંતુ વાત પાયાની સુવિધાની કરવામાં આવે તો ગુજરાતમાં વિકાસ મૃગજળ સમાન બની જાય છે. ગુજરાતના સામાજિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાત તબીબોની, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની મોટાપાયે ઘટ હોવાનું સામે આવ્યું છે. તબીબોની સૌથી વધુ ઘટ ધરાવતા રાજ્યમાં ગુજરાત બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની હરોળમાં છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી વિગતો અનુસાર ગુજરાતમાં સામાજિક આરોગ્ય કેન્દ્રમાં ૧૨૮૮ તબીબોની જરૃરિયાત છે અને તેની સામે માત્ર ૧૧૪૦ તબીબો કાર્યરત્ છે. સામાજિક આરોગ્ય કેન્દ્રમાં સૌથી વધુ નિષ્ણાત તબીબોની ઘટ હોય તેમાં ઉત્તર પ્રદેશ મોખરે છે. ઉત્તર પ્રદેશમાં ૩૦૯૨ની ક્ષમતા સામે ૨૬૦૮ તબીબો કાર્યરત્ છે. બીજી તરફ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્થિતિ વધુ કથળેલી છે. જેમાં ૧૩૧૪ સામે ૨૦૯ જ તબીબો છે. ગુજરાતના સામાજિક આરોગ્ય કેન્દ્રમાં ૩૨૨ તબીબો સામે ૧૬૬ જ છે. આવી જ રીતે સામાજિક આરોગ્ય કેન્દ્ર-પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નર્સિંગ સ્ટાફમાં ૩૫૬૮ની જરૃરિયાત સામે ૮૫૮ ઉપલબ્ધ છે. આ અંગે નિષ્ણાતોનું માનવું છે કે સરકાર દ્વારા સારું વળતર આપવામાં આવતું હોવા છતાં તબીબો ખાનગી પ્રેક્ટિસ કરવાનું વધારે પસંદ કરે છે. ખાસ કરીને કચ્છ અને ડાંગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ અદા કરવા માટે ખૂબ જ ઓછા નિષ્ણાત તબીબો તૈયાર થતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડામાં ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વચ્ચે માત્ર એક તબીબ છે. જે વિસ્તારમાં માળખગત સુવિધા ઉપલબ્ધ હોય નહીં ત્યાં તબીબો જવાનું પસંદ કરતા નથી. નિષ્ણાત ડોક્ટરને અભાવે ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના લોકો પાસે નજીકના શહેરની હોસ્પિટલમાં દાખલ થવા  સિવાય અન્ય કોઇ જ વિકલ્પ બાકી રહેતો નથી. તજજ્ઞાોનું માનવું છે કે ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં સૌપ્રથમ આરોગ્યની સુવિધામાં સુધારો કરવામાં આવે તે જરૃરી છે અને પછી શહેરોના વિકાસ કરવા તરફ મીટ માંડવી જોઇએ.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.