Abtak Media Google News

પાટીદાર સમાજના નામે ઉછાળેલો દડો અન્ય સમાજે પણ ઝીલી લીધો છે. જેથી હવે વધુ બે સમાજે ગુંજ પોકારી છે કે અમારા સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ. જો કે હવે દરેક સમાજે એ વાત સમજવાની જરૂર છે કે કોઈ રાજકીય નેતા જ્ઞાતિ- જાતિમાંથી નથી આવતા, પ્રજામાંથી આવે છે.

પાટીદાર સમાજના નામે ઉછાળેલો દડો અન્ય સમાજે પણ ઝીલી લીધો

કોઈ રાજકીય નેતા જ્ઞાતિ-જાતિમાંથી નથી આવતા, પ્રજામાંથી આવે છે, દરેક સમાજ આ વાત સમજશે તો જ રાજકારણ બદનામ થતું બંધ થશે

પાટીદાર સમાજના અગ્રણીઓએ ખોડલધામ ખાતે એક બેઠક યોજી હતી. જેમાંથી રાજકીય જાહેરાત પણ કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી તો અમારા સમાજના હોવા જોઈએ. હવે પ્રશ્ન એ થાય છે કે આ જાહેરાત અગ્રણીએ શુ આખા સમાજને વિશ્વાસમાં લઈને કરી હતી કે પોતાના મત મુજબ કરી હતી ?. જો કે આ જાહેરાત બાદ આંતરિક વિરોધ પણ ઉઠ્યો હતો. સમાજના જ લોકોએ આ વાતને ફગાવી હતી.

ચૂંટણી આવે ને સમાજને ચકડોળે ચડાવવાનું કામ શરૂ થઈ જાય. આ ઘટનાક્રમ વર્ષોથી ચાલ્યા રાખે છે. આ ઘટના ક્રમને એક તરફ મૂકીને પાટીદાર સમાજના અગ્રણીઓની મળેલી બેઠક વિશે જોઈએ તો સામાન્ય રીતે કોઇ સમાજની બેઠક મળે તો તેમાં સમાજના અગ્રણીઓ સમાજના ઉત્થાન, વિકાસ, શિક્ષણ અને મદદરૂપ થવાની ચર્ચાઓ કરતા હોય છે અને તે માટે જરૂરી નિર્ણયો લેતા હોય છે. પણ ખોડલધામ ખાતે મળેલી બેઠકમાં રાજકીય ચર્ચાઓ કરવામાં આવી હતી. વધુમાં સતામાં રહેલા પાટીદાર નેતાઓએ પણ મુખ્યમંત્રીના હોદાની માંગને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ઉપરાંત પાટીદાર સમાજે પણ ઈશારો કરી દીધો હતો કે તે કોઈ પક્ષ વિરોધી કે મુખ્યમંત્રી વિરોધી નથી. ખોડલધામ ખાતે બેઠક યોજી સમાજ ઉત્થાન માટેના નિર્ણયો લેવાને બદલે અગ્રણીઓએ રાજકીય નિર્ણયો લેવાનું શરૂ કરતા સમાજમાં જ નારાજગી દેખાઈ હતી.

આ ઘટના બાદ હવે વધુ બે સમાજે પણ માંગ કરી છે કે મુખ્યમંત્રી અમારા સમાજના હોવા જોઈએ. આમ મુખ્યમંત્રીના હોદાની માંગ સાથે કુલ ત્રણ સમાજ સામે આવ્યા છે. હકકિતમાં વર્તમાન સ્થિતિમાં આ કમનસીબી છે. કોઈ રાજકીય નેતા જ્ઞાતિ- જાતિમાંથી આવતા નથી. પ્રજામાંથી આવે છે. છતાં પણ સમાજ નેતાના હોદાની માંગણી ઉઠાવે છે. જે અયોગ્ય છે.

ભૂતકાળ સાક્ષી છે, જ્ઞાતિ-જાતિનું રાજકારણ કરનારને પ્રજાએ ખૂણો બતાવી દીધો

ભૂતકાળ સાક્ષી છે જે જે લોકોએ જ્ઞાતિ- જાતિનું રાજકારણ કર્યું છે. પ્રજાએ તેને ખૂણો બતાવી જ દીધો છે. હાર્દિક પટેલ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જો કે કોઈ સમાજના નેતાને પરખતા સમાજને થોડી વાર લાગે છે. પણ તેનો અસલી ચહેરો એક સમયે સમાજ જાણી જ લ્યે છે અને સમાજને જેવું માલુમ પડે કે આ અગ્રણી સમાજ હિતેચ્છુ નહિ પણ સ્વ હિતેચ્છુ છે એટલે તે અગ્રણીની ઊંઘી ગણતરી શરૂ થઈ જ જાય છે. ઉલ્લેખનીય છે કે, જ્ઞાતિ-જાતીના રાજકારણ થોડા દિવસ માટે ચાલી શકે છે. સમાજ આવા રાજકારણનો સ્વીકાર ક્યારેય કરતું નથી અને કરશે પણ નહીં. આવા રાજકારણ રમનારા કહેવાતા નેતાઓને સમાજ હંમેશા સાઇડલાઇન કરી જ દયે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.