Abtak Media Google News

વર્ષોથી રાજકારણ ક્ષેત્રે કાર્યરત નેતાઓ વામણા સાબિત થતા હવે અધિકારીઓની નેતા તરીકે પ્રથમ પસંદગી

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે  ભાજપના પ્રદેશ માળખામાં વધુ ૯ નિમણૂંકો કરી છે. આ નિમણૂકોમાં સુરતમાં કલેક્ટર તરીકે ફરજ નિભાવી ચૂકેલા પૂર્વ આઇએએસ અધિકારી મહેન્દ્ર પટેલની નિમણૂક સૌથી ધ્યાન ખેંચનારી છે. હવે વર્ષોથી રાજકારણમાં રહેલા નેતાઓ સક્ષમ ન હોવાથી પસંદગી અધિકારીઓ ઉપર ઉતરી રહી છે. મહેન્દ્ર પટેલને ભાજપમાં સીધા ઉપપ્રમુખ બનાવી દેવાયા છે તેથી ભાજપના ટોચના નેતાઓમાં પણ આશ્ચર્ય જાગ્યું છે.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા વધુ ૯ નિમણુંક કરવામાં આવી છે. જેમાં પ્રદેશ ઉપપ્રમુખ પદે ડો.ભરત બોધરા, મહેન્દ્ર પટેલ અને પ્રદેશ મંત્રી જયશ્રીબેન લીલાધરભાઈ દેસાઈ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા યમલભાઈ વ્યાસ, પ્રદેસગ મીડિયા ક્ધવીનર ડો. યગ્નેશભાઈ દવે, પ્રદેશ મીડિયા સહ ક્ધવીનર કિશોરભાઈ મકવાણા, પ્રદેશ ક્ધવીનર આઈ.ટી. નિખિલભાઈ વિનોદભાઈ પટેલ, પ્રદેશ ક્ધવીનર સોશિયલ મીડિયા સિદ્ધાર્થ પી.પટેલ અને પ્રદેશ સહ ક્ધવીનર સોશિયલ મીડિયા તરીકે મનનભાઈ દાણીની નિમણુંક કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે હવે રાજકારણમાં અધિકારીઓને નેતા બનાવવાની હોડ જામી છે. નેતાઓ સક્ષમ ન હોવાથી વહીવટમાં પારંગત એવા અધિકારીઓને નેતા બનાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરત કલેક્ટર તરીકે નિવૃત્ત થયા બાદ મહેન્દ્ર પટેલને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટમાં એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. ભૂતપૂર્વ આઇએએસ મહેન્દ્ર પટેલ અમદાવાદમાં ડેપ્યુટી કમિશ્નર ઉપરાંત કચ્છ અને સુરતમાં કલેક્ટર તરીકે ફરજ નિભાવી ચૂક્યાં છે. ભાજપના શાસન વખતે મહેન્દ્ર પટેલની ગણના ભાજપ તરફી અધિકારી તરીકે થતી હતી. મહેન્દ્ર પટેલનો પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે પણ ઘરોબો છે. આમ મહેન્દ્ર પટેલને સીધું પ્રદેશ ઉપપ્રમુખ પદ આપીને ભાજપે તેમની સેવાની કદર કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.