Abtak Media Google News

21 વર્ષ પૂર્વે આજના દિવસે જલારામ ધામમાં દાન ન સ્વીકારવાનો નિર્ણય જાહેર કરાયો હતો

ભોજલરામની આજ્ઞાને માથે ચડાવી જલાભગતે શરૂ કરેલું સદાવ્રત આજ પણ અવિરત કે જ્યાં રોજ બપોર અને સાંજ ‘હરિહર’નો નાદ સંભળાય છે

સંત, સતી, સુરા, દાતાર અને ભક્તિના રંગમાં રંગાયેલા ભક્તોની ભૂમિ સૌરાષ્ટ્ર કે જ્યાં વર્ષોથી ભક્તિની ભભક ફોરૂ દેતી હોય, રાજની તીજોરીના તળિયા દેખાવા માંડે ત્યાં સુધી દાનની સરવાણી અવીરત ચાલુ રાખે એવા દાતારો અને કહેવાય છે કે ગરવા ગીરનારની ગોદમાં સેંકડો વર્ષોથી સાધનામાં લીન સાધુ-સંતો આજ પણ મોજુદ છે. પરંતુ જ્યારે એક પણ રૂપિયાનું દાન ન સ્વીકારી અને અવિરત અન્નક્ષેત્ર કે જેમાં હજારો લોકો હરિહર કરી પોતાની જઠરાગ્નિ ઠારતી હોય આવું સ્થાન એટલે વીરપુરનું જલારામ મંદિર કે જે વિશ્ર્વમાં એકમાત્ર એવું ધામ છે કે જ્યાં આજ છેલ્લા 21 વર્ષથી દાન સ્વીકારવામાં આવતું નથી છતાં દરરોજ સવાર-સાંજ હરિહરનો નાદ ગુંજે છે.

ધન્ય ભોજલની કંઠી કે જેણે જ્યોત જલામાં જણાવીએ ભજની પંક્તિને સાર્જક કરતું સ્થાન એટલે જલારામ ધામ કે જેનો એક જ જીવનમંત્ર ‘ટુકડો ત્યાં હરિ ઢુકડો’….. સંત ભોજનરામના મુખારવીંદમાંથી ટપકેલા ટુકડો શરૂ કરવાના શબ્દોને રઘુવંશી કુળમાં જન્મેલા અને સૌરાષ્ટ્રના સંત બાવલીયાએ માથા પર ચડાવી ‘ટુકડો’ (અન્નક્ષેત્ર) શરૂ કર્યું હતું.

આજ પણ વિરપુર જલારામ મંદિર દ્વારા ‘ટુકડા’ની અવીરત સેવા ચાલુ રાખવામાં આવી છે અને આજ વીરપુર ક્યુ તો એમ કહેવું પડે કે જલારામનું આ વાત એટલા માટે કહેવી પડે કારણ કે સૌરાષ્ટ્રના અનેક ધર્મસ્થાનો છે કે જ્યાં ‘હરિહર’ અન્નક્ષેત્ર છે. જ્યાં હજારો યાત્રાળુઓ બે ટાઇમ હરી કરે છે.

પરંતુ વીરપુર જલારામ ધામ એક એવું યાત્રાધામ છે કે જ્યાં છેલ્લા 21 વર્ષથી દાન સ્વીકારવામાં આવતું નથી અને આજનો એ દિવસ છે કે આજથી એકવીસ વર્ષ પૂર્વે જલારામ મંદિર દ્વારા દાન ન સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો.

જો કે, જલારામ ધામમાં અન્નક્ષેત્ર ‘ટુકડા’ માટે અગાઉ આવતું અનાજ ‘મોકલનાર જલારામ અને સ્વીકારનાર પણ જલારામ’ કોઇપણ નામ જોગ અનાજ સ્વીકારવામાં આવતું નહીં અને તેમાં જલાબાપાની પ્રસાદીરૂપ વધારો કરી પરત કરવામાં આવતું હોવાનું પણ જાણવા મળ્યું છે.

સૌરાષ્ટ્રનો સંત ભક્ત જલારામે ભગવાન ‘રામ’ની ભક્તિ કરી હતી એટલે જ સાખીમાં કહ્યું છે કે ‘રામ’નામ મે લીન હે, દેખત સબ મે રામ, તાકે પદ વંદન કરૂ જય-જય-જય જલારામ, યોગાનુયોગ કહીએ તો ‘રામ’ના અક્ષર બે વિશ્ર્વનું એકમાત્ર જલારામ મંદિર કે જ્યાં છેલ્લા બાવીસ વર્ષથી દાન સ્વીકારવામાં આવતું નથી એટલે કે ‘22’ પણ છેલ્લે બે આવે, સદાવૃત શરૂ કર્યાને 202 વર્ષ થયા તેમાં પણ છેલ્લે બે અને આ વર્ષે જલારામની 222મી જન્મ જયંતિ ઉજવણી તેમાં પણ છેલ્લે 2 નો આંકડો આવે આમ આ વર્ષ ભગવાન ‘રામ’ના બે અક્ષરોનો આંકડાનો છેલ્લો 2 જલારામ મંદિર દ્વારા તમામ સતકાર્યોમાં 2 નો આંકડો જોડાયેલ છે તે યોગાનુયોગ કહી શકાય ખરો…..!

જો કે દાનના અનેક પ્રકાર છે જેમાં એક પંક્તિને યાદ કરીએ તો ‘વ્હાલો ગયા વિરપુરમાં અને માગ્યા જલાના નાર, કર જાલી કંઠે કામીની દીધી આવી રૂડી કાઠીયાવાડ’ સાધુ વેશે આવેલા પરમકૃપાળુ પરમાત્માને પત્નીને દાનમાં આપી દેતા ખચકાટ પણ ન અનુભવતા ભકત જલારામના આંગણે ગુરૂ ભોજલરામના શબ્દોને માથે ચડાવી અને શરૂ કરવામાં આવેલ (અન્નક્ષેત્ર) સદાવ્રત આજ પણ અવિરત અન્નપૂર્ણાનો પ્રસાદ ચાલુ રહ્યો છે બપોર અને સાંજ જલારામ મંદિરમાં હજારોની સંખ્યામાં ભકતજનો હરીહરના નાદના ગુંજારાઓ સાથે સમગ્ર વિરપુર જાણે કે જલાબાપાના પ્રત્યક્ષ દર્શન કરી રહ્યા હોય તેવા ભાવ સાથે ધન્યતા અનુભવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.